________________
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૭
૨૬૧ શ્રાવકને આ ચાર પ્રકારના અદત્તમાંથી ત્રીજા વ્રતમાં સ્વામીઅદત્ત વિષયક જ પ્રતિજ્ઞા છે અને તે સ્વામીઅદત્ત સ્થૂલ અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકારનું છે.
જે વસ્તુ તૃણ, ઢેફા જેવી અર્થાત્ મૂલ્ય વગરની નથી, પરંતુ મૂલ્યવાન છે તેવી પૂલ-વસ્તુ કોઈની ગ્રહણ કરવામાં આવે તો આણે ચોરી કરી છે તેવો વ્યવહાર થાય છે. તેવા અદત્તનું ગ્રહણ ક્લિષ્ટ અધ્યવસાયપૂર્વક થાય છે તે સ્થૂલ અદત્તાદાન છે, જેનું શ્રાવક વિરમણ કરે છે.
વળી, કોઈકના ઘર પાસે તૃણ, ઢેકું આદિ પડેલું હોય અને તેના માલિકને પૂછ્યા વગર કોઈ ગ્રહણ કરે ત્યારે લોકમાં “આણે ચોરી કરી છે તેવો વ્યવહાર થતો નથી. તેથી સ્થૂલ અદત્તાદાન નથી પરંતુ સૂક્ષ્મ અદત્તાદાન છે. શ્રાવક બને ત્યાં સુધી તેવી સૂક્ષ્મઅદત્ત વસ્તુ પણ ગ્રહણ કરે નહીં અને કોઈક પ્રસંગે તેવી વસ્તુ ગ્રહણ કરવાની આવશ્યકતા જણાય તો તેના માલિકને પૂછીને ગ્રહણ કરે અને ત્યાં કોઈ માલિક વિદ્યમાન ન હોય અને અતિ આવશ્યક જણાય અને તે વસ્તુ ગ્રહણ કરે તોપણ સૂક્ષ્મ વિષયક તેણે યતના કરી હોવાથી શ્રાવકને દોષની પ્રાપ્તિ થાય નહિ.
વળી, શ્રાવક જે સ્થૂલ અદત્તાદાનનું પચ્ચખાણ કરે છે તે સચિત્ત અને અચિત્ત બે ભેદથી છે. તેથી સચિત્ત એવાં ફળ-ફૂલ આદિ અન્યના બગીચામાં રહેલા હોય અથવા અન્યની માલિકીના હોય તે તેના સ્વામીને પૂછ્યા વગર ગ્રહણ કરે નહીં અને અચિત્ત સુવર્ણ અલંકાર કે અન્ય કોઈ ગૃહને ઉપયોગી વસ્તુ હોય તે પણ તેના માલિકને પૂછ્યા વગર ગ્રહણ કરે નહિ.
અદત્તાદાનનું પચ્ચખ્ખાણ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – સર્વ લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે આ માણસ કોઈની વસ્તુને તેના માલિકને પૂછ્યા વગર ક્યારેય ગ્રહણ કરતો નથી. વળી, આ માણસ સજ્જન છે તેવો સાધુવાદ લોકમાં પ્રવર્તે છે. વળી, જેઓ અદત્તાદાન વ્રતનું સમ્યફ પાલન કરે છે તેનાથી બંધાયેલા પુણ્યને કારણે તેની સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. વળી, દીર્ઘકાળ સુધી સ્થિર રહે તેવા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. વળી, આ વ્રત પાળીને શ્રાવક સ્વર્ગમાં જાય છે અને પરંપરાએ સર્વવિરતિ ગ્રહણ કરીને મોક્ષમાં જાય છે. તે સર્વ આ ત્રીજા વ્રતનું ફળ છે. તેમાં સાક્ષી આપે છે –
જે વ્યક્તિ અદત્તાદાનનું પચ્ચખ્ખાણ કરે છે અને વ્રતનું સમ્યફ પાલન કરે છે તેનું ધન ક્ષેત્રમાં, ખલમાં, અરણ્યમાં, દિવસે કે રાત્રે, કોઈકના વડે કરાયેલા શસ્ત્રઘાત આદિમાં નાશ પામતું નથી. આ અચોરીનું ફળ છે. વળી, જે શ્રાવક ત્રીજા વ્રતને ગ્રહણ કરે છે તેના કારણે બંધાયેલા પુણ્યથી ગામ, આકર ખાણો, નગરોનું સુંદર સ્વામીપણું પ્રાપ્ત થાય છે. વળી, દ્રોણમુખ મંડપ અને શહેરોનું સુંદર સ્વામીપણું પ્રાપ્ત થાય છે. આ સર્વ અચોરીનું ફલ છે.
વળી, જેઓ આ વ્રતને ગ્રહણ કરતા નથી કે ગ્રહણ કરીને ત્રીજા વ્રતને મલિન કરે છે તેઓને દુર્ભાગ્ય, દાસપણું, અંગછેદ, દરિદ્રતાદિ અનર્થોની પ્રાપ્તિ થાય છે.
તેમાં સાક્ષીપાઠ આપે છે –