________________
૧૪
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
ભાવાર્થ :
પૂર્વ ગાથામાં સમ્યક્તનું સ્વરૂપ બતાવ્યું. અને તેનું ઉત્તમ ફળ છે તેમ બતાવ્યું. હવે તે સમ્યગ્દર્શન જીવને બે રીતે પ્રાપ્ત થાય છે તે બતાવે છે – ૧. નિસર્ગથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. ૨. અધિગમથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. નિસર્ગ' શબ્દનો બોધ કરાવવા અર્થે તેના પર્યાયવાચી શબ્દ કહે છે – નિસર્ગ એટલે સ્વભાવ અને સ્વભાવ એટલે ગુરુઉપદેશાદિથી નિરપેક્ષ. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોને નિસર્ગથી સમ્યગ્દર્શન થાય છે એટલે સ્વભાવથી સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ ગુરુઉપદેશની અપેક્ષા રાખ્યા વગર સ્વાભાવિક સમ્યગ્દર્શન થાય છે એ સમ્યગ્દર્શનને “નિસર્ગ સમ્યક્ દર્શન' કહેવાય છે.
અધિગમ શબ્દનો બોધ કરાવવા અર્થે કહે છે –
અધિગમ એટલે ગુરુનો ઉપદેશ. અર્થાત્ યથાવસ્થિત પદાર્થનો પરિચ્છેદ. તેથી એ પ્રાપ્ત થાય કે ગુરુપદેશથી કે અન્ય રીતે શાસ્ત્રઅધ્યયન કરવાને કારણે ભગવાને કેવલજ્ઞાનમાં જોઈને જે પદાર્થો જે રીતે કહ્યા છે તે રીતે જેઓને યથાવસ્થિત પદાર્થોનો બોધ થાય તેઓને અધિગમથી સમ્યગ્દર્શન છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોને નિસર્ગથી સમ્યગ્દર્શન થાય છે તે જીવોને જિનવચનના પદાર્થનો યથાર્થ બોધ થયો નથી પરંતુ નૈસર્ગિક રીતે તે પ્રકારના નિર્મળ પરિણામ થયા છે કે જેથી મિથ્યાત્વરૂપી મલ તેઓનો દૂર થયો છે અને આ રીતે નૈસર્ગિક સમ્યક્ત પામ્યા પછી જીવો શાસ્ત્રઅધ્યયન કરીને અધિગમથી પદાર્થનો બોધ કરે ત્યારે નિસર્ગથી થયેલું સમ્યક્ત અધિગમથી નિર્મળ બને છે.
વળી, કેટલાક જીવોમાં મિથ્યાત્વ વર્તતું હતું અને ગુરુઉપદેશના કારણે કે અન્ય કોઈ રીતે શાસ્ત્રઅધ્યયનાદિને કારણે ભગવાને કહેલા પદાર્થોનો યથાર્થ બોધ થાય છે અને તેના કારણે તેનામાં રહેલ મિથ્યાત્વનો મલ દૂર થાય છે તે જીવોને અધિગમથી સમ્યગ્દર્શન થાય છે.
આ કથનમાં સાક્ષીરૂપે યોગશાસ્ત્ર ગ્રંથની વૃત્તિના શ્લોક આપ્યા છે, તેનો અર્થ આ પ્રમાણે છે –
આ સંસાર અનાદિકાળનો છે અને અનંતકાળ સુધી રહેનારો છે. તેમાં વર્તતા જીવો આયુષ્યકર્મને છોડી જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, વેદનીયકર્મ અને અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમ બાંધે છે. નામકર્મ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોટાકોટી સાગરોપમ બાંધે છે. અને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટાકોટી સાગરોપમ બાંધે છે. પર્વત પરથી પડતા પથ્થરના ગબડવાના દૃષ્ટાંતથી સાતેય કર્મોની સ્થિતિ ૭૦ કોટાકોટી સાગરોપમથી અંતઃકોટાકોટી સાગરોપમ ન્યૂન થાય છે. ત્યારે સર્વ જીવો યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિદેશને પ્રાપ્ત કરે છે.
આ રીતે જીવો કર્મની સ્થિતિ અલ્પ થવાને કારણે ગ્રંથિદેશમાં આવે છે તે બતાવ્યા પછી ગ્રંથિ શું છે ? તે સ્પષ્ટ કરે છે –