________________
ધર્મશાસન-રાજશાસન
૨૧૩
બનાવવાનું અને તેના પરમાત્મ તત્ત્વને પ્રગટાવી આપવાનું અનન્ય કાર્ય નિષ્કામ ભાવે કરે છે.
જીવ દુર્જન કોટિનો રહેશે તો ભવપરંપરામાં તિર્યંચ નિગોદ-નરકની દુ:ખયોનિના કારમા દુઃખ ભોગવવા પડશે. હીરા-માણેક પાના-સત્તા સમૃદ્ધિવૈભવ વિલાસ ઓછાં હશે કે ઓછાં મળશે તો ચાલશે, પણ સજ્જનતા હશે તો જ સદ્ગતિ પ્રાપ્ત થશે. આ લોકોત્તર વિચારણા છે. રાજા હો કે સંત હો સહુ કોઈનું કાર્ય વિશ્વમાંથી પાપ-દોષ અને દુર્જનતાને દેશવટો દેવાનું જ બની રહેવું જોઈએ, કારણ કે દુર્જનતા એ મનુષ્યયોનિનો મહારોગ છે. કુટુંબમાં-જ્ઞાતિમાં-સમાજમાં-ગામમાં કે દેશમાં બીજાઓનું ભલું કરીને જીવવું તે સંસ્કાર મહાન છે. બીજાને કાંઈ પડી નથી તે રીતે બેદરકાર-લાપરવા થઈ જીવવું એ હલકાઈ છે-અપાત્રતા છે.
ચક્રવર્તી મહારાજાઓની આજ્ઞા જગતમાં તેમની હયાતી હોય ત્યાં સુધી પળાય છે, અને તેમાંય તેઓ સત્તા ઉપર હોય ત્યાં સુધી જ તેમની આજ્ઞા સર્વત્ર વર્તે છે. પરંતુ મહાત્માની-ૠષિઓ-સાધુ મહારાજાઓની આજ્ઞા તો તેમના જીવનકાળમાં તો પળાય જ છે, પણ તેઓની હયાતી બાદ પણ જગતમાં પળાય છે. સિકંદરો, સીઝરો અને અકબરો વહી ગયા અને તેમનાં રાજ્યો ખાલસા થઈ ગયાં, જ્યારે કૃષ્ણ-બુદ્ધ-મહાવીર-વ્યાસની વાતો-વિધાન-આજ્ઞા આજે ય લોકો શીર્ષાવંદ્ય કરી રહ્યા છે. રાજા મહારાજાઓ ક્ષેત્રે એટલે કે રાજ્ય-ભૂમિના વિજેતાઓ હોય છે. જ્યારે મુનિમહારાજાઓ કાળ વિજેતા અર્થાત્ કાલાતીત થઈ કાળ ઉપર વિજય મેળવનારા હોય છે.
જો રાજશાસન-ધર્મ શાસન અરસપરસના સહાયક અને પૂરક બને તો સુવર્ણકાળ અવતરે. રામરાજ્યની વાતો કરીએ છીએ પણ વિચારતા નથી કે રામ માત્ર સત્તાધારી રાજા જ નહોતા પણ ભક્તરાજા હતા, વળી વસિષ્ઠ જેવા ૠષિની એમને નિશ્રા મળી હતી. અશોક, અકબર, શિવાજી, વિક્રમ, કુમારપાળ આદિ મહારાજાઓના રાજ્યશાસન આજેય આદર્શ રાજશાસન ગણાય છે. એના મૂળમાં આ જ કારણ છે કે તેઓ ધર્મશાસન સ્વીકારી રાજશાસન ચલાવતા હતા. અશોકે બુદ્ધનું શરણ સ્વીકાર્યું હતું. અકબરે ધર્મરત્નોને પોતાના નવરત્ન જેવાં સલાહકારોમાં સ્થાન આપેલું હતું. શિવાજી રામદાસની પાદુકાને પોતાના રાજસિંહાસને સ્થાપી રાજ ચલાવતા હતા, વિક્રમ સ્વયં ભગવદ્ ભક્ત હતા. કુમારપાળ મહારાજાને હેમચંદ્રાચાર્યનું શરણ મળ્યું હતું. ચંદ્રગુપ્તને ચાણક્ય જેવો જ્ઞાની અને નિસ્પૃહી સલાહકાર મળ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org