________________
૧૭૦
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અભિનિવેશ રહિત હોવાને કારણે ઉચિત જાણવા માટે યત્ન કરનારો હોય છે તેથી હિતને અનુકૂળ અને અહિતના નિવારણની ઉચિત પ્રવૃત્તિ તે કરી શકે છે. વળી, શ્રાવકને સ્થિર શ્રદ્ધા હોય છે કે આ સંસારસમુદ્રથી તરવાનું પ્રબળ કારણ એક જિનવચન જ છે, અન્ય કંઈ નથી તેથી સદા સ્થિર શ્રદ્ધાપૂર્વક સ્વાધ્યાયાદિ દ્વારા જિનપંચનના સૂક્ષ્મ-સૂક્ષ્મતર પદાર્થ જાણવા ઉદ્યમ કરે છે. ૪. ઋજુવ્યવહારી :
વળી, ભાવશ્રાવકનું ચોથું લક્ષણ ઋજુવ્યવહારી છે. જે શ્રાવક ઋજુવ્યવહારવાળો હોય તે હંમેશાં વ્યાપારાદિ ક્રિયામાં યથાર્થ કથન કરે પરંતુ મૃષાવાદ કરે નહિ. વળી, એવો શ્રાવક કોઈને ઠગવાની ક્રિયા કરે નહીં પરંતુ મનની ક્રિયા, વાણીની ક્રિયા કે કાયિક ક્રિયા સરળ ભાવથી કોઈને ઠગવાનું કારણ ન બને તે રીતે જ પ્રવર્તાવે. જેમ મનમાં કોઈને ઠગવાનો વિચાર ન કરે, વચન પણ કોઈને ઠગવાનું કારણ બને તે પ્રકારે ન પ્રવર્તાવે અને ઇશારાદિ રૂપે કાયિક ચેષ્ટા પણ કોઈને ઠગવાનું કારણ ન બને તે રીતે પ્રવર્તાવે. વળી, પોતાના સ્વજનાદિને હંમેશાં કહે કે અશુદ્ધ વ્યવહાર કરવાથી ભાવિમાં ઘણા અનર્થો થાય છે. જેમ વેપારમાં ખોટું-સારું કરવાથી લોકોમાં અવિશ્વાસ પેદા થાય છે. તેથી વર્તમાનભવમાં પણ ઉચિત વ્યાપાર તૂટે છે અને તેવી ખોટી પ્રવૃત્તિ કરવાથી પરલોકમાં પણ અહિત થાય છે. માટે વ્યાપારાદિ કૃત્યોમાં ખોટુંસાચું કરવાથી આ ભવમાં અને પરભવમાં અહિત થાય છે. આ પ્રકારનો ઉચિત ઉપદેશ ઋજુવ્યવહારી શ્રાવક આપે. વળી નિષ્કપટપણાથી બધા સાથે મિત્રભાવને ધારણ કરે તેથી પોતાના હિતને અનુકૂળ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા શ્રાવકને શાસ્ત્રકારો ઋજુવ્યવહારી કહે છે. ૫. ગુરુશુશ્રુષક :
શ્રાવક ગુરુની ઉચિત સેવા કરનારા હોય. કેવી રીતે ગુરુની સેવા કરે ? તે સ્પષ્ટ કરે છે –
ગુરુની હંમેશાં પર્યુપાસના કરે, અર્થાત્ ગુરુ પાસે ઉચિત વિનયથી બેસે અને ગુરુનાં ઉચિત કૃત્યો કરવામાં સહાયક થાય તે પ્રકારે ગુરુની પર્યાપાસના કરે. વળી, ગુરુજનનાં ગુણગાન કરીને અન્યજનને પણ ગુરુની પર્યાપાસનામાં પ્રવર્તાવે અર્થાત્ અન્ય યોગ્ય જીવોને હંમેશાં કહે કે આ મહાત્માનો સદા પરિચય કરશો તો તમને હિતની પ્રાપ્તિ થશે; કેમ કે નિઃસ્પૃહી મુનિ હંમેશાં યોગ્ય જીવોને સન્માર્ગ બતાવીને હિતમાં પ્રવર્તાવે છે. આ પ્રકારે શ્રાવક પણ યોગ્ય જીવને ગુરુની શુશ્રષામાં તત્પર કરે. વળી, ગુરુ પ્રત્યેની ભક્તિને કારણે તેમના ઔષધાદિનું સંપાદન કરે. વળી ગુરુ પ્રત્યેની ભક્તિને કારણે ગુરુજનના ચિત્તને જાણીને તે પ્રમાણે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે, આ પ્રમાણે ગુરુજનની શુશ્રષામાં શ્રાવક તત્પર રહે.
અહીં “ગુરુ” શબ્દથી માતા-પિતાનું ગ્રહણ નથી પરંતુ સન્માર્ગના દેશક એવા ધર્માચાર્યાદિ જ ગુરુજનથી પ્રસ્તુત છે. ૬. પ્રવચનકુશલ :વળી ભાવશ્રાવક પ્રવચનકુશલ હોય. કઈ રીતે પ્રવચનકુશલ હોય તે સ્પષ્ટ કરે છે. ગુરુની ભક્તિ કરીને