________________
વર
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
વળી તે મિથ્યાત્વ બે ભેદવાળું છે
૧. લૌકિક મિથ્યાત્વ ૨. લોકોત્તર મિથ્યાત્વ.
વળી, તે લૌકિક અને લોકોત્તર મિથ્યાત્વ પણ દેવગત અને ગુરુગત એમ બે ભેદવાળાં છે. આ રીતે મિથ્યાત્વના ચા૨ભેદોની પ્રાપ્તિ થાય છે.
૧. લૌકિક દેવગત મિથ્યાત્વ.
૨. લૌકિક ગુરુગત મિથ્યાત્વ.
૩. લોકોત્તર દેવગત મિથ્યાત્વ.
૪. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ.
ત્રિવિધ-ત્રિવિધથી ઉપર બતાવેલ ચારેય મિથ્યાત્વના ભેદોનો ત્યાગ કરવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. હવે ક્રમસ૨ ચારે મિથ્યાત્વના ભેદોનું સ્વરૂપ બતાવે છે
૧. લૌકિક દેવગત મિથ્યાત્વ ઃ
હરિહરબ્રહ્માદિ લૌકિક દેવો છે. તેમને પ્રણામ કરવામાં આવે, તેમનું પૂજન કરવામાં આવે, તેમનાં સ્થાનોમાં જવામાં આવે તે સર્વ પ્રવૃત્તિ દ્વારા અનેક પ્રકારનું ‘લૌકિક દેવગત મિથ્યાત્વ’ પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે સમ્યક્ત્વના અર્થી જીવે ઉપાસ્ય દેવ કેવા સ્વરૂપવાળા હોવા જોઈએ તેના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરીને તેવા સ્વરૂપવાળા દેવની ભક્તિ ક૨વી જોઈએ. પરંતુ જેઓ તેવા સ્વરૂપવાળા નથી આમ છતાં લોકમાં દેવ તરીકે પૂજાય છે તેવા દેવોમાં દેવબુદ્ધિ થવાથી તેઓને પ્રણામાદિ કરે તો ‘લૌકિક દેવગત મિથ્યાત્વ' પ્રાપ્ત થાય છે. અર્થાત્ લૌકિક એવા કુદેવને આશ્રયીને સુદેવત્વની બુદ્ધિરૂપ વિપર્યાસ પ્રાપ્ત થાય છે.
૨. લૌકિક ગુરુગત મિથ્યાત્વ :
બ્રાહ્મણ-તાપસાદિ લૌકિક ગુરુને નમસ્કાર કરવામાં આવે, તેમના પગમાં પડવામાં આવે અને તેઓની માન્યતા અનુસાર ‘નમઃ શિવાય' ઇત્યાદિ વચનપ્રયોગ કરવામાં આવે, તેઓની કથાનું શ્રવણ ક૨વામાં આવે, તેઓના આચારની ક્રિયા કરવામાં આવે તે સર્વ પ્રવૃત્તિ દ્વારા અનેક પ્રકારનું ‘લૌકિક ગુરુગત મિથ્યાત્વ’ પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે મોક્ષના કારણભૂત એવા યોગમાર્ગમાં જિનવચનાનુસાર પ્રવર્તતા પાંચ મહાવ્રતધારી ગુરુ, ગુરુ છે, અને તે સિવાયના અન્ય સર્વ ગુરુ નથી. તેવી સ્થિરબુદ્ધિ કરીને લૌકિક ગુરુ પ્રત્યે ગુરુબુદ્ધિ ન થાય તે રીતે યત્ન ન કરવામાં આવે તો તેવા લૌકિક ગુરુને પણ નમસ્કારાદિની પ્રવૃત્તિ થાય છે જેનાથી વિપરીત ગુરુમાં ગુરુત્વની બુદ્ધિરૂપ મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે.