________________
ધર્મત્રયી-તત્ત્વ ત્રયી
૨૨૩
કેટલો ઉત્સાહ કેટલો આનંદ હોય છે ! જીવને પણ આ બધા બંધનમાંથી મુક્તિ તે તેનું સાચું અને શુદ્ધ સ્વરૂપ છે.
તો હવે આપણે જે કોષ્ટક વિચારીએ છીએ તેમાં બે સ્વરૂપ સિદ્ધ થયાં. એક શુદ્ધ અને બીજું અશુદ્ધ. શુદ્ધિમાં તો કદી ભેદ પડે જ નહિ. પડી શકે પણ નહિ ! સોનું જો સો ટચનું હોય તો તેમાં કોઈ ભેદ હોય જ નહિ અને તેને શુદ્ધ કહેવાય. પણ જો તેમાં તાંબુ મિશ્ર કરવામાં આવે તો જેટલું ઓછું વત્તું તાંબુ મિશ્ર કરીએ એટલા એના ભેદ પડે. અશુદ્ધના ભેદ અનેક પ્રકારે હોય. છતાં એનું વર્ગીકરણ મુખ્ય બે ભેદોમાં કરવામાં આવેલ છે. શુભ અને અશુભ. પેટાભેદ અનેક હોઈ શકે. શુભભેદનું નામ છે સાત્ત્વિકભાવ. તેના બે ભેદ છે. લૌકિક અને લોકોત્તર અર્થાત્ વ્યાવહારિક અને પારમાર્થિક.
આત્માનો જે શુદ્ધભાવ ઉપર જણાવ્યો તેવો આકાર આપવા માટે જે ભાવો લાવવામાં આવે તેને લોકોત્તર સાત્ત્વિક ભાવ કહેવાય છે. અને તેથી નિરપેક્ષ જીવનમાં પરસ્પર જે ભાવો વડે આપણે સુખની આપ-લે કરી શકીએ તેને લૌકિક કે વ્યાવહારિક સાત્ત્વિક ભાવ કહેવાય. આવા લૌકિક સાત્ત્વિક ભાવને, સર્વજ્ઞ ભગવંતોએ, સંસારમાં રહેલા જીવોને અનાદિકાળથી જે દશામાં છે તે ભાવને પહેલું ગુણસ્થાનક કહેલ છે. આવા પહેલાં ગુણસ્થાનકે દરેક જીવમાં હરપળ સાત્વિક ભાવ જ હોય, રાજસ જ હોય કે તામસ જ હોય એવું બની શક્યું નથી. પરંતુ હરેક જીવો અનેક કારણો પામીને આ ત્રણ ભાવમાં રમ્યા જ કરતા હોય છે.
ધર્મપુરુષાર્થનું કાર્ય એ છે કે જીવને દુઃખદ એવાં તામસભાવને તથા રાજસ ભાવને છાડાવીને સુખદ એવા સાત્ત્વિકભાવવાળો બનાવવો, એવી યોજના કરી છે, જેને મનુષ્યયોનિમાં કર્મ અને ઉપાસના કહેવામાં આવે છે. કર્મ અને ઉપાસનાઃ
કર્મ અને ઉપાસના સંબંધી વિચારણા કરવા માટે આપણે ચાર ગતિ તરફ દૃષ્ટિ કરીએ. દેવ, માનવ, તિર્યંચ અને નારકી.
સંસારમાં જીવતાં જીવો એકબીજાના સહારે જીવે છે. જીવો ભલે દેહભાવે અને ઇન્દ્રિયભાવે જીવતા હોય. પણ આનંદવેદન એ જીવનું મૂળ સ્વરૂપ છે. દેહ અને ઇન્દ્રિયજનિત સુખ ભલે ખોટા હોય અર્થાત્ વિનાશી હોય પરંતુ દેહ અને ઇન્દ્રિયો દ્વારા જ જીવો પરસ્પર સુખની લેવડ દેવડ કરે છે. અને તેને સાત્ત્વિક ભાવ કહેવાય છે. જો આ ખોટા-વિનાશી સુખની લેવડ દેવડને સાત્ત્વિક નહિ કહીશું તો શું દુ:ખની પીડાની લેવડ-દેવડને સાત્ત્વિક કહીશું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org