________________
४४
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ હોય છે અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્તનો હોય છે. આ પ્રકારનો સમ્યત્વનો ઉપયોગ એક જીવને આશ્રયીને વિચારીએ કે જુદા જુદા જીવને આશ્રયીને વિચારીએ તોપણ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ પ્રાપ્ત થાય છે. તેનાથી અધિક સમ્યક્તનો ઉપયોગ પ્રવર્તી શકતો નથી.
વળી, સમ્યક્તની પ્રાપ્તિને કારણે જે દર્શનમોહનીયના ક્ષયોપશમરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે તે એક જીવને જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે અને ઉત્કૃષ્ટથી મનુષ્યભવથી અધિક કલ સાગરોપમ સુધી રહી શકે છે. ત્યારપછી સમ્યક્તથી પાત ન પામે તો તે જીવ અવશ્ય સિદ્ધ થાય છે અને જુદા જુદા જીવોને આશ્રયીને વિચારીએ તો ક્ષયોપશમભાવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સર્વકાળ પ્રાપ્ત થાય છે; કેમ કે ક્ષયોપશમ સમ્યક્તવાળા જીવો જગતમાં સદા વર્તે છે. આથી એ પ્રાપ્ત થાય કે જીવ જ્યારે સમ્યક્ત પામે છે ત્યારે મધ્યસ્થતાપૂર્વક તત્ત્વના અવલોકન માટેનો મતિજ્ઞાનનો ઉપયોગ વર્તે છે. તે મતિજ્ઞાનનો ઉપયોગ જઘન્યથી નાનું અંતર્મુહૂર્ત પ્રવર્તે છે અને ઉત્કૃષ્ટથી કંઈક મોટું અંતર્મુહૂર્ત પ્રવર્તે છે, તેને આશ્રયીને સમ્યત્વના ઉપયોગનો કાળ અંતર્મુહૂર્ત છે. એમ કહેલ છે. ત્યારપછી સમ્યક્ત પામેલ જીવ નવા ઉપયોગમાં જાય છે. તે ઉપયોગ પ્રથમ ભૂમિકામાં દર્શનનો હોય છે પછી તે ઉપયોગ જ્ઞાનનો હોય છે, અને વળી તે ઉપયોગ ક્વચિત્ સંસારની કોઈક પ્રવૃત્તિ વિષયક હોય કે ક્વચિત્ તત્ત્વાતત્ત્વની વિચારણાસ્વરૂપ હોય તોપણ દર્શનમોહનીયના ક્ષયોપશમરૂપ સમ્યક્તની પ્રાપ્તિ કોઈક જીવને જઘન્યથી અંતર્મુહૂર્ત ટકે છે અથવા કોઈક જીવને ઉત્કૃષ્ટથી મનુષ્યભવથી અધિક એવા છાસઠ સાગરોપમ ટકી શકે છે.
આ રીતે, સમ્યક્તનો ઉપયોગ અને ક્ષયોપશમરૂપ સમ્યક્તની પ્રાપ્તિનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બતાવ્યા પછી, સમ્યક્તની પ્રાપ્તિ પછી કોઈ જીવ સમ્યક્તથી પાત પામે તો ફરી કેટલા કાળ પછી તે સમ્યક્ત પામી શકે તે બતાવતાં કહે છે –
કોઈ જીવ સમ્યક્ત પામ્યા પછી સમ્યક્તથી પાત પામે તો જઘન્યથી અંતર્મુહૂર્ત અંતરના વ્યવધાનથી ફરી સમ્યક્ત પ્રાપ્ત કરી શકે છે. અને આશાતનાપ્રચુર એવો સમ્યક્તથી પાત પામેલો જીવ ઉત્કૃષ્ટથી, કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત પછી સમ્યક્તને પ્રાપ્ત કરી શકે છે. તેમાં ઉપદેશપદની સાક્ષી આપે છે –
ઉપદેશપદની સાક્ષીનો અર્થ આ પ્રમાણે છે – તીર્થકરની, પ્રવચનની=ચતુર્વિધ સંઘની, શ્રુતની, આચાર્યની, ગણધરની કે મહાઋદ્ધિવાળા એવા સાધુઓની આશાતના કરે તો જીવ બહુધા અનંત સંસારી થાય છે. તેથી એ ફલિત થાય કે કોઈ જીવ સમ્યક્ત પામ્યા પછી સમ્યક્તથી પાત પામે અને તીર્થંકરાદિ કોઈની આશાતના કરે તો ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલથી કંઈક ન્યૂન એવા અનંત સંસારને પ્રાપ્ત કરે છે અને મિથ્યાદૃષ્ટિ જીવો તેનાથી પણ અધિક અનંત સંસાર અર્જન કરી શકે છે.
પૂર્વમાં એક જીવ સમ્યક્ત પામ્યા પછી ફરી સમ્યક્ત પામે તેની વચમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સમ્યક્તનો કેટલો આંતરો પ્રાપ્ત થાય છે તે બતાવ્યો. હવે સર્વ જીવોને આશ્રયીને સમ્યક્તની પ્રાપ્તિ પછી સમ્યક્તથી પાત થાય તો કંઈક આંતરો પ્રાપ્ત થાય છે કે નહિ તેની જિજ્ઞાસામાં કહે છે –