________________
૨૪૪
સૈકાલિક આત્મવિજ્ઞાન બહારથી તે બધી વાતે અનેક રીતે સુખી હોવા છતાં મનથી દુઃખી થાય છે કે નહિ ? અને આવી રીતે ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં મનથી દુઃખી ન થવા માટે વીમાકંપનીમાં જઈ વીમો ઉતરાવી આવી શકાય એવી કોઈ વીમા કંપની વિશ્વમાં છે ? મન એટલું બધું મુલાયમ છે કે રાજા જેવો રાજા પણ એની વહાલમાં વહાલી રાણી એક જરા ઊંચે સાદે બોલે તો તેને અપમાન માનીને સહન નથી કરી શકતો. આવી કલેશ અને ઉગરૂપ મનની વિટંબણાથી કોણ બચેલો છે ? આ શેનું પરિણામ છે ? આપણી પાસે રહેલ અધર્મનું જ તો ! તો હવે અધર્મ શું ? આપણી અધૂરી સમજ કહો, અસમજ કહો, ખોટી સમજણ કહો કે તે અધૂરી ને ખોટી સમજ-અણસમજ પ્રમાણેનું આચરણ જ અધર્મ છે. વિશ્વમાં કયો જીવ સમજણમાં પૂર્ણ ને આચરણમાં વિવેકી છે ? અને દુઃખનો અનુભવ ન કરતો હોય ?
આ રીતે આપણે અધર્મનું સ્વરૂપ સમજીએ તો ધર્મનું સ્વરૂપ આપોઆપ સમજાઈ જાય. કોઈ જીવ આપણને કોઈપણ પ્રકારે દુઃખી કરે તેની સમજ ને અનુભવ દરેક વ્યક્તિને છે. એક નાના બાળકને પણ શીખવાડવું પડતું નથી કે તારો કોઈ મિત્ર તારી ચાડી ચુગલી કરે તો દુઃખી ન થવું. ને મન ઉપર ન લેવું. બીજા તરફથી પહોંચેલ દુઃખની જીવને તુરત જ ખબર પડે છે ને અસર પહોંચે છે. તો કોઈ પણ જીવને આપણે દુઃખી કરીએ તો તેને પણ દુઃખ થાય એમ સમજીને આપણે કોઈ જીવને દુઃખી ન કરીએ તેનું નામ ધર્મ ! આ ધર્મનો પાયો છે. કારણ કે ધર્મના તબક્કાઓના પગથિયાઓ અનેક છે. કારણ કે આપણે નિતાંત દુઃખ મુક્ત થવું છે. જેમાં અનેક પ્રકારે આપણામાં જ અધર્મના પ્રકારો છે-વિભાગો છે. તે પ્રમાણે અનેક પ્રકારના દુઃખોથી ઉત્તરોત્તર મુક્ત થવા માટે ધર્મ સાધનાના પગથિયાં પણ આપણામાં જ છે. એટલે ધર્મ ને અધર્મનું ક્ષેત્ર આપણે સ્વયં છીએ.
જ્યાં આપણામાં અધર્મનું ક્ષેત્ર છે ત્યાં જ ધર્મ છે. આ વાત સર્વને સરખી લાગુ પડે છે. હવે આપણે કેટલી વસ્તુ વડે દુઃખી થઈએ છીએ ! કદાચ એ વસ્તુ વડે આપણને સુખ પણ મળતું હોય પરંતુ જે વસ્તુ વડે આપણને સુખ પણ મળતું હોય તે જ વસ્તુ આપણને દુઃખરૂપ નીવડતી હોય તો તે વસ્તુને સુખરૂપ કેમ ગણી શકાય ?
આ વિચારશૈલી ને પદ્ધતિએ દરેક વ્યક્તિએ પોતાના શરીર-ઇન્દ્રિય અને -અંદરની આંતરિક દશાનું સંશોધન-અવલોકન કરવાનું છે. બહારથી આપણે વસ્તુ ને વ્યક્તિ વિના જીવી શકતા નથી તેનો પણ સાથે વિચાર કરવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org