________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮
૨૬૯ આનાથી એ ફલિત થાય કે દાનધર્મ કરતાં શીલધર્મ અધિક છે. અને બ્રહ્મચર્યનું પાલન તે શીલધર્મ છે. તેથી જે સાધુ કે શ્રાવક પોતાની શક્તિ અનુસાર ચોથું વ્રત ગ્રહણ કરે અને જે પ્રમાણે ગ્રહણ કરે છે તે પ્રમાણ જ શુદ્ધ પાલન કરે તો તેનું ફળ દાનધર્મ કરતાં ઘણું અધિક છે.
વળી, જેઓ દુષ્કર એવા બ્રહ્મચર્યને કરે છે તેઓને દેવો પણ નમે છે તેથી શીલ જગતપૂજ્ય છે, તેમ સિદ્ધ થાય છે. વળી, શીલના પાલનથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે –
શીલના પાલનના કારણે તે મહાત્માને આજ્ઞાનું ઐશ્વર્ય મળે છે. આથી જ શીલસંપન્ન શ્રાવકો કે સાધુઓ વૈમાનિક દેવ થાય છે ત્યારે આજ્ઞાનું ઐશ્વર્ય તેઓને પ્રાપ્ત થાય છે. વળી, મનુષ્યભવમાં આવે છે ત્યારે ઋદ્ધિ, રાજ્ય, સુંદર કામભોગો, શીલના પ્રભાવથી બંધાયેલા પુણ્યના કારણે મળે છે. વળી, શીલસંપન્ન મહાત્માઓની જગતમાં ઘણી કીર્તિ વિસ્તાર પામે છે. શીલપાલનને કારણે જન્માન્તરમાં શરીરબળ ઘણું મળે છે, સ્વર્ગ મળે છે અને ક્રમસર મોક્ષની સિદ્ધિ આસન્ન બને છે. વળી, શીલનું માહાભ્ય બતાવતાં કહે છે –
નારદઋષિ પ્રકૃતિથી કજિયો કરાવનારા હતા, લોકોને અનર્થ કરાવનારા હતા, વળી, સાવદ્યયોગોમાં હંમેશાં નિરત રહેનારા હતા તોપણ તેઓનું ચોથું વ્રત સુવિશુદ્ધ હોવાને કારણે મોક્ષમાં જાય છે. વળી, જે ગૃહસ્થો સ્વદારાસંતોષવાળા છે તેઓ બ્રહ્મચારી જેવા છે; કેમ કે સ્વસ્ત્રીમાં સંતોષ રાખીને પૂર્ણ બ્રહ્મચર્યની શક્તિનો સંચય ક્રમસર કરતા હોય છે.
વળી, પરસ્ત્રીના ગમનમાં આ લોકમાં પણ વધ-બંધનાદિ સ્પષ્ટ દોષો છે. વળી, પરલોકમાં નરકની પ્રાપ્તિ થાય છે ત્યારે પરમાધામી દેવો શાલ્મલીવૃક્ષના કાંટાઓનું આલિંગન આપીને અનેક દુઃખો આપે છે. વળી, પદારાગમન કરનારા જીવો મનુષ્યભવમાં આવે ત્યારે છિન્ન ઇંદ્રિયવાળા અર્થાત્ ખામીવાળી ઇંદ્રિયવાળા થાય છે. નપુંસક થાય છે. વળી, કદરૂપા થાય છે. દુર્ભાગ્યવાળા થાય છે. ભગંદર રોગ પણ તેને કારણે જ થાય છે. વળી, પરસ્ત્રીગમન કરનારા સ્ત્રીભવમાં જાય તો લગ્નની ચોરીમાં જ રંડાપો પ્રાપ્ત કરે છે. અથવા વંધ્યા સ્ત્રી થાય છે. વળી, મરેલા બાળકોને જન્મ આપનારી થાય છે. વળી, કોઈક સ્ત્રી વિષકન્યા થાય છે તો વળી કોઈક દુઃશીલવાળી થાય છે. આ સર્વ પદારાગમનના અનર્થો છે. વળી, આગમમાં કહ્યું છે કે કોઈ દેવદ્રવ્યનું ભક્ષણ કરે અથવા પરસ્ત્રીનું સેવન કરે તો તે જીવ સાતવાર સાતમી નરકે જાય છે તેથી પરસ્ત્રીગમનના અનર્થો જાણીને પણ ચોથા વ્રતના પાલનમાં દૃઢયત્નવાળા શ્રાવકો થાય છે.
વળી, મૈથુનના સેવનમાં હિંસા દોષ પણ છે, મૈથુન સેવનાર પુરુષ એક વખતના ભોગકાળમાં ૯ લાખ સૂક્ષ્મજીવોને હણે છે.
વળી, આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે કે જેઓને કામનો અતિશય વિકાર છે તેવા જીવો આ મારી માતા છે તેમ જાણવા છતાં તેની સાથે સંબંધ કરે છે. દીકરી સાથે પણ લગ્ન કરે છે. જે અત્યંત વ્યવહાર વિરુદ્ધ છે. છતાં કામને વશ જીવ અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરે છે.