________________
મૂળશુદ્ધિ ભાગ-૧ દ્રોણક કથા
૨ ૧૭ પ્રતિબિંબના દર્શનના સુખ દ્વારા આશ્વાસન પામે છે. તેને પણ તરંગો હરી નાંખે છે. તું ભાગ્યની હોંશીયારી તો જો...
તે સાંભળી કામપાલે ઘુંઘુટ ખોલ્યો તેને દેખી અરે ! શું તે જ આ છે એમ ભય અને શરમને વશ થઈ કશું બોલી નહિ. તેણે કહ્યું આ શરમનો સમય નથી. શરમ છોડી અહીંથી નીકળવાનો ઉપાય વિચાર. કેશરા પણ તારી જેમ આ જ પ્રયોગથી પોતાના પ્રિયને મળી. જો એમ છે તો દેહ ચિંતાના બહાનાથી અશોકવાટિકાના દ્વારથી આપણે નીકળી જઈએ. તેમ કરી પહેલાજ કેશરાને લઈને ગજપુરમાં પહોંચેલા વસંતદેવને મળ્યા. ચારે જણ સુખેથી ત્યાં રહે છે. આ બાજુ કરૂચંદ્ર રાજાને દરરોજ પાંચ પાંચ શ્રેષ્ઠ ભેટ આવે છે. તેઓને જાતે ભોગવતો નથી. બીજા કોઈને આપતો નથી અને બોલે છે કે ઈષ્ટ વિશિષ્ટને આ આપવાની છે. એટલામાં ઉદ્યાનપાલકે રાજાને વધામણી આપી કે રાજન ! હું તને વધાવુ શ્રેષ્ઠ કેવલજ્ઞાનથી પદાર્થના પરમાર્થને જાણનારા ત્રણ જગત જેમને નમે છે, એવા શાંતિનાથ પ્રભુ પધાર્યા છે. યોજન પ્રમાણ . ભૂમિમાં દેવતાઓએ સમવસરણ રચ્યું છે. અને ઘાસ કાંટા રેતી વિ. દૂર કર્યા છે. સુગંધિ પાણીની વૃષ્ટિ કરી છે. મણિ કંચન ચાંદીના ત્રણ ગઢ બનાવ્યા. તે ઉંચા અને કિલ્લાના ચાર દ્વારથી વહેંચાયેલા છે. ચારે દ્વાર ઉપર રત્નનાં ઉંચી ઉંચી ધ્વજાવાળા અનેક રૂપિયાના છિદ્રથી કોતરાયેલા તોરણો રચ્યા છે. ચક્રધ્વજ. સિંહધ્વજ, ગરુડધ્વજ. મોટા ધ્વજો બનાવ્યા છે. ચાર દિશામાં વાવડી અને વનરાજી રચી છે. તેનાં ઉપર સુંદર શોભાવાળું આસોપાલવનું ઝાડ છે. જાનુ પ્રમાણ ઉપર મુખવાળી પુષ્પવૃષ્ટિ પડી રહી છે. ઉંચા દંડવાળા (મજબૂત) ત્રણ છત્ર કર્યા છે. હાથમાં ચામર દંડ લઈ શક્રેન્દ્ર ઈશાનેન્દ્ર બે બાજુ ઉભા રહ્યા છે. આકાશમાં મેઘ સરખા ગંભીર અવાજવાળી દેવદુંદુભિ વાગે છે. એવા સમવસરણમાં સુવર્ણ કમલ ઉપર ચરણ ધરતા પ્રભુએ પૂર્વ દિશાથી પ્રવેશ કર્યો. ત્રણ પ્રદક્ષિણા દઈ “નમોતિત્યસ' કહી પ્રભુ બિરાજમાન થયા. ત્યારે દેવોએ ચાર દિશામાં પ્રભુના પ્રતિબિમ્બ રચ્યા. સૂર્યનાં કિરણો જેવી પ્રભાવાળું ભામંડલ થયું. તિર્યંચ મનુષ્ય દેવોથી ક્ષણવારમાં સમવસરણ ભરાઈ ગયું.
તે જોઈ હે સ્વામી ! તમને નિવેદન કરવા હું આવ્યો છું. તે સાંભળી રાજા વધારે ખુશ થયો. વિકસિત રોમરાજીવાળા રાજાએ વધામણી આપનારને પુરતુ (તૃપ્તિથી) દાન આપી ભક્તિથી જિનેશ્વરને નમવા ગયો. સર્વ ઋદ્ધિથી વસંતદેવ વિ. પણ નમસ્કાર કરી ધરણીતલે બેઠા. ત્યારે પોતપોતાની ભાષા પરિણામ પામનારી જોજનગામિની વાણીથી પ્રભુ લોકોના હિત માટે ધર્મ કહેવા લાગ્યા. દાનાદિ ચાર પ્રકારે ધર્મ છે. દાનથી સ્વર્ગ વિવિધ પ્રકારનાં ભોગ ઉપભોગની સામગ્રી મળે છે. તેમજ મનુષ્ય અવતારમાં રાજાઓ જેને નમસ્કાર કરે છે એવું શ્રેષ્ઠ રાજય મલે છે. જેની આજ્ઞાનો કોઈ પરાભવ ન કરી શકે અજોડ પરિવારની જેને પ્રાપ્તિ થાય છે. તે સર્વ દાનનું ફળ છે. એ વખતે કથાંતર જાણી રાજાએ પૂછયુ હે પ્રભુ! મારે દરરોજ પાંચ પાંચ ઉપહાર કેમ આવે છે ? તેમજ હું કોઈને કેમ નથી આપતો ? ત્યારે પ્રભુએ પૂર્વજન્મની વાત કહી,