________________
૧૮૦
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સમ્યગ્દષ્ટિ હંમેશાં દેવ અને ગુરુના પારમાર્થિક સૂક્ષ્મ સ્વરૂપને જાણનારા હોય છે તેથી જેમ ભગવાનની પૂજામાં દેવનું પારમાર્થિક સ્વરૂપ વારંવાર ઉપસ્થિત થાય છે તેમ ગુરુના વંદન-વ્યવહારની ક્રિયામાં ગુરુના પારમાર્થિક સ્વરૂપની ઉપસ્થિતિ થાય છે. તેથી ૧૮૦૦૦ શીલાંગરૂપ ચારિત્ર પ્રત્યેનો પક્ષપાત અધિકઅધિકતર થાય છે. માટે ગુરુના અભાવમાં પણ નામ ગ્રહણપૂર્વક ગુણવાન એવા ગુરુને નિત્ય વંદન કરવાથી સમ્યક્તની શુદ્ધિ થાય છે.
વળી, સમ્યત્વ સ્વીકાર્યા પછી શ્રાવકે વર્ષની ચતુર્માસીમાં અથવા પાંચ પર્વ દિવસોમાં અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ. તેથી ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ પર્વદિવસોમાં વિશેષ પ્રકારનો થાય જેના કારણે સમ્યક્તની શુદ્ધિ અધિક થાય. સામાન્યથી શ્રાવક પ્રતિદિન અષ્ટપ્રકારી પૂજા કરી શકે તો શ્રેષ્ઠ પરંતુ સમય અને સામગ્રી દુર્લભ હોય તેથી પ્રતિદિન અશક્ય જણાય તોપણ ત્રણ ચોમાસામાં અથવા તો દર મહિનામાં પાંચ પર્વતિથિમાં શ્રાવક પ્રાયઃ અષ્ટપ્રકારી પૂજા કરી શકે તેથી તે પ્રકારનો પ્રયત્ન કરવાથી વિશેષ પ્રકારની શુદ્ધિ થાય. વળી, શ્રાવક કોઈ નવાં ફળ કે નવાં પક્વાન્ન કે નવું અન્ન પોતાને પ્રાપ્ત થયું હોય તો પ્રથમ દેવને અર્પણ કર્યા વગર ગ્રહણ કરે નહીં. તેનાથી ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ વૃદ્ધિ પામે છે અને પરિણામ થાય છે કે સુંદર ફળ, પકવાન્ન, અન્ન આદિનું ભોગ એ પ્રધાન ફળ નથી પરંતુ લોકોત્તમ એવા ભગવાનની ભક્તિ આ ઉત્તમદ્રવ્યોથી કરવામાં આવે તેમાં જ તે દ્રવ્યોનું સાફલ્ય છે.
વળી શ્રાવક પોતાની શક્તિ અનુસાર હંમેશાં ભગવાનની પૂજા કરે ત્યારે સુંદર નૈવેદ્ય અને સોપારી આદિ ફળને ભગવાન આગળ ધરે જેથી ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય. વળી, શ્રાવકે દિવાળી આદિ પર્વોમાં ભગવાનની સન્મુખ અષ્ટમંગલનું આલેખન કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી પણ ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય છે જેથી સમ્યત્વ નિર્મળ થાય છે.
વળી, શક્તિ હોય તો નિત્ય અથવા પર્વ દિવસોમાં અથવા વર્ષના કેટલાક દિવસોમાં સ્વાદ્ય કે ખાદ્ય આદિ સર્વવસ્તુઓ દેવ-ગુરુને આપ્યા પછી જ તે વસ્તુ પોતે વાપરે, જેથી દેવ-ગુરુ પ્રત્યેનો બહુમાનભાવ વધે છે. દેવ-ગુરુ પ્રત્યેનો વધતો બહુમાનભાવ સમ્યક્તની શુદ્ધિનું કારણ છે. પ્રતિદિન શક્ય ન હોય તોપણ ક્યારેક ક્યારેક પણ તે પ્રકારની પ્રવૃત્તિ કરીને શ્રાવક સમ્યત્વને નિર્મળ કરે.
વળી, શ્રાવક શક્તિ અનુસાર પ્રતિમાસ કે પ્રતિવર્ષ મોટી ધજાના પ્રદાન આદિના વિસ્તારથી સ્નાત્ર, મહાપૂજા અર્થાત્ ઘણા વૈભવપૂર્વકની પૂજા, રાત્રિજાગરણ આદિ કૃત્યો કરે, જેથી તે દિવસે વિશેષ પ્રકારની ભગવાનની ભક્તિ થવાથી અને રાત્રિજાગરણમાં ભગવાનના વચનથી આત્મા ભાવિત થાય તે પ્રકારે ધર્મનું ચિંતવન કરે જેથી ભગવાનના વચન પ્રત્યેનો પક્ષપાત વિશેષ વિશેષતર થાય.
વળી, પ્રતિદિન અથવા વર્ષાદિમાં કેટલીક વખત જિનાલયનું પ્રમાર્જન, સમાર્ચનાદિ કરે અને ધર્મ કરવાનું જે સ્થાન હોય અર્થાત્ ઉપાશ્રયાદિ હોય તેનું પણ પ્રમાર્જન અને સમાચ્ચેનાદિનું કાર્ય કરે તેથી ધર્મનાં સાધનો પ્રત્યે અને ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય છે. વળી, પ્રત્યેક વર્ષે અથવા પ્રત્યેક માસે ચૈત્યમાં ઉત્તમ ધૂપાદિની સામગ્રી ભગવાનની ભક્તિ અર્થે મૂકે.