________________
૨૮૦
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯
સંતોષસાર સુખાદિ છે. અર્થાત્ જેમ જેમ જીવને સંતોષ થાય છે તેમ તેમ સુખ થાય છે. જેમ તૃષા લાગી હોય અને જલપાનથી તૃષા શમે તો સુખ થઈ શકે પરંતુ જલપાનથી તૃષાની વૃદ્ધિ જ થતી હોય તો સુખ થઈ શકે નહીં, તેમ સંસારમાં જીવોને જે કંઈ સુખાદિનો અનુભવ થાય છે તેમાં સંતોષ જ પ્રધાન છે. જો સંતોષ ન હોય તો ધનાદિની વૃદ્ધિ થવા છતાં ઇચ્છાની વૃદ્ધિ દ્વારા સદા તે અધિક-અધિકની પ્રાપ્તિના શ્રમમાં જ વ્યગ્ર રહે છે. પરંતુ કોઈ પ્રકારના સુખને મેળવી શકતો નથી. તેથી સંતોષ પ્રધાન સુખ છે.
આ રીતે પાંચમા અણુવ્રતને સ્વીકારવાથી આલોકમાં અને પરલોકમાં શું ફળ મળે છે ? તે બતાવે છે – પાંચમા અણુવ્રતને સ્વીકારનાર શ્રાવકને કંઈક અંશથી સંતોષસુખ પ્રગટે છે તેથી ધનવૃદ્ધિની તીવ્રલાલસાની પીડાથી તે રહિત થાય છે. વળી, ઇચ્છાના પરિમાણરૂપ વ્રતના પાલનના બળથી પુણ્યની વૃદ્ધિ થવાને કારણે લક્ષ્મીના સ્વૈર્યની પ્રાપ્તિ થાય છે; કેમ કે સંતોષી શ્રાવક અનુચિત રીતે ધન સંચય કરવા માટે યત્ન કરતા નથી તેથી લોકમાં તેની પ્રતિષ્ઠા થવાને કારણે ધન-અર્જનનો વ્યવહાર તે સુખપૂર્વક કરી શકે છે. તેથી લક્ષ્મી ધૈર્યને પામે છે અને તેના સંતોષગુણને કારણે લોકમાં તેની પ્રશંસા થાય છે. આ સર્વ આ લોકનાં જ ફળ છે. વળી પરલોકમાં મનુષ્યની અને દેવલોકની સમૃદ્ધિની સિદ્ધિ આદિ થાય છે; કેમ કે ઇચ્છાના પરિમાણને કારણે બંધાયેલા પુણ્યના બળથી ઉત્તરના ભાવોમાં અનેક પ્રકારની બાહ્ય સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વળી, જેઓ અતિલોભથી અભિભૂત છે તેથી પાંચમું અણુવ્રત સ્વીકારતા નથી અથવા સ્વીકારેલું હોવા છતાં લોભને વશ તેની વિરાધના કરે છે. તેઓને તે વિરાધનાને કારણે દારિદ્રપણું, દાસપણું, દુર્ભાગ્યપણું અને દુર્ગતિ આદિ ફળો પ્રાપ્ત થાય છે. તેમાં સાક્ષી આપે છે –
જે જીવો અતિલોભથી અભિભૂત છે તેઓ પાંચમું અણુવ્રત સ્વીકારતા નથી કે સ્વીકારીને વિરાધના કરે છે તેઓ મહારંભ અને મહાપરિગ્રહ કરે છે. જેનાથી તેઓ નરકાયુષ્ય બાંધે છે; કેમ કે નરકાયુષ્ય બંધનાં ૪ કારણો બતાવ્યાં છે :- ૧. મહારંભ, ૨. મહાપરિગ્રહ, ૩. માંસાહાર, ૪. પંચેંદ્રિયવધ.
વળી, જેઓ પાંચમું અણુવ્રત સ્વીકારતા નથી તેઓ મૂર્છાવાળા છે. તેથી જે ધનાદિ પોતાને પ્રાપ્ત થયું છે તેનાથી અધિકઅધિક આશાથી કદર્શિત થયેલા દુઃખને જ અનુભવે છે. જેમાં સાક્ષી આપે છે –
મૂર્છાવાળા જીવો ધનસંચય કર્યા પછી અધિક ધનને સુરક્ષિત રાખવા માટે કોઈક અજ્ઞાત સ્થાનમાં ખાડો ખોદીને દાટે છે અને તેઓને હંમેશાં શંકા થાય છે કે મેં દાટેલું ધન કોઈ લઈ ગયું છે કે નહીં. તેથી તે સ્થાન તે કેટલાક સમય પછી ફરી ખોદે છે અને ત્યાંથી ધન કાઢીને કોઈ નવા સ્થાને દાટે છે. જેથી પોતાનું ધન કોઈ લઈ ન જાય. આ રીતે શાંતિથી તે સૂઈ પણ શકતો નથી પરંતુ દિવસના પણ પોતાના ધન વિષયક શંકા કરે છે કે મારું દાટેલું ધન કોઈક જોઈ જશે તો ચાલ્યું જશે. વળી, પોતે દાટેલા ધનને તે રીતે લીંપીને મજબૂત કરે છે. જેથી કોઈને શંકા ન થાય અને સતત તેનાં ચિહ્ન સ્થાપે છે કે આ સ્થાને આ વૃક્ષ નીચે મેં ધન દાટેલું છે. વળી, પોતે ભૂલી ન જાય તેથી તેના પ્રતિચિહ્નો કરે છે અર્થાત્ ફલાણા-ફલાણા કોઈ