________________
૧૯૨
મૂળશુદ્ધિ ભાગ-૧
લાગ્યા. ત્યારે તેઓને પોતે ઉપરની સઘળી વાત કરે છે.
ધર્મકથાથી આકર્ષિત થયેલાં તેમજ શિષ્ય થવા તૈયાર થયેલાઓને સ્વામીને સોંપે છે. ગામ નગરાદિમાં પ્રભુ સાથે જ વિચરે છે. ભગવાન વિચરતાં વિનીતા નગરીમાં સમવસર્યા. ભરતે દેશનાં પછી પૂછ્યું કે હે ભગવન્ ! આ સભામાંથી આ ભરતમાં જ કોઈ ભગવાન થશે ?
પ્રભુએ કહ્યું - મરીચીની સામે ઈશારો કરીને એ સુર અસુરથી વંદિત, સાત હાથના દેહ પ્રમાણવાળા વીરનામે છેલ્લા તીર્થંકર થશે. પહેલા વાસુદેવ અને મૂકાવિદેહમાં ચક્રવર્તી થશે. તે સાંભળી ભરતરાજા મરીચીને વંદે છે, અને ત્રણ પ્રદક્ષિણા આપી રોમાંચિત દેહડીએ સ્તુતિ કરવા લાગ્યા.. તમે પ્રશંસનીય લાભો પ્રાપ્ત કર્યા છે. તમે ધન્ય છો. પુણ્યશાળી છો, કે જેથી ખુદ પિતાશ્રીએ પણ કહ્યું છે. તેમ અહીં છેલ્લા તીર્થંકર તથા પહેલાં વાસુદેવ અને મુકાવિદેહમાં ચક્રી થાશો. એમ સ્તુતિ કરી પિતાશ્રીને પૂછી ઘેર ગયા. તે સાંભળી મરીચી પણ મલ્લની જેમ રંગમંડપ મધ્યે હાથ પછાડે તેમ હાથ પછાડી ત્રણવાર ગર્વથી એમ બોલવા લાગ્યો ‘હું વાસુદેવમાં પહેલો, પિતા ચક્રવર્તીમાં પહેલા, અને દાદા તીર્થંકરમાં પહેલા, અહો ! મારુ કુલ ઉત્તમ છે.’ આ ગર્વથી કોડાકોડિ સાગરોપમ સ્થિતિવાળું ભારેખમ દુઃખ આપનારું નીચગોત્ર બાંધ્યું. આવા પ્રકારની પ્રવૃત્તિ કરતો તે પ્રભુ સાથે વિચરી રહ્યો છે, ત્યારે પ્રભુ અષ્ટાપદે મોક્ષે પધાર્યા.
ત્યાર પછી મરીચિને દારુણ રોગ ઉત્પન્ન થયો. પણ અસંયત હોવાથી સાધુઓ તેની સંભાળ રાખતા નથી. ત્યારે આ વિચારે છે કે મને કોઈ ચેલો પ્રાપ્ત થાય તો સારું. એટલામાં ત્યાં કપિલ નામે રાજપુત્ર આવ્યો. યતિધર્મ ભાખ્યુ છતે તેને કહ્યું શું તમારી ક્રિયાથી કાંઈ પુણ્ય થાય છે ખરું ? રિચીએ ઉત્તર આપ્યો. “અહીં પણ કંઈક છે' તે સાંભળી કપિલ કહેવા લાગ્યો જો એમ છે તો હું તમારી ક્રિયા કોઈ પણ જાતના વિકલ્પ વિના કરીશ. મરીચિએ પણ અમારા સરખો છે એમ જાણી પોતાની પરિવ્રાજક દીક્ષા આપી. “અહીં પણ કંઈક પુણ્ય-ધર્મ છે” આ વચનથી કોડાકોડી સાગરપોમનો સંસાર વધ્યો. આ પછીનું વીર ચરિત્ર પ્રસિદ્ધ હોવાથી અમો લખતા નથી.
નયસાર કથા સમાપ્ત
શ્રી શ્રેયાંસ કથાનક
કુરુદેશમાં અલંકારભૂત ગજપુર નામે નગર છે. ત્યાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ નામે રાજા છે. તેનો પુત્ર શ્રેયાંસકુમાર છે. તેણે રાત્રે છેલ્લા પહોરે મેરુપર્વતને કાળો થયેલો જોયો અને પોતે અમૃત કળશથી સીંચી એકદમ નવો કર્યો. સોમપ્રભે સ્વપ્નમાં જોયું કે સૂર્યના કિરણો છૂટા પડી ગયા. અને શ્રેયાંસે ઉંચા ઉડાડી ફરીથી સૂર્ય સાથે જોડ્યા. તેથી અધિક તેજથી ચમકવા લાગ્યા. નગરશેઠે સ્વપ્નમાં જોયું કે કોઈક મોટા માણસે શત્રુ સૈન્ય સાથે યુદ્ધ કરી પ્રાયઃ નાશ કરી નાંખ્યું શ્રેયાંસે તેની સહાય કરી સર્વ સામગ્રી વગેરે ભાંગી નાખી. સવારે બધા ભેગા મળી એકબીજાને તે સ્વપ્ન કહેવા લાગ્યા. કુમારને કાંઈ પણ શુભ થશે એટલુ ચોક્કસ છે. બધા ઘેર ગયા. શ્રેયાંસ પણ મહેલના ઉપરના માળના ગવાક્ષ (ઝરોખાં) થી નગર શોભા જોવા લાગ્યો.