________________
૪૨
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સાગરોપમ કર્મની સ્થિતિની પ્રાપ્તિ થઈ તે જીવોને સમ્યક્ત પ્રાપ્ત થાય છે. સમ્યક્તની પ્રાપ્તિ વખતે જે અંતઃકોટાકોટી સાગરોપમ કર્મોની સ્થિતિ છે તેમાંથી પલ્યોપમ પૃથકત્વ કર્મોની સ્થિતિ ઘટે તો તે જીવ ચોથા ગુણસ્થાનકમાંથી પાંચમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. પાંચમા ગુણસ્થાનકરૂપ શ્રાવકપણાને પામ્યા પછી દેશવિરતિના સેવનના બળથી સંખ્યાતા સાગરોપમની કર્મની સ્થિતિ ઘટે છે ત્યારે તે જીવને સર્વવિરતિની પ્રાપ્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત થાય છે. ચારિત્રની પ્રાપ્તિ વખતે જે કર્મોની સ્થિતિ છે તેમાંથી પણ ચારિત્રના સેવનના બળથી સંખ્યાતા સાગરોપમ કર્મની સ્થિતિ ઘટે ત્યારે જીવને ઉપશમશ્રેણી પ્રાપ્ત થાય છે. કેટલાક જીવોને ઉપશમશ્રેણીના પ્રાપ્તિકાળમાં અપેક્ષિત કર્મની સ્થિતિ કરતાં અધિક સંખ્યાત સાગરોપમ સ્થિતિ ઘટે છે તેથી ઉપશમ શ્રેણીને બદલે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે છે.
તેથી એ ફલિત થાય કે જીવ જેમ અપ્રમાદભાવથી ગુણવૃદ્ધિ માટે ઉદ્યમ કરે છે તેમ તેમ કર્મની સ્થિતિ ઘટે છે. જેમ જેમ કર્મની સ્થિતિ ઘટે છે તેમ તેમ ઉપર-ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિરૂપ ગુણસંપત્તિની પ્રાપ્તિ થાય છે. આથી જ અનાદિ મિથ્યાષ્ટિ જીવ તત્ત્વાતત્ત્વને અનુકૂળ માર્ગાનુસારી ઊહ કરે છે ત્યારે તેની સત્તામાં રહેલી કર્મની સ્થિતિ ઘટે છે. સત્તામાં રહેલી કર્મની સ્થિતિ ઘટવાને કારણે સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. આ રીતે જ યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા દેશવિરતિ આદિ સર્વ ગુણસ્થાનકો તે તે પ્રકારે કર્મની સ્થિતિ ઘટવાથી પ્રાપ્ત થાય છે. માટે કલ્યાણના અર્થી જીવોએ કર્મની સ્થિતિના હૃાસ માટે જિનવચનનું અવલંબન લઈને યોગમાર્ગમાં ઉચિત યત્ન કરવો જોઈએ. જેથી સત્તામાં રહેલી કર્મની સ્થિતિનો હ્રાસ થાય અને ઉપર-ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય અને અંતે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ દ્વારા મોહનો નાશ થાય.
પૂર્વ શ્લોકમાં કહ્યું એ પ્રમાણે કોઈ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરે અને સમ્યક્તથી પાત ન પામે તો દેવ અને મનુષ્યભવમાં જાય પરંતુ અન્ય કોઈ ભવમાં જાય નહિ. વળી, કોઈ જીવ સમ્યક્ત પામ્યા પછી સમ્યત્વથી પાત ન પામે તો એક ભવમાં ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી એ બંનેમાંથી એકને છોડીને સર્વને પ્રાપ્ત કરે છે અર્થાત્ પ્રથમ સમ્યક્ત પ્રાપ્ત કરે, પછી દેશવિરતિ પ્રાપ્ત કરે, પછી સર્વવિરતિ પ્રાપ્ત કરે. ત્યારપછી ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી તે બેમાંથી કોઈ એક શ્રેણીને પ્રાપ્ત કરે છે અને સમ્યક્તથી પાત ન પામે તો દેવમનુષ્યના ભવના ક્રમથી સાત આઠ ભવમાં મોક્ષે જાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ જીવ સમ્યક્ત પ્રાપ્ત કરે અને પછી અપ્રમાદભાવથી દેશવિરતિ આદિની પ્રાપ્તિ માટે ઉચિત યત્ન કરે અને તેનાં દેશવિરતિના કર્મો સોપક્રમ હોય તો સમ્યક્તની પ્રાપ્તિ પછી તરત જ દેશવિરતિને પ્રાપ્ત કરે છે. તે વખતે તેના દેશવિરતિની પ્રાપ્તિને અનુકૂળ વ્યાપારથી અંતર્મુહૂર્તમાં સત્તામાં રહેલી કર્મની સ્થિતિમાંથી પલ્યોપમ પૃથકત્વ અર્થાત્ બેથી નવ પલ્યોપમ કર્મની સ્થિતિ નાશ પામે છે તેથી દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. અને કેટલાક જીવોને દેશવિરતિની પ્રાપ્તિ તે જ ભવમાં કંઈક કાળના વિલંબનથી થાય છે. કેટલાક જીવને તે જ ભવમાં દેશવિરતિ પ્રાપ્ત થતી નથી પરંતુ બીજા ભવોમાં દેશવિરતિ પ્રાપ્ત થાય છે. તે સર્વનું કારણ તે જીવોની કર્મની સ્થિતિ અને તે જીવોનો બાહ્યસામગ્રીને અવલંબીને થતો પુરુષકાર નિયામક છે. તે રીતે સર્વવિરતિ, ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણીમાં પણ જાણવું. આથી જ જીવ એક જ ભવમાં સમ્યક્ત આદિના ક્રમથી ક્ષપકશ્રેણીને પણ પ્રાપ્ત કરે છે.