________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪
અંગીકાર કર્યો. આમ ત્યાં તાપસપુર નામનું એક નાનકડું નગર બની રહ્યું. એક સમયે ત્યાં ત્રિકાળજ્ઞાની આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિજી વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા. દમયંતીએ ઉલ્લાસથી ગુરુભક્તિ કરી અને વિનયથી પૂછ્યું: “હે ભગવંત ! આજ મારાં કયાં કર્મ ઉદયમાં આવ્યાં છે કે જેથી મારા પતિનો વિયોગ થયો છે? આપ તે કહેવા મારા પર અનુગ્રહ કરો.”
આચાર્ય ભગવંતશ્રીએ કહ્યું : “પૂર્વભવમાં તું મમ્મણ નામના રાજાની વીરમતિ નામે માનીતી રાણી હતી. એક દિવસ તમે બન્ને મહેલની બહાર ક્યાંક જવા માટે નીકળ્યાં. રસ્તામાં સામે તને સર્વ પ્રથમ એક મુનિ મળ્યા. અને તે અપશુકન માન્યા. આથી તેં એ મુનિને બાર ઘડી સુધી રોકી રાખ્યા. પછીથી એ મુનિને તેં ખમાવ્યા. એ ભવમાં મુનિને બાર ઘડી સુધી રોકી રાખીને તેં જે કર્મ બાંધ્યું હતું તે તને આ ભવમાં ઉદયમાં આવ્યું છે. આ કર્મના પરિણામે તને તારા પતિનો બાર વરસ સુધી વિયોગ રહેશે.
મુનિ ભગવંતની અવહેલના કરવાથી કેવા કર્મ બંધાય છે તે પોતાના જ પૂર્વભવથી જાણીને દમયંતી હવે વધુ ઉત્કટ ભાવથી ગુરુભક્તિ કરવા લાગી.
એક દિવસ તેને કોઈએ ખબર આપ્યા: “હે રાજમાતા ! થોડીવાર પહેલાં જ મેં આપના પતિદેવને જોયા હતા. આ સાંભળતાં જ દમયંતી એ દિશામાં દોડી. ત્યાં રસ્તામાં કોઈ રાક્ષસીએ ઉપદ્રવ કર્યો. પરંતુ દમયંતીના શિયળના પ્રભાવથી રાક્ષસી તેનું કંઈ જ અહિત કરી શકી નહિ. ત્યાંથી ચાલતી તે અચલપુરમાં આવી. તે નગરમાં ચંદ્રયશા રાણી રહેતી હતી. આ રાણી તેની માસી હતી. માસીએ ભાણેજનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. તેની પાસેથી તેની આપવીતી સાંભળી. માસીએ તરત જ કુંડિનપુર પોતાની બેનને જાણ કરી. પોતાની પુત્રીની ભાળ મળતાં જ ભીમરાજા અચલપુરમાં આવ્યો અને દમયંતીને પોતાને ત્યાં લઈ ગયો. આમ હે પાકવિદ્ ! તારા નળરાજાની રાણી આજ તેના પિયરમાં સહીસલામત છે.”
દમયંતી ક્ષેમકુશળ છે અને તેનાં મા-બાપને ત્યાં છે એ જાણીને કૂબડાના વેષમાં રહેલા નળના હૈયે ટાઢક થઈ. તેના હૈયા પરથી ઘણો મોટો ચિંતાનો ભાર ઊતરી ગયો.
થોડા દિવસ બાદ ભીમરાજાનો એક દૂત દધિપર્ણ રાજા પાસે આવ્યો. ત્યાં તેણે સૂર્યપાક રસોઈનો આનંદ માણ્યો. આ દૂતે કુંડિનપુર જઈને ભીમરાજાને અને દમયંતીને સૂર્યપાક રસોઈનાં વખાણ કર્યાં. આ સાંભળીને દમયંતીનું હૈયું બોલી ઊઠ્યું. “નક્કી એ નળ જ હોવા જોઈએ. તેમના સિવાય બીજું કોઈ જ સૂર્યપાક રસોઈ રાંધી શકતું નથી. એ રસોયો નળ જ છે કે બીજો કોઈ તેની ખાતરી કરવા માટે દમયંતીએ સુસુમારપુર નગરે બીજો એક દૂત મોકલ્યો. દૂતે પાછા આવીને કૂબડાનું નખશિખ વર્ણન કર્યું. એ જાણીને દમયંતીને ખાતરી થઈ ગઈ કે એ કૂબડો જ મારો ભર્તાર છે.
નળરાજાને સાચા સ્વરૂપે પામવા માટે ભીમરાજાએ દમયંતીનો ફરી સ્વયંવર યોજ્યો. આ ખબર મળતાં જ નળે ત્યાં જવાની વ્યવસ્થા કરી લીધી. દપિપર્ણ રાજાનો સારથિ બનીને તે