________________
મૂળશુદ્ધિ ભાગ-૧ આર્ય મહાગિરી કથા
૨ ૧ આ બાજુ ભુખ્યો થયેલો નટ તલ ફાંકવા લાગ્યો. તેનો અવાજ સાંભળી કોટવાલ સર્પ માનીને ભાગ્યો. તેથી બીજો-સ્ત્રી વેશધારી નટ પણ ભાગ્યો. પતિએ પત્નીને પૂછ્યું આ શું ? હે પ્રિયે ! તું કહે, તે ખેદ સાથે બોલી - હા અનાર્ય ! મેં તમને પહેલાએ વાર્યા, પણ મારી વાત તમે ન માની. અરે આ તો શંકર અને પાર્વતી આપણાં ઘેર રહેલા હતાં, પણ આજે આઠમના દિવસે ધર્મનું ખંડન કર્યું, તેથી નીકળી ગયા. પતિ દુઃખી થઈને પૂછે છે હવે કાંઈ ઉપાય છે ? કે જેથી કરીને આ મારા ઘેર પાછા આવે. તે બોલી તમે ઘણું દ્રવ્ય કમાઈને તેમની મહાપૂજા કરો, તો તમારા ઉપર તુષ્ટ થઈને ફરી આવશે. એમ સાંભળી ખરેખર હું એમની પૂજા કરીશ એમ મનમાં વિચારતો ઘરથી નીકળી દ્રવ્ય કમાવા દૂર દેશમાં ગયો. કામ ધંધો કરી દશ ગદિયાણાં – અર્ધાતોલાનું વજન = પાંચ તોલા સોનું મેળવ્યું. આ થોડું છે એમ માની સંતોષ - ખુશ તો ન થયો, છતાં પણ ઘર ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં એક ઝાડ નીચે બેઠો. તેટલામાં ઘોડાથી અપહરણ કરાયેલો રાજા દશાર્ણભદ્ર ત્યાં આવ્યો. થાકેલો રાજા ઘોડા ઉપરથી ઉતર્યો. તેણે રાજાને પાણી આપ્યું અને પલાણ ઉતાર્યું અને રાજાની સેવા કરવા લાગ્યો. રાજાએ આરામ કરતાં તેને પૂછ્યું ત્યારે પૂર્વ વૃત્તાંત કહ્યો. રાજા વિચારવા લાગ્યો. તેની પત્નીવડે બિચારો ઠગાયો. પણ એનો ઉત્સાહ ઘણો છે. ધન પાસે ન હોવા છતાં “કમાઈને હું પૂજા કરીશ.” આવો આનો ઉત્સાહ છે, તેથી આ કર્મઠ પુરૂષનું અધિક હિત શું કરું? અથવા મારા નગરમાં લઈ જાઉં, કારણકે આ મારો ઉપકારી છે. એમ રાજા વિચારતો હતો તેટલામાં સૈન્ય આવ્યું. તેને લઈ નગરમાં ગયો. અને સભામાં બેઠેલા રાજાએ તેને કહ્યું, “હે ભદ્ર ! તને શું આપું? તે કહે હે દેવ ! પૂજાની સામગ્રી આપો. પછી કુતૂહલથી વિવિધ ગોઠી-વાતચીતો કરતો રાજા પાસે રહેવા લાગ્યો. આ બાજુ દેવપૂજિત રૈલોક્યના સૂર્ય વીર જિનેશ્વર સંધ્યાકાળે તે નગરમાં પધાર્યા. અને દેવોએ સમવસરણ રચ્યું. ll૮૮.
ત્યારે નિયુક્ત પુરુષોએ દશાર્ણભદ્ર રાજાને વધામણી આપી કે હે રાજન્ ! નરેન્દ્ર દેવેન્દ્રના વૃન્દથી પરિવરેલાં, શ્રમણ સમૂહથી સંવૃત્ત, ૩૪ અતિશયથી સંયુક્ત, દિવ્યજ્ઞાનવાળા, આઠ પ્રાતિહાર્યથી શોભિત અહીં દશાર્ણકુટમાં વીરસ્વામી સમોસર્યા છે. તે સાંભળી સહસા રોમાંચિત શરીરવાળા રાજાએ ત્યાં રહ્યા જ ઉભા થઈ વંદના કરી, વધામણી આપનાર પુરુષોને સાડાબાર લાખ ચાંદીના દ્રમ્મો (દ્રમ્ય = નિષ્કનો સોળમો ભાગ; નિષ્ક – પ્રાચીન સિક્કો છે ૧૨૮૦ કોડી = ૧ દ્રમ્મ) અને અંગે લાગેલા આભરણો આપ્યા. પહેલાં કોઈએ જે રીતે ભગવાન વાંધા ન હોય તે રીતે સર્વ નિજઋદ્ધિથી આવતી કાળે ભગવાનને હું વાંદીશ.” એમ વિચારી તીર્થકર, ચક્ર, બળદેવ, વાસુદેવ વિગેરેના ચરિત્રો સાંભળવા અને ચિંતવવા વડે હર્ષથી રાત્રિપૂર્ણ કરી. સવારે મંત્રીવર્ગને આદેશ કર્યો. “સર્વ સામગ્રી તૈયાર કરાવો !” અને “હું તે સામગ્રી સાથે જિનવંદન કરવા જાઉં છું. તેથી નગરજનો પોતાની સર્વસામગ્રી લઈ જિન વંદના કરવા આવે” એમ ઘોષણા કરાવો. - કાળની હાનિ-ટાઈમ બગાડ્યા વિના રાજાના તે વચનને મંત્રીઓએ આજ્ઞા દ્વારા સર્વ રીતે સંપાદિત (પૂર્ણ) કર્યું. રાજાએ ઋદ્ધિ સહિત લોકોને આવતા દેખી.સ્નાન કરી, બલિ કર્મ કરી, અલંકારથી અલકૃત બની, શ્વેત વસ્ત્ર અને શ્વેત છત્ર ધારણ કરતો, શ્વેત ચામરથી વીંઝાતો, સર્વ અંતઃપુરથી યુક્ત લીલાથી-વટથી સમવસરણમાં ગયો. ગજરાજથી ઉતરી ત્રણ પ્રદક્ષિણા આપી જિનેશ્વરને અભિવંદન કરી સ્વસ્થાને બેઠો. (૧૦૨)