________________
૧૮૪
ત્રૈકાલિક આત્મવિજ્ઞાન
માનવામાં આવે છે તે સાદા વ્યવહારુ દાખલાથી ‘નય’ નો ખ્યાલ આવી શકે છે. વસ્તુમાં એક ધર્મ નથી; અનેક ધર્મો છે. અતએવ વસ્તુગત ભિન્ન ભિન્ન ધર્મોને લગતા જેટલા અભિપ્રાયો તેટલા ‘નયો’ છે. જગતના વિચારોના આદાન-પ્રદાનનો બધો વ્યવહાર ‘નય’ છે.*
અનેકાન્તદૃષ્ટિથી વસ્તુ એના વ્યાપક સ્વરૂપમાં એ કેવા ધર્મોનો ભંડાર છે તે સમજાય છે, અને વ્યવહારના વખતે એમાંની સમયોચિત બાબત (ધર્મ)નો ઉપયોગ કરવામાં આવે છે, જે નયનો પ્રદેશ છે.
એક જ ઘટ વસ્તુ; મૂળ દ્રવ્ય-માટીની અપેક્ષાએ વિનાશી નથી અર્થાત્ નિત્ય છે. પરંતુ તેના આકારાદિરૂપ પર્યાય (પરિણામ)ની દૃષ્ટિએ વિનાશી છે. આમ એક દૃષ્ટિએ ઘટને નિત્ય માનવો અને બીજી દૃષ્ટિએ અનિત્ય માનવો એ બન્ને નયો છે. અત્રે સમજી લેવું જરૂરી છે કે કોઈ પદાર્થ નાશ પામતો નથી. જે પદાર્થ નાશ પામતા આપણને દેખાય છે તે પણ વસ્તુતઃ કેવળ બદલાતા (પરિવર્તન પામતા) હોય છે.
આત્મા નિત્ય છે એ નિઃશંક છે. કેમકે આત્માનો નાશ થતો નથી. આત્મા અનાદિ-અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ છે. પરંતુ તેના સંસારી જીવનમાં હંમેશા પરિવર્તન થતું રહે છે. આત્મા કોઈ વખતે પશુજીવનને પ્રાપ્ત કરે છે, તો ક્યારેક મનુષ્યાવસ્થામાં આવે છે. વળી ક્યારેક દેવભૂમિનો ભોક્તા બને છે, તો ક્યારેક નરકાદિ દુર્ગતિમાં જઈ પડે છે. એ એક જ આત્માની પરિવર્તનશીલતા સૂચવે છે. અરે! એક જ ભવ એક જ શરીરમાં પણ આત્માની યાત્રા કાંઈ ઓછી પરિવર્તનશીલ નથી. અવસ્થા, વિચાર, વેદના, ભાવના, હર્ષ, વિષાદ આદિના બાહ્ય તથા આંતરિક કેટકેટલાં પરિવર્તન થાય છે ! દેહધારી આત્મા સતત પરિવર્તનની ઘટમાળમાં ફરતો રહે છે. આ કારણને લીધે નિત્ય દ્રવ્ય રૂપ આત્માને કથંચિત અનિત્ય પણ માની શકાય. છતાં આત્માને એકાંત નિત્ય કે એકાન્ત અનિત્ય નહિ પરંતુ નિત્યાનિત્ય માની
શકાય.
* જેમ સમુદ્રનું બિંદુ સમુદ્ર ન કહેવાય, તેમ અસમુદ્ર એટલે કે સમુદ્ર બહારનું પણ ન કહેવાય. કિંતુ સમુદ્રનો અંશ કહેવાય. જો સમુદ્રના એક બિન્દુને સમુદ્ર માનવામાં આવે તો એ બિન્દુ સિવાયનો સમુદ્રનો શેષભાગ અસમુદ્ર બની જાય ! અથવા જો સમુદ્રના દરેક બિન્દુને એક એક સમુદ્ર ગણવામાં આવે તો એક જ સમુદ્રમાં કરોડો સમુદ્રોનો વ્યવહાર થવા લાગે ! હકીકતમાં એવો વ્યવહાર નથી, એ જ પ્રમાણે આંગળીનું ટેરવું આંગળી ન કહેવાય. તેમ આંગળી નથી એમ પણ ન કહેવાય. છતાંય ટેરવું આંગળીનો અંશ તો છે જ. આમ ‘નય’ પણ પ્રમાણનો અંશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org