________________
૧૨૩
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અને જેઓને અનંતાનુબંધી કષાયનો ઉપશમ વર્તે છે તે જીવો જિનવચનથી ભાવિત મતિવાળા છે તેથી પોતાનામાં વિદ્યમાન અવિરતિ આપાદક કષાયોને દૂર કરવા માટે ઉચિત યત્ન કરનારા હોય છે. માટે તેવા જીવો ભોગાદિ કરે તોપણ સદા તેવા પ્રકારનો યત્ન કરે છે જેથી તેઓની ભોગની તૃષ્ણા શાંત થાય અને યોગમાર્ગની પ્રવૃત્તિ નિરાબાધ કરી શકે. તેથી અનંતાનુબંધી કષાયના ઉપશમવાળા જીવોને અનુચિત ક્રોધ થાય નહીં અને અનુચિત વિષયની તૃષ્ણા થાય નહિ. અનંતાનુબંધી કષાયોના ઉપશમવાળા શ્રેણિક-કૃષ્ણાદિ જીવોને વિવેકચક્ષુ હોવા છતાં કષાયને વશ થઈને ક્યારેક અનુચિત ક્રોધ થતો હતો કે ક્યારેક અનુચિત વિષયોની તૃષ્ણા થતી હતી તેમાં, તેઓમાં વર્તતા સંજવલનાદિ બાર કષાયો કારણ હતા. આથી જ તેઓના તે સંજ્વલનાદિ બાર કષાયો અનંતાનુબંધી કષાયો સદશ અનુચિત પ્રવૃત્તિ કરાવે તેવા હતા તેમ ગ્રંથકારશ્રી કહે છે તો પણ સામાન્યથી સમ્યગ્દષ્ટિ જીવને પ્રાયઃ અસમંજસ કષાયો થાય નહીં એ પ્રકારનો નિયમ છે. ૨. સંવેગઃ -
સંવેગ એટલે મોક્ષનો અભિલાષ. સમ્યગ્દષ્ટિ જીવ ચક્રવર્તીનાં કે ઇન્દ્રનાં વિષયસુખોને કષાયની વિહ્વળતારૂપ દુઃખના અનુષંગવાળાં હોવાથી દુઃખરૂપે જ માનતો હોય છે અને મોક્ષસુખને સુખરૂપે માને છે અને સદા મોક્ષની અભિલાષા કરે છે.
આશય એ છે કે પદાર્થને યથાર્થ જોનારી નિર્મળદૃષ્ટિ જેઓને પ્રગટેલી છે તેવા સમ્યગ્દષ્ટિ જીવોને ભોગકાળમાં વર્તતા મોહના પરિણામની વ્યાકુળતા દુઃખરૂપ દેખાય છે અને ભોગની પ્રવૃત્તિથી બંધાયેલ કર્મ દુર્ગતિની પ્રાપ્તિનું કારણ દેખાય છે. તેથી જે સુખો, દુઃખોથી યુક્ત હોય અને દુઃખના ફલવાળાં હોય તેવાં સુખો પરમાર્થથી સુખ નથી તેમ સમ્યગ્દષ્ટિ જાણે છે અને મોહથી અનાકુલ અવસ્થા અને સર્વકર્મરહિત અવસ્થા જીવ માટે સુખરૂપ છે તેમ સમ્યગ્દષ્ટિ જાણે છે તેથી સદા મોક્ષસુખની અભિલાષા કરે છે. તે સમ્યગ્દષ્ટિ જીવનો સંવેગનો પરિણામ છે. ૩. નિર્વેદ :
સમ્યગ્દષ્ટિ જીવો ભવના વાસ્તવિક સ્વરૂપને જોનારા હોય છે. ભવનું વાસ્તવિક સ્વરૂપ જીવની કદર્શનારૂપ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવને ભવ પ્રત્યે વિરકતભાવ હોય છે તે નિર્વેદ” છે. સમ્યગ્દષ્ટિ જીવન નિર્વેદનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – દુઃખો અને દૌર્ગત્યથી ગહન એવું આ ભવકારાગાર છે=જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ દુઃખોથી અને જીવની ખરાબ સ્થિતિરૂપ દૌર્ગત્યથી ગહન એવું આ ભવરૂપી કેદખાનું છે. તે ભવરૂપી કારાગારમાં કર્મનો દંડ આપનાર એવા પાલિકો વડે જીવ તે પ્રકારે કદર્થના કરાય છે, જેનો પ્રતિકાર કરવા માટે સંસારવ જીવ સમર્થ નથી. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવ પદાર્થને યથાર્થ જોનારા હોય છે. જેમ કદર્થનામાં કોઈને મમત્વ થાય નહિ, તેમ આત્માની ચાર ગતિની કદર્થનાવાળી અવસ્થામાં સમ્યગ્દષ્ટિ જીવને મમત્વ હોતું નથી. તેથી સંસારથી છૂટવાની બલવાન ઇચ્છા હોય છે છતાં સંસારથી છૂટી શકે તેમ નથી. તેથી ચારગતિના પરિભ્રમણરૂપ દુઃખથી નિર્વેદવાળો સંસારમાં રહેલો સમ્યગ્દષ્ટિ જીવ છે.