________________
૧૧૨
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ છે. તે દ્રવ્યથી મિથ્યાત્વનો ત્યાગ છે. કુદેવાદિમાં સુદેવાદિની બુદ્ધિ ન કરે પરંતુ તે સુદેવાદિ નથી તેવી સ્થિરબુદ્ધિ કરીને તેઓનો પરિહાર કરે છે. તે ભાવથી મિથ્યાત્વનો પરિત્યાગ છે. તે કર્યા પછી સમ્યક્તને સ્વીકારે છે. અર્થાત્ સુદેવ, સુગુરુ અને સુધર્મને જ તત્ત્વરૂપે સ્વીકારે છે અને મિથ્યાત્વના ત્યાગ અર્થે તે પ્રતિજ્ઞા કરે છે કે પરતીર્થિકોનો, પરતીર્થિકોના દેવોની અને પરતીર્થિકોથી ગૃહીત એવા અરિહંત ચૈત્યોની હું પ્રશંસા કરીશ નહિ, વંદન કરીશ નહિ, પૂજન કરીશ નહિ. આ રીતે, સંકલ્પ કરીને કુદેવમાં-કુગુરુમાં બહુમાનનો સર્વથા ત્યાગ કરે છે. વળી, લૌકિક તીર્થોમાં સ્નાન, દાન, પિંડપ્રદાન, હવન કરવા કે લૌકિક તીર્થમાં ગમન વખતે ઉપવાસાદિ તપ કરવો તે સર્વનો ત્યાગ કરે છે. વળી, સંક્રાંતિ વખતે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે ઘણા લોકો સ્નાનાદિ ક્રિયા કરે છે તેને અનુસરીને તેવા લૌકિક પર્વને શ્રાવક સેવતા નથી. તેથી એ ફલિત થાય કે લૌકિક તીર્થમાં સ્નાનાદિ કરવાથી કે લૌકિક પર્વને પર્વ રૂપે સ્વીકારવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. તે સર્વનો પરિહાર શ્રાવક કરે છે.
આ રીતે સમ્યક્વાણુવ્રતાદિનો સ્વીકાર પણ ગુરૂસાક્ષીએ કરવાથી જ ફલવાન થાય છે. પરંતુ ગુરુસાક્ષી વિના સ્વયં વ્રતો ગ્રહણ કરવાથી ફલવાન થતા નથી.
કેમ ગુરૂસાક્ષી વગર સ્વયં વ્રતો ગ્રહણ કરવાથી ફલવાન થતા નથી ? તેમાં સાક્ષીરૂપે વધવર્જનવિધિના પ્રસ્તાવમાં “પંચાશક' ગ્રંથમાં જે કહેવાયું છે તે બતાવે છે –
“પંચાશક' ગ્રંથમાં કહ્યું છે કે ગુરુ પાસે શ્રુતધર્મવાળો સંવિગ્ન એવો કોઈ શ્રાવક ઇત્વર કે ઇતર વ્રતોને ગ્રહણ કરે છે. અર્થાત્ અલ્પકાલ કે જાવજીવ વ્રતોને ગ્રહણ કરે છે. અને તે પ્રમાણે નિરતિચાર પાળે છે.
આ કથનથી ફલિત થાય કે સુગુરુ પાસે વ્રતોના મર્મને જાણવા જોઈએ, વ્રતોના મર્મને જાણીને સંવેગના પરિણામવાળો થયેલ તે શ્રાવક વ્રતો ગ્રહણ કરે તો સ્વીકારાયેલા વ્રતોનું ફળ મળે અન્યથા નહિ. ” વળી, “પંચાશક' ગ્રંથના શ્લોકનો અર્થ કરતાં પ્રથમ ગુરુ કોણ છે ? તે સ્પષ્ટ કરે છે – જેઓ જિનવચનના પરમાર્થને જાણનારા છે અને જિનવચનાનુસાર ક્રિયા કરે છે અને જીવોની યોગ્યતા અનુસાર ધર્મશાસ્ત્રોના સમ્યક અર્થો બતાવે છે તે ગુરુ છે. ટીકામાં “અથવાથી ગુરુનો અર્થ અન્ય સાક્ષીથી બતાવે છે –
જે જીવ જે સાધુ પાસેથી અથવા જે ગૃહસ્થ પાસેથી ધર્મમાં નિયોજન કરાયેલો હોય તે તેનો ધર્મગુરુ કહેવાય છે; કેમ કે ધર્મને આપનાર છે. આનાથી એ ફલિત થાય કે જે સાધુ કે જે શ્રાવક શાસ્ત્રના પરમાર્થને જાણનારા હોય અને જે યોગ્ય જીવને શ્રુતધર્મના પરમાર્થને બતાવે છે તે જીવ માટે તે શ્રતધર્મ આપનાર સાધુ કે ગૃહસ્થ ગુરુ કહેવાય છે. આ રીતે “ગુરુ' શબ્દનો અર્થ કર્યા પછી તેવા ગુરુની પાસે વ્રત ગ્રહણ કરવું જોઈએ. આ પ્રકારે “ગુરુમૂ' શબ્દનો અર્થ કર્યો. આવા ગુરુ પાસે ધર્મશ્રવણ કરવું જોઈએ આમ કહેવાથી જેઓ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા નથી, જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરનારા નથી તે પરમાર્થથી ગુરુ નથી અને તેવા ગુરુ પાસે ધર્મશ્રવણ કરવું જોઈએ નહિ; કેમ કે તેઓ શાસ્ત્રના પરમાર્થને જાણનારા નહીં હોવાથી તેઓના ઉપદેશથી વિપરીતબોધ થવાનો સંભવ છે.