________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૪૩
પંચસંગ્રહના વચન પ્રમાણે કોઈ જીવનું દર્શનમોહનીય કર્મ ક્ષીણ થાય અર્થાત્ દર્શનમોહનીય કર્મની અનંતાનુબંધી ચાર પ્રકૃતિ, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એમ સાત પ્રકૃતિ ક્ષીણ થાય ત્યારે તે જીવ ત્રીજા ભવમાં મોક્ષે જાય છે કે ચોથા ભવે મોક્ષમાં જાય છે કે તે જ ભવમાં મોક્ષે જાય છે.
જે જીવે દેવભવ કે નરકભવનું આયુષ્ય બાંધ્યું છે તે જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામે તો બાંધેલા આયુષ્ય અનુસાર દેવભવમાં કે નારકીના ભવમાં જાય છે ત્યાંથી ચ્યવીને મનુષ્યભવને પામીને અવશ્ય સિદ્ધ થાય છે. વળી, કોઈ જીવે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે તિર્યંચ કે મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું હોય તો તે જીવે અવશ્ય અસંખ્યાતવર્ષના યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યનું આયુષ્ય બાંધેલું હોઈ શકે પરંતુ સંખ્યાત વર્ષવાળા તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધેલ હોઈ શકે નહિ. અને જે જીવોએ સંખ્યાતવર્ષના આયુષ્યવાળું તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું છે તે જીવો દર્શનસપ્તકની ક્ષપણા કરી શકે નહિ. અને જે જીવોએ યુગલિક એવા તિર્યંચ કે યુગલિક એવા મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું છે અને ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા છે તેઓ બંધાયેલા આયુષ્ય અનુસાર યુગલિક તિર્યંચ કે યુગલિક મનુષ્યભવમાં જાય છે ત્યાંથી ચ્યવીને અવશ્ય દેવભવમાં જાય છે અને દેવભવથી ચ્યવીને મનુષ્યભવની પ્રાપ્તિ કરીને અવશ્ય મોક્ષમાં જાય છે. તેથી જે જીવોએ તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય બાંધ્યું છે અને ત્યારપછી ક્ષાયિક સમકિત પામ્યા છે તે જીવો અવશ્ય ચોથા ભવમાં મોક્ષે જાય છે અને જે જીવોએ કોઈ પણ ભવનું આયુષ્ય બાંધ્યું નથી તેઓ દર્શનસપ્તકની ક્ષપણા કર્યા પછી ચારિત્રમોહનીયની ક્ષપણા માટેનો પ્રારંભ કરીને સર્વમોહનો નાશ કરે છે અને તે જ ભવમાં મોક્ષમાં જાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ક્ષાયિક સમ્યક્ત્વના પ્રાપ્તિકાળમાં વીતરાગતાની સાથે લયની પ્રાપ્તિ થાય તેવો માર્ગાનુસા૨ી સૂક્ષ્મ ઊહ જીવને પ્રગટે છે તેથી તે જીવ જો આયુષ્ય બાંધ્યું ન હોય તો વીતરાગતામાં લય પામીને તે જ ભવમાં મોક્ષમાં જાય છે. અને દર્શન સપ્તકની ક્ષપણાના પ્રારંભ પૂર્વે આયુષ્ય બાંધેલું હોય તો આયુષ્યબંધના કારણે જ તેઓ વીતરાગતામાં લય પામવાને અનુકૂળ ઉદ્યમ કરી શકતા નથી અને તે આયુષ્ય પૂરું થાય કે તરત જેવી વીતરાગતામાં લય પામવાને અનુકૂળ મનુષ્યભવની સામગ્રી તેઓને પ્રાપ્ત થાય કે તરત તેઓ વીતરાગતામાં લય થવાને અનુકૂળ મહાપરાક્રમ કરીને મોહનો નાશ કરે છે. અને વીતરાગતામાં લય ક૨વાને અનુકૂળ સૂક્ષ્મ ઊહની પ્રાપ્તિ અર્થે શ્રુતવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ છે અને શ્રુતથી ભાવિત મતિ છે. તેથી મોક્ષના અર્થી જીવોએ સદા શ્રુતવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. અને શ્રુતથી મતિને અત્યંત ભાવિત કરવી જોઈએ કે જેથી વીતરાગતાના લયનું પ્રબળ કારણ એવું નિર્મળ કોટિનું સમ્યગ્દર્શન પ્રગટ થાય.
વળી, કોઈ જીવ સમ્યક્ત્વ પામતો હોય ત્યારે તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ માર્ગાનુસારી ઊહ કર્રે છે. ત્યારપછી સમ્યક્ત્વ પામે છે અને સમ્યક્ત્વ પામ્યા પછી અંતર્મુહૂર્ત સુધી પ્રવર્ધમાન પરિણામવાળો હોય છે અને આ પ્રવર્ધમાન પરિણામ તે સમ્યક્ત્વનો ઉપયોગ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ કાળમાં જે તત્ત્વનું દર્શન થયું છે તે તત્ત્વદર્શનમાં માર્ગાનુસા૨ી જ્ઞાનનો ઉપયોગ વર્તે છે. આ ઉપયોગ તે જીવને જઘન્યથી અંતર્મુહૂર્તનો