________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
પત્નીને વિશ્વાસ પમાડી અને પછી છેતરીને જંગલમાં એકલી ઊંઘતી મૂકીને તજી જવાની ઇચ્છાવાળો નળ તે જ સમયે બળીને કેમ ખાખ ન થઈ ગયો ?”
શ્લોકો સાંભળીને કૂબડાએ બ્રાહ્મણની પ્રશંસા કરી અને તેને થોડીક દક્ષિણા પણ આપી. પછી તેણે પૂછ્યું : ‘હે ભૂદેવ ! તમે ખરેખર વિદ્વાન છો. તમારી જેમ મને પણ એમ જ થાય છે કે પત્નીને ઊંઘતી છોડી જનાર નળરાજા ત્યાં ને ત્યાં જ કેમ બળી ન ગયો ? પણ ભૂદેવ ! તમને આ બધી કેવી રીતે ખબર પડી ? શું તમે નળરાજાને મળ્યા છો ? રાણી દમયંતીને મળ્યા છો ? આ અંગે તમે કંઈ પણ જાણતા હો તો મને કહો.”
બ્રાહ્મણે કહ્યું : ‘તમે તો નળરાજાના રસોઇયા હતા, આથી તમને નળરાજાની ચિંતા થાય તે સ્વાભાવિક છે. મને જેટલી ખબર છે, તે હું તમને કહું. રાણી દમયંતી સવારે જાગ્યાં અને બાજુમાં નળરાજાને ન જોયા તેથી તેમને ધ્રાસકો પડ્યો. બેબાકળી નજરે આજુબાજુ જોયું, ત્યાં તેમની નજર પાલવ પર લખેલા લોહીના અક્ષરો પર પડી. એ લખાણ તેમણે વાંચ્યું. પતિ સુરક્ષિત છે તે જાણીને તેમના હૈયે શાંતિ થઈ. પછી તેમને પોતાના પિયર જવાનું નક્કી કર્યું અને એ તરફ ચાલવા માંડ્યું.
રસ્તે ચાલતાં તેમને એક મોટા સાર્થ-કાફલાનો ભેટો થયો. ત્યાં જ ચોરોએ એ કાફલાને લૂંટવાનો પ્રયાસ કર્યો. દમયંતીએ એ સમયે એવો જોરથી હાકોટો પાડ્યો કે ચોરો ગભરાઈને કોઈને લૂંટ્યા વિના જ ત્યાંથી ભાગી છૂટ્યા. દમયંતીના આ સત્ત્વ અને શક્તિ જોઈને સાર્થપતિએ તેને પ્રણામ કર્યા. તેની ખબર-અંતર પૂછી તેનો પરિચય મેળવ્યો. ‘આ તો નળરાજાની રાણી' એમ જાણતાં સાર્થપતિએ તેનો ખૂબ જ આદર-સત્કાર કર્યો અને એક રાજમાતાની જેમ તેમને સાચવવા લાગ્યા.
દમયંતીએ વિચાર્યું : વર્ષાનો સમય છે. મારા લીધે સાર્થને તેમના સ્થળે પહોંચવામાં વિલંબ થશે, આથી હું એકલી જ ચાલી નીકળું' આમ વિચારીને સાર્થપતિને જણાવ્યા વિના તે નીકળી પડી. રસ્તામાં કોઈ રાક્ષસે ઉપદ્રવ કર્યો. પરંતુ દમયંતી રાક્ષસથી જરા પણ ભય ન પામી. વીરતાથી રાક્ષસનો સામનો કર્યો. દમયંતીની હિંમત જોઈને રાક્ષસે ખુશ થઈને કહ્યું : “હે દેવી ! તું જરા પણ અમંગળ ન વિચારીશ. તને તારા પતિનો સમાગમ બાર વરસે થશે.’
આ પછી દમયંતી કોઈ પર્વતની ગુફામાં રહેવા લાગી. ત્યાં તેણે શ્રી શાંતિનાથ ભગવાનની માટીની પ્રતિમા બનાવી. આ જિનેશ્વર ભગવંતની દમયંતી વિધિપૂર્વક અને ભક્તિપૂર્વક ત્રિકાળ પૂજા કરતી. હંમેશાં તપમાં રહેતી. ભૂમિ પર પડેલાં પાકાં ફળથી તે પેટપૂર્તિ કરીને પોતાના દિવસો ધર્મધ્યાનમાં પસાર કરતી.
થોડા દિવસ બાદ પેલો સાર્થપતિ પોતાના સાર્થકાફલા સાથે એ ગુફા પાસે આવી પહોંચ્યો. દમયંતીને તપ અને ધર્મધ્યાનમાં રત જોઈને તે વધુ પ્રભાવિત બન્યો. તેની પાસેથી ઉપદેશ શ્રવણ કરીને તે જૈનધર્મી બન્યો. આ સાથે જ એ જંગલમાં રહેતા પાંચસો તાપસોએ પણ જૈનધર્મ