________________
પંચાચારની વિશિષ્ટતા
૧૦૭
છે. જીવાસ્તિકાય (આત્મા)ની શક્તિને વીર્ય કહેવાય છે કારણ કે તેમાં ચૈતન્ય શક્તિ છે.
આત્માના પાંચે ગુણો વીર્ય વિનાના નથી. જ્ઞાનવીર્ય, દર્શનવીર્ય, ચારિત્રવીર્ય, તપવીર્ય આદિ, વીર્ય એટલે તેજ, જોમ-જોશ-ઉત્સાહ-ઉમંગ-ઉલ્લાસ-બળ, ધગશ, ખંત, ટેક, દૃઢતા, થનગનાટ, તરવરાટ શબ્દો વીર્યને સૂચવનારા છે.
આવું વીર્ય જ્ઞાનમાં ભળે તો જ્ઞાન નિરાવરણ અને તેજસ્વી બને. દર્શનમાં મળે તો દર્શન પણ નિર્મળ અને પૂર્ણ યથાસ્વરૂપ બને. ચારિત્રમાં ભળે તો ચારિત્ર અણીશુદ્ધ બને. જેમ મીઠાઈમાં ગળપણ (મીઠાશ) અને રસવતી (રસોઈ)માં સબરસ (નમક-મીઠું) તેમ સર્વ ચારેય આચારમાં પાંચમો વીર્યાચાર ભણવો જોઈએ. મીઠાશ વિનાની મીઠાઈ નહિ. સબરસ વિનાની રસોઈ નહિ તેમ વીર્યાચાર વિનાનો આચાર નહિ.
જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ એ વીર્યશક્તિ ફોરવવાને માટેનાં ચાર આંતર સાધનો છે. વીર્ય-રસ એ સ્વસંવેદ્ય ચીજ છે. સ્વસંવેદ્ય તત્ત્વથી આત્માને અનામીઅરૂપી કહેલ છે. સ્વસંવેદ્ય તત્ત્વના કોઈ નામનિક્ષેપો કે સ્થાપના નિક્ષેપો નથી. ધ્યાન પણ વીર્યશક્તિ છે.
આત્મા તેજ (અગ્નિ) સ્વરૂપ છે અને વીર્ય સ્વરૂપ છે તેજસ, શરીરથી જઠરમાં પચાવેલ શક્તિથી વીર્ય બને છે અને વીર્યથી જ્ઞાન-દર્શન-ચારિત્રતપ તેજસ્વી બને છે.
સૂર્યના તાપથી અનાજ ઊગે છે અને ચૂલાના અગ્નિથી અનાજ પરિપકવ બને છે, જે ખોરાકરૂપે પરિણમે છે, તેને દાંતથી ચાવીને, તેમાં મુખરસ-અમીરસ ભેળવીને પચાવેલ તે ખોરાક જઠરમાં તેજસ શરીરથી વીર્યરૂપે પરિણમે છે.
પંચાચારમાં જેટલું વીર્ય ભળે તેટલું ઊંચું પુણ્ય બંધાય છે. કર્મનો ક્ષયોપશમ થાય છે-કર્મનો ક્ષય થાય છે અને અંતે આત્મા કર્મમુક્ત બને છે.
આત્મા જેવો કોઈ સૌંદર્યવાન, તેજસ્વી, વીર્યવાન પદાર્થ નથી. સૂર્ય, ચન્દ્ર, આદિ અન્ય તેજસ્વી પુદ્ગલપદાર્થો આત્માના તેજમાં પ્રકાશે છે. વીર્ય જો જીવમાં હોત નહિ તો તે શુષ્ક અને નિસ્તેજ હોત.
કેવલજ્ઞાનીને અંધાંરુ ય દેખાય અને અંધારામાં રહેલ પદાર્થો પણ દેખાય. છદ્મસ્થ જીવોને અંધારામાં રહેલ પદાર્થો નહિ દેખાય. કેવલજ્ઞાન એ પરમાત્માનું તેજ છે, જે સર્વ કાંઈ જોઈ શકે છે અને જીવ પરમાત્મા ન થાય ત્યાં સુધી આત્માના તેજમાં અંધારું કે અજવાળું દેખી શકે છે. અંધારું કે અજવાળું ન દેખાય તે આંધળો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org