________________
૮૫
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
આથી, કોઈક વખતે લિંગ ન હોય તોપણ લિંગીનો સદ્ભાવ હોય છે. જેમ ધૂમરૂપ લિંગ ન હોય તોપણ અયોગોલકમાં વહ્નિનો સભાવ હોય છે તેમ દસ પ્રકારની રુચિરૂપ લિંગના અભાવમાં પણ લૈંગિક એવા સમ્યગ્દર્શનનો સદ્ભાવ ક્યાંક પ્રાપ્ત થાય તો વિરોધ નથી. આથી જ જન્માન્તરથી સમ્યત્વને લઈને આવનારા, ગર્ભાદિ અવસ્થામાં સમ્યક્તવાળા જીવોમાં અને મોહનો નાશ કરીને વીતરાગ થયેલા જીવોમાં દસ પ્રકારની રુચિઓમાંથી કોઈપણ રુચિ ન દેખાય તોપણ તત્ત્વના યથાર્થ દર્શનમાં પ્રતિબંધક એવા કર્મના -વિગમનથી થયેલી નિર્મળતારૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં કોઈ વિરોધ નથી.
પૂર્વમાં કહ્યું કે દસ પ્રકારની રુચિ તે સમ્યત્ત્વનું લિંગ છે અને તે લિંગ વગર લૈંગિક એવા સમ્યક્તને સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. આથી વીતરાગમાં કોઈ લિંગો નહીં હોવા છતાં સમ્યગ્દર્શન સ્વીકારવામાં કોઈ વિરોધ નથી તેની પુષ્ટિ કરવાર્થે “અધ્યાત્મમત પરીક્ષા' ગ્રંથની સાક્ષી આપે છે –
જે જીવનું લક્ષણ ચારિત્ર કહ્યું છે તે લક્ષણ જીવનું લિંગ છે. તેથી તે ચારિત્ર વગર પણ સિદ્ધના જીવો જીવ છે. જેમ ધૂમ વગર વહ્નિ હોય છે તેમ ચારિત્ર લિંગ વગર પણ સિદ્ધના જીવો જીવ છે. આ ચારિત્ર ચારિત્રાચારના પાલન સ્વરૂપ ગ્રહણ કરવાનું છે અને તેવું ચારિત્ર સિદ્ધમાં નથી તોપણ સિદ્ધના જીવો જીવ છે તેમ દસ પ્રકારનાં લિંગ વિતરાગમાં નથી તોપણ વીતરાગમાં સમ્યગ્દર્શન છે. આનાથી સમ્યક્ત કેવા પ્રકારનું ફલિત થાય છે ? તે બતાવતાં કહે છે –
જુદા જુદા પ્રકારની રુચિઓથી એવું સમ્યક્ત “એક છે. વળી દર્શનમોહનીય કર્મના વિગમનથી થયેલું હોવાને કારણે “અનાવિલ” છે=મલરહિત છે. વળી, “શુદ્ધાત્માના જ્ઞાનાદિ બધા ગુણોમાં એકરસ સ્વભાવવાળું છે. અર્થાત્ આત્માના પારમાર્થિક સ્વરૂપમાં એકરસ સ્વભાવવાળું છે. તેથી દસે રુચિથી વ્યંગ્ય એવું સમ્યક્ત આત્માના સર્વ પારમાર્થિક ગુણોમાં રુચિને ધારણ કરનારું છે. વળી, “શુદ્ધાત્માના પરિણામરૂપ” છે; કેમ કે દર્શનમોહનીયકર્મના વિગમનથી થયેલી જીવની તથા પ્રકારની નિર્મળતા સ્વરૂપ છે. વળી, તેનું સ્વરૂપ પરમાર્થથી શબ્દ દ્વારા કહી શકાય તેવું નથી માટે “અનાખેય છે. વળી, જેને સમ્યગ્દર્શન થયું છે તે જીવને પોતાના અનુભવથી ગમ્ય છે. જેમ, જે જીવને શરીરની કોઈ પીડા થતી હોય તો તે પીડા તે જીવને સ્વાનુભવથી ગમ્ય છે. તેમ જે જીવને તત્ત્વના દર્શનનાં આવારક કર્મો નાશ પામ્યાં છે તે જીવોને, જીવના પારમાર્થિક સ્વરૂપનું યથાર્થ દર્શન થાય છે તે, તે જીવના અનુભવથી ગમ્ય છે. ફક્ત તેનો બોધ કરાવવાર્થે દસ પ્રકારની રુચિના ભેદો બતાવેલા છે.
પૂર્વમાં કહ્યું કે સમ્યગ્દર્શન કેવા સ્વરૂપવાળું છે તે શબ્દોથી કહી શકાતું નથી પરંતુ સ્વઅનુભવગમ્ય છે. ફક્ત તેના સ્વરૂપનો બોધ કરાવવાર્થે સમ્યત્વને અભિવ્યંજક એવી રુચિઓના ભેદથી સમ્યત્ત્વના દસ ભેદોનું વર્ણન કર્યું તેથી હવે સમ્યક્તની જેમ ધર્મબીજો પણ અનાખેય અને અનુભવગમ્ય છે તેને આશ્રયીને ઉપદેશપદ' ગ્રંથમાં કહેવાયું છે તે બતાવે છે –
યોગ્ય જીવોને કોઈની ઉચિત પ્રવૃત્તિ જોઈને તે પ્રવૃત્તિ પ્રત્યે રુચિ થાય છે. તે રુચિથી આત્મામાં ધર્મબીજ પડે છે. તે ધર્મબીજનું આધાન થાય ત્યારે જીવને કેવો પરિણામ છે તે શબ્દોથી કહી શકાતો નથી. છતાં