________________
૨૫૩
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૬ છતાં કોઈને આપવાની ઇચ્છા ન હોય ત્યારે કહે કે આ મારી જમીન નથી, બીજાની છે; તો તે ભૂમિવિષયક મૃષાવચન છે. વળી, કોઈ ખેતર ખેતી માટે ઊખર હોય અર્થાતુ ખેતી માટે અયોગ્ય હોય છતાં વેચવા માટે તે ખેતર ખેતીને યોગ્ય છે તેમ કહે અથવા કોઈનું ખેતર અનૂખર હોય તો પણ તેની પ્રત્યેના દ્વેષને કારણે તે ખેતર ઊખર છે તેમ કહે તે ભૂમિ વિષયક મિથ્યાવચન છે. ઉપલક્ષણથી સર્વ દ્રવ્ય વિષયક અલીકવચન ભૂમિઅલીકમાં સંગૃહીત થાય છે. તેથી ધન ધાન્ય આદિ સર્વ વિષયનું મૃષાવચન ભૂમિઅલીકમાં સમાવેશ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે આ ત્રણ પ્રકારના મૃષાવચનને સ્થૂલ મૃષાવાદ કેમ કહ્યો ? તેથી કહે છે – ક્લિષ્ટ આશયથી આ પ્રકારનો મૃષાવાદ થાય છે, માટે સ્થૂલ મૃષાવાદ છે; કેમ કે રાગ કે દ્વેષના વશથી આ પ્રકારનાં મૃષાવચનો થાય છે.
અહીં પ્રશ્ન થાય કે દ્વિપદ, ચતુષ્પદ અને અપદનું ગ્રહણ કરવાને બદલે કન્યાવિષયક ઇત્યાદિ કેમ કહ્યું? .તેથી ટીકાકારશ્રી કહે છે –
કન્યાવિષયક, ગોવિષયક અને ભૂમિવિષયક મૃષાવચન છે તે લોકમાં અતિ ગહિત છે અને તે પ્રકારે જ તે મૃષાવચનરૂપે રૂઢ છે. તેથી વિશેષથી તેના વર્જન માટે દ્વિપદ, ચતુષ્પદ અને અપદ એમ કહેવાને બદલે કન્યાલીક આદિ કહેલ છે.
વળી, કન્યાલીક આદિમાં ભોગાન્તરાય, વૈષની વૃદ્ધિ આદિ દોષો સ્પષ્ટ જ છે; કેમ કે દ્વેષથી અવિષકન્યાને વિષકન્યા કહેવાથી તે કન્યાને ભોગમાં અંતરાયની પ્રાપ્તિ થાય છે અને પોતાને તે કન્યા પ્રત્યે જે દ્વેષ છે તેની પોતાનામાં વૃદ્ધિ થાય છે. વળી, રાગથી દુઃશીલ કન્યાને સુશીલ કન્યા કહેવામાં પોતાને તે કન્યા પ્રત્યે જે રાગ છે તે મૃષાવચન બોલાવીને વૃદ્ધિ પામે છે. વળી, તેમ કહીને તેનાં લગ્ન આદિ થવાથી સામેની વ્યક્તિને જે અનર્થો થાય છે તેમાં પોતે પ્રબળ કારણ બને છે. માટે કન્યાલીકાદિમાં આવા અનેક દોષો છે. વળી, કન્યાલીકાદિમાં ક્યા દોષો થાય છે ? તે બતાવવા માટે “આવશ્યકચૂર્ણિ'નો પાઠ આપે છે –
ત્યાં “આવશ્યકચૂર્ણિમાં મૃષાવાદ કરવાથી કયા દોષો થાય છે અને મૃષાવાદ નહીં કરવાથી ક્યા દોષો થાય છે તે બતાવેલ છે.
કન્યાને અકન્યા કહેવાથી ભોગાન્તરાય દોષ થાય છે. અર્થાત્ સુશીલ કન્યાને દુ:શીલ કન્યા કહેવાથી તે કન્યાને લગ્નની પ્રાપ્તિમાં વિઘ્ન કરવાથી ભોગાન્તરાય દોષની પ્રાપ્તિ થાય છે. વળી, તે પ્રકારનું જ્ઞાન કરવામાં પોતાને તે કન્યા પ્રત્યેનો દ્વેષ વૃદ્ધિ પામે છે અને આ પ્રકારનું કોઈની કન્યા વિષયક કહેવાથી તે વચન સાંભળીને ખેદને પામેલી તે કન્યા આત્મઘાત કરે તેથી તેને આત્મઘાત કરાવવામાં તે વચન બોલનારને દોષની પ્રાપ્તિ થાય છે. અથવા તે કન્યાને દુઃશીલ કહેવાને કારણે તે કન્યાનું લગ્ન ન થાય તેના કારણે કંટાળીને તેનાં કુટુંબીજનો તેને આપઘાત કરાવે તેમાં મૃષાવાદ બોલનાર પ્રબળ કારણ બને છે. આ પ્રકારે મૃષાવાદ બોલવામાં દોષો થાય છે. કન્યાલીકમાં બતાવ્યું તેમ ગોએલીક, ભૂમિઅલીકમાં સંભવિત દોષોનો વિચાર કરી લેવો. તે પ્રમાણે “આવશ્યકચૂર્ણિ'માં કહેલ છે.