________________
૧૨૬
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ માટે બતાવેલા છે. તે વચનોની સુંદર રીતે પરીક્ષા કરીને જેમણે નિર્ણય કર્યો છે તેવા ગણધરાદિ પ્રવક્તાથી કહેવા યોગ્ય આ પ્રવચન છે. આવા પ્રવચનમાં કહેવાયેલા તત્ત્વ પ્રત્યેના અભિનિવેશથી મિથ્યા અભિનિવેશનો ઉપશમ થાય છે તે શમનો પરિણામ છે. તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જે જીવ અતત્ત્વનો ત્યાગ કરીને જિનેવચનાનુસાર તત્ત્વને સ્વીકારે છે તે જીવ સમ્યગ્દર્શનવાળો છે તે પ્રમાણે જણાય છે. ૨. સંવેગ :
ભગવાનના વચનાનુસાર કોઈ મહાત્મા ચારગતિનો વિચાર કરે તો તેને નરકમાં શીત-ઉષ્ણાદિ પીડાઓ દેખાય છે, સંક્લિષ્ટ એવા પરમાધામી દેવોથી કરાતી પીડા દેખાય છે અને નારકીઓ પણ અતિક્લિષ્ટ પરિણામવાળા હોવાથી પરસ્પર એકબીજાને દુઃખ આપતા દેખાય છે. આ રીતે નરકની સ્થિતિ વિચાર્યા પછી તિર્યંચગતિને વિચારે તો ત્યાં પણ ભાર-આરોપણાદિ અનેક પ્રકારનાં દુઃખો દેખાય છે. વળી, મનુષ્યગતિનો વિચાર કરે તો મનુષ્યગતિમાં પણ દારિદ્રય, દૌર્બલ્ય, રોગ, શોક આદિ અનેક પ્રકારનાં દુઃખો દેખાય છે. દેવગતિનો વિચાર કરે તો ત્યાં પણ ઇર્ષ્યા, વિષાદ, બીજા દેવોનું દાસપણું આદિ દુઃખો દેખાય છે. આ સર્વ દુઃખોનું અવલોકન કરવાથી તે દુઃખોથી તે મહાત્માને ભય ઉત્પન્ન થાય છે અને ચાર ગતિનાં દુઃખોના શમનના ઉપાયભૂત ધર્મ જણાય છે, તેથી સ્વશક્તિ અનુસાર ધર્મને સેવે છે. આ ચાર ગતિનો ભય તે “સંગ'નો પરિણામ છે, જેનાથી જણાય છે કે આ મહાત્મામાં સમ્યગ્દર્શન છે. ૩. નિર્વેદ - વિષયોમાં રાગના પરિણામરૂપ અભિવૃંગનો અભાવ નિર્વેદ છે. નિર્મળદૃષ્ટિવાળા જીવોને વિષયોમાં અભિવૃંગનો અભાવ કેમ થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે -
આલોકમાં પણ જેઓને અત્યંત કામભોગના વિકારો થાય છે તેથી જેઓ અતિ અનુચિત પ્રવૃત્તિઓ કરે છે અને તેના કારણે અનેક પ્રકારનાં બાહ્યદુઃખોને પ્રાપ્ત કરે છે. જેમ અત્યંત કામને વશ થઈને અનાચાર સેવે તો રાજદંડ આદિની પ્રાપ્તિ થાય છે, શરીરાદિનો નાશ થાય છે. તેથી જો કામભોગો અતિ તીવ્ર બને તો આલોકમાં જ વિનાશ કરનારા બને છે. માટે જણાય છે કે કામભોગોનું ફળ અનર્થકારી છે.
વળી, પરલોકમાં પણ તેનાથી બંધાયેલા પાપના કારણે કટુરિપાકો મળે છે. જેથી નરકગતિની પ્રાપ્તિ, તિર્યંચગતિની વિડંબના અને ખરાબ મનુષ્યભવની પ્રાપ્તિ વગેરે થાય છે. આ પ્રકારે સમ્યફ અવલોકનને કારણે મહાત્માને વિચાર આવે છે કે આ વિષયોનું મારે કોઈ પ્રયોજન નથી, આ વિષયોનો ત્યાગ જ કરવો જોઈએ. આ પ્રકારનો જીવનો જે પરિણામ છે તે નિર્વેદનો પરિણામ છે અને તે નિર્વેદના પરિણામથી જણાય છે કે આ જીવને સમ્યગ્દર્શન છે. ૪. અનુકંપા :
સમ્યગ્દષ્ટિ જીવો નિર્મળદૃષ્ટિ હોવાને કારણે વિચારે છે કે સર્વ જીવો સુખના અર્થી છે અને દુઃખના નાશના અર્થી છે, માટે કોઈપણ જીવને અલ્પ પણ પીડા મારે કરવી જોઈએ નહિ. આવો પરિણામ જેઓમાં