________________
૧૬૩
મૂળશુદ્ધિ ભાગ-૧
મૂળદેવ કથા રાજાએ પૂછયું, ઓ શેઠ ક્યાંથી આવ્યા? તેણે કહ્યું પારસકુલથી યથોચિત (પ્રતિપત્તી) સેવાથી સન્માન કરાયેલ અચલે કહ્યું હે દેવ ! કોઈક ઉપરીને (ઉંચા હોદાવાળા અધિકારીને) મોકલો. જે માલ તપાસી લે ! રાજાએ કહ્યું જહાજનાં કૌતુકથી હું જાતે જ આવીશ. ત્યારે પંચકુલની સાથે રાજા ત્યાં ગયો. શંખ (એક જાતનું સુગંધી દ્રવ્ય),સોપારી,ચંદન, અગરુ, મજીઠ વિ. માલ જોયો. પંચકુલની સમક્ષ રાજાએ પૂછયુ ઓ શેઠ ! આટલોજ માલ છે ? તેણે કહ્યું આટલો જ છે, રાજાએ કહ્યું ઓ શેઠ બરાબર કહી દો, કારણ કે મારા રાજ્યમાં (ટેક્સની) જકાતની ચોરી કરનારને દેહદંડની સજા થાય છે. અચલે કહ્યું શું રાજા આગળ વળી જુઠું બોલાતુ હશે? રાજાએ કહ્યું એમ છે તો કહેલાનું અડધુદાન કરો. પણ ગુણો મારી સમક્ષ તોલો, પંચકુલે તોલ્યા, ત્યારે ભારથી, પાદ પ્રહારથી, જમીનને ખરોસ (ચીરા) પડવાથી મજીઠ વિ.માં રહેલો સારભૂત માલ જણાઈ આવ્યો. તેથી ગુણો ખોલાવીને જોઈ. ત્યારે બરાબર જોયુ તો કોઈકમાં સોનું, કોઈકમાં ચાંદી,કોઈકમાં મણિ-મોતી, પ્રવાલા વિ. મૂલ્યવાન માલ જોયો. તે જોઈ ક્રોધે ભરાયેલા રાજાએ પોતાનાં પુરુષોને આદેશ કર્યો. ' અરે ! આને બાંધો ! આ પ્રત્યક્ષ ચોર છે.રાજાનાં વચનથી તેઓએ થરથરતા હૃદયવાળા એવા અચલને તુરંત બાંધ્યો. આરક્ષકને સોંપી રાજા વાહન વડે પોતાનાં ભવનમાં ગયો. આરક્ષક તેને રાજા પાસે લઈ આવ્યો. મુશ્કેટાટ બંધાયેલો જોઈ રાજાએ કહ્યું “અરે ! આને જલ્દી છોડો.” તરતજ છોડી મૂક્યો. રાજાએ પૂછયુ તે સાર્થવાહ પુત્ર ! મને ઓળખ્યો ? તેણે કહ્યું કે રાજ! સઘળી ધરતી ઉપર પ્રખ્યાત યશવાળા મહારાજા આપને કોણ ન ઓળખે? રાજાએ કહ્યું ઉપચાર વચનો રહેવા દે. જો જાણતો હોય તો સ્પષ્ટ બોલ. સાચું કહું તો હે રાજન્ ! હું આપને નથી
ઓળખતો. ત્યારે રાજાએ દેવદત્તાને બોલાવી, શ્રેષ્ઠ અપ્સરાની જેમ સર્વઅંગે આભરણોથી શોભિત દેવદત્તા આવી. અચલે ઓળખી અને મનમાં ઘણો શરમાયો.
તે બોલી ભો ! આ તેજ મૂળદેવ છે તેને તે સમયે તેં કહ્યું હતુ કે ભાગ્યયોગે હું ક્યારેક આપત્તિમાં પડી જાઉં તો આ પ્રમાણે કરજે. તેથી આ તે અવસર છે. એથી આજે દેહાંત દંડ પામેલ તને નમનાર અને દીન માણસ ઉપર વાત્સલ્ય ઝરાવનાર આર્યપુત્ર છોડી મૂકે છે. આ સાંભળી વિલખો થયેલો “આપનો આભાર” કહી રાજા અને દેવદત્તાને પગે પડ્યો.
સર્વજનોને શાંતિ આપનાર, સઘળી કલાથી શોભતા નિર્મલ સ્વભાવવાળા, પૂર્ણિમાના ચંદ્ર સરખા દેવની (મૂળદેવની) રાહુ જેવા મેં ત્યારે જે (કદર્થના) હેરાનગતિકરી તે બદલ ક્ષમા કરો.
તમારી હેરાનગતિના રોષથી મહારાજા ઉજજૈનીમાં પણ પેસવા નહિ દે, જેના ઉપર દેવદત્તાની કૃપા છે, તેને તો મેં ખમાવી જ દીધા છે. તથા તું તો મારો ઉપકારી છે. કેમકે જીવીત દાનથી બીજું કોઈ ચડિયાતુ દાન નથી.ત્યારે ફરીથી તે (અચલ) બંનેના પગે પડ્યો. દેવદત્તાએ ઘણાં આદરથી સ્નાન કરાવી ભોજન કરાવ્યું. રાજાએ મૂલ્યવાન વસ્ત્ર આભરણો પહેરાવ્યા. ઉજ્જૈની મોકલ્યો અને મૂળદેવરાજાની અરજથી જિતશત્રુ રાજાએ તેનો ગુનો માફ કર્યો.