Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
22
ગુંથવાની જેમ તેઓએ અન્ય અન્ય શાસ્ત્રોની રહસ્યભૂત સર્વ વાતોને વીણી વીણીને આ ગ્રંથમાં સંકલનાબદ્ધ ગુંથી છે. ઉપરાંત પ્રખર જ્યોતિર્ધર, સર્વવિદ્વમાન્ય ન્યાય વિશારદ, ન્યાયાચાર્ય, પૂ. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી વાચકે એને શોધીને વચ્ચે વચ્ચે વિશિષ્ટ ટીપ્પણોથી અલંકૃત કરીને મ્હોર છાપ આપી છે. એ કારણે આ ગ્રંથની એક એક હકીકત નિર્વિકલ્પ પ્રમાણભૂત મનાયેલી છે. અનેક બાબતોના પ્રશ્નો અને સમાધાનો કરીને તેની સિદ્ધિશુદ્ધિ કરી છે, ભિન્ન ભિન્ન વિચારધારાઓનો પણ સમન્વય કરીને તેનો અંતિમ નિષ્કર્ષ આપ્યો છે. એમાં બહુધા પ્રાચીન ધર્મશાસ્ત્રોના પાઠોનો સંગ્રહ કરેલો હોવાથી એનું ધર્મસંગ્રહ નામ સાત્વર્થ છે. ઉપરાંત સમર્થ છતાં ગ્રન્થકારે પૂર્વપુરુષોના પાઠોનો સંગ્રહ કરવારૂપે આ ગ્રંથની રચના કરી છે, તેથી તેઓશ્રીના ‘પૂર્વર્ષિઓ પ્રત્યે પૂજ્યભાવ, ગુણાનુરાગ, લઘુતા, અને વિનય-બહુમાન' વગેરે ગુણોનું એક જાણે આ ગ્રંથ પ્રતિક હોય તેમ તેનું અધ્યયન કરતાં જ સમજાય છે. પ્રાય: એક એવી હકીકત આ. ગ્રંથમાં શોધી નહિ જડે કે જેને અંગે ગ્રંથકારે પૂર્વાચાર્યોના પાઠોની સાક્ષી-આધાર ન આપ્યો હોય. એ કારણે આ ગ્રંથ પ્રાય: બસો ઉપરાંત ગ્રન્થોના આધારે રચાએલો માની શકાય, તેમાં દોઢ સો જેટલાં નામોની યાદિ તો અમે અહીં આપી છે. એ યાદિને તથા વિષયાનુક્રમને જોવા માત્રથી પણ ગ્રંથની મહત્તા સમજાય તેમ છે.
ધર્મનું સ્વરૂપ-ગ્રંન્થના મહત્ત્વ વિષે આટલું વિચાર્યા પછી જેનો તેમાં સંગ્રહ કરેલો છે, તે ધર્મને પણ સમજવો જોઈએ. કહ્યું છે કે-‘વત્યુસહાવો ધમ્મો ।' અર્થાત્ વસ્તુ માત્રનો મૂળ સ્વભાવ તે તેનો ધર્મ છે. જો સુખ માટે ધર્મ જરૂરી છે અને એ આત્માનું ઇષ્ટ છે, તો આત્મારૂપી વસ્તુના સ્વભાવરૂપ આત્મધર્મ જ અહીં પ્રસ્તુત છે. આત્મા સ્વરૂપે જ્ઞાનદર્શન ચારિત્રમય છે, તેને કેટલાક સત્-ચિદ્-આનંદનોસમૂહ ‘સચ્ચિદાનંદ' પણ કહે છે. અર્થાત્ ‘સત્યનું જ્ઞાન કરવા પૂર્વક રાગ-દ્વેષાદિ આંતર શત્રુઓથી પર રહીને સમભાવનો આનંદ અનુભવવો' તે આત્માનો ધર્મ છે. અનાદિ જડ વાસનાઓને જોરે સંસારી જીવ તેવો ધર્મનો અનુભવ કરી શકતો નથી, કારણ કે જડનું આક્રમણ તેને રાગ-દ્વેષાદિની પરિણતિ કરાવે છે. એ જ એનાં સર્વ દુ:ખોનું, જન્મોજન્મનું અને ભવભ્રમણનું મૂળ છે. જીવ અજ્ઞાન અને મૂઢતાને કારણે તેને સમજી શકતો નથી. અનંત અનંત કાળ તો એનો આ રીતે પસાર થઈ જાય છે, પછી જ્યારે ‘કાળનો પરિપાક' વગેરે નિમિત્તો પ્રાપ્ત થાય છે, ત્યારે અશુભ