________________
૮૪
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સ્વરસથી ગ્રહણ કરીને સમ્યગ્દર્શનને રુચિરૂપે કહેલ છે. તેથી દસ પ્રકારની રુચિને સમ્યગ્દર્શન કહ્યું છે તે સરાગસમ્યત્વને લક્ષ્ય કરીને કહેલ છે. માટે વીતરાગ સમ્યક્તમાં સમ્યગ્દર્શનનું લક્ષણ ન હોય તોપણ કોઈ દોષ નથી. • વળી, દસ પ્રકારનું સરોગસમ્યક્ત કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે ભિન્ન ભિન્ન પ્રકારનાં પરિણામોથી જીવોને તત્ત્વનો રાગ થયેલો હોય છે. જેમ કોઈને ધર્મપદના શ્રવણથી તત્ત્વનો રાગ થયેલો હોય છે તો વળી કોઈ અન્યને નિર્વાણપદના શ્રવણથી તત્ત્વનો રાગ થયેલો હોય છે. માટે રાગ, વિષયના ભેદથી અનેક ભેદવાળો છે માટે તેને આશ્રયીને લક્ષ્ય એવા સમ્યગ્દર્શનના ભેદથી સમ્યક્તના લક્ષણનો ભેદ પણ અનુસરણ કરાય છે તેથી અપેક્ષાએ દસ ભેદોવાળું સમ્યત્વ છે એમ કહેવામાં પણ દોષ નથી.
વાસ્તવિક રીતે તો આ દસ પ્રકારના સમ્યક્તનાં જે લક્ષણો કર્યા છે તે લક્ષણો અહીં સમ્યગ્દર્શનના લિંગરૂપ છે, પરંતુ સમ્યક્તના પરસ્પર ભેદોને બતાવનાર લક્ષણ નથી. લિંગ એટલે લક્ષ્યનું વ્યંજક. જેમ પર્વત ઉપર રહેલા વહ્નિનું વ્યંજક ધૂમ છે અથવા આલોક છે. તેથી ધૂમથી પણ પર્વત પર વહ્નિ છે તેમ નક્કી કરી શકાય છે અને ક્વચિત્ ધૂમ ન દેખાતો હોય તોપણ તે વહ્નિના કારણે આજુબાજુમાં પ્રકાશની આભારૂપ આલોક દેખાતો હોય તો તે લોકના બળથી પણ પર્વત પર વહ્નિ છે એમ નક્કી કરી શકાય છે, તોપણ ધૂમથી જણાતો વહ્નિ અને આલોકથી જણાતો વહ્નિ જુદો નથી પણ એક જ છે. આમ છતાં પર્વત પર વહ્નિ છે તેનો વ્યંજક ધૂમ છે અને આલોક પણ છે. તેમ આત્મામાં વિપર્યાસ આધાયક કર્મના વિગમનના કારણે થયેલી નિર્મળતા તે સમ્યગ્દર્શન છે અને તે સમ્યગ્દર્શનની વ્યંજક જુદી જુદી રુચિઓ છે તેથી તે જુદી જુદી રુચિઓને ગ્રહણ કરીને સમ્યક્તના દસ ભેદો કહ્યા છે.
આનાથી ફલિત થાય કે દસ પ્રકારની રુચિથી અભિવ્યક્ત થનારું સમ્યગ્દર્શન એક છે, જુદુ જુદુ નથી. આ દસ પ્રકારની રુચિરૂપ ઉપાધિના ભેદથી સમ્યત્ત્વના દસ ભેદો બતાવીને શાસ્ત્રકારોએ એ પ્રકારનો બોધ કરાવ્યો છે કે આ રીતે કોઈપણ પ્રકારની રુચિથી જીવમાં વર્તતા સમ્યગ્દર્શનનો નિર્ણય થાય છે. જેમ ધૂમથી પર્વત પર રહેલો વહ્નિ જાણી શકાય છે અને આલોકથી પણ પર્વત પર રહેલો વહ્નિ જાણી શકાય છે તેમ આ દસ પ્રકારની જુદી જુદી રુચિના બળથી જીવમાં વર્તતા સમ્યગ્દર્શનને જાણી શકાય છે. માટે જેમ વહ્નિના વ્યંજક ધૂમ અને આલોક બંને જુદા હોવા છતાં વહ્નિનો ભેદ નથી તેમ દસ પ્રકારની રુચિનો પરસ્પર ભેદ હોવા છતાં સમ્યગ્દર્શન જુદું નથી એમ સ્વીકારવામાં કોઈ દોષ નથી અને આની જ પુષ્ટિ કરવા માટે જીવના લક્ષણને કહેનાર નવતત્ત્વનો પાઠ આપે છે.
નવતત્ત્વ પ્રકરણની ગાથા - પાંચમાં જીવનું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ કરેલ છે. પરમાર્થથી તે સર્વ લક્ષણના ભેદથી જીવનો ભેદ નથી; કેમ કે તે સર્વ લક્ષણો જીવના સ્વરૂપના વ્યંજક છે. પરંતુ જ્ઞાનસ્વરૂપ જીવ જુદો, દર્શન સ્વરૂપ જીવ જુદો, ચારિત્ર સ્વરૂપ જીવ જુદો તેવા ભેદો નથી. તે રીતે, પ્રસ્તુતમાં પણ દસ પ્રકારના ભેદોથી સમ્યક્તના ભેદો બતાવ્યા ત્યાં સમ્યગ્દર્શનનાં તે દસ લક્ષણો લિંગો હોવાથી તે લિંગો દ્વારા જીવમાં વર્તતા સમ્યક્તનું અનુમાન થાય છે. જેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ભાવોને જોઈને અનુમાન થાય છે કે આ જીવ છે, અજીવ નથી. '