________________
સૈકાલિક આત્મવિજ્ઞાન કાળ પછી સ્વભાવની વાત કરીએ તો સ્વભાવ, જગતનો શું છે ? અને જીવનો પોતાનો શું છે ? એ જીવે એટલે કે આપણે સહુએ વિચારવું જોઈએ અને તે ઉપર ચિંતન, મનન, મંથન, સંશોધન કરી જીવે એના પોતાના (સ્વ) ભાવમાં એટલે કે સ્વભાવમાં આવવું જોઈએ.
કર્મ વિષે વિચારતાં એમાંથી સાધના એ નીકળી શકે છે કે કર્મ સારા અને નરસા ઉભય પ્રકારના હોય છે. સત્કર્મનું ફળ સારું અને કુકર્મ (દુષ્કર્મ) નું ફળ ખરાબ હોય છે. તો કર્મ કરતી વખતે અર્થાત કર્મબંધના સમયે જીવે વિવેકી બની સત્કર્મ-સુકર્મ-સુકૃત તરફ વળવું જોઈએ.'
ઉદ્યમની વાત લઈએ તો તે પાંચે કારણમાં જીવને સ્વાધીન એવું કારણ છે. માટે જીવે શુભમાં પ્રવૃત્તિશીલ થવું જોઈએ અને પ્રમાદ છોડી અપ્રમત (જાગૃત સાવધ) બની શુભમાં જોડાઈ શુદ્ધ (કર્મમલરહિત) થવું જોઈએ.
અંતે ભવિતવ્યતામાંથી સાધના એ નીકળે છે કે જીવ ઇચ્છે છે કાંઈ અને થાય છે કાંઈ. તો જે પરિણામ આવે તેને નિયતિ, નિશ્ચિત ભાવિ સમજી લઈ રતિ-અરતિ, હર્ષ શોકથી દૂર રહી સમભાવ ટકાવી શકાય અને સમતામાં રહી શકાય.
પાંચે કારણ મળી કાર્ય બને છે તો એ પાંચ કારણથી જીવે સાધના કરવી જોઈએ.
કાળ-કર્મ ઉદ્યમ-નિયતિ આદિ આત્માનું સ્વરૂપ નથી. પરંતુ પરમાત્મપદ પ્રાપ્તિના સાધન છે. ઉદ્યમ આદિ કરવા છતાં ય પરિણામ ન આવે તો હતાશ નહિ થતાં સ્વરૂપમાં સાધનમાં સ્થિર રહેવું. સાધનથી પરિણામ ન આવે તો કાળધર્મ-ઉદ્યમ આદિથી પર થવું અર્થાત ઉપર ઊઠવું, સાધનથી રહિત નથી થવાનું પણ સાધનથી સમર્થ થવાનું છે.
કાર્યના મૂળમાં રહેલ આ પાંચે મૂળ કારણથી આત્માના મૂળ શુદ્ધ, સ્વરૂપને સમજી જીવે પાંચ કારણથી સાધના કરી સ્વયંના શુદ્ધ આત્મ-સ્વરૂપપરમાત્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરવાનું છે.
મોક્ષની પ્રાપ્તિ થવાની છે, એ આપણી ભવિતવ્યતા છે. તો ચાલો આપણા સ્વભાવને ઓળખી, કાળના ભ્રમમાંથી બહાર નીકળી, કર્મરહિત થવામાં આપણે સહુ કોઈ ઉદ્યમી બનીએ તેવી અભ્યર્થના !
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org