________________
૧૭૬
મૂળશુદ્ધિ ભાગ-૧ આ બાજુ તે ગામમાં ઘણા ધનથી સમૃદ્ધ જિનાલય હતું. મહા ધનવાન જિનદેવ શ્રાવક તે દ્રવ્યને સંભાળે છે. એકવાર જિનદેવે વચન અનાદરથી તારો પરાભવ કર્યો. તે શાન્તિમતીને વાત કરી તે બોલી હે નાથ ! તે દેવનો નોકર દેવદ્રવ્યથી મોહાંધ બનેલો છે. કશું જોતો નથી, તેથી તે દેવદ્રવ્ય કોઈ પણ રીતે નાશ પામી જાય તો સારું - તે પણ તેની અનુમોદના કરી, તે સંક્લિષ્ટ પરિણામથી દારિદ્ર માટે કર્મ બાંધ્યું, તે પાપની આલોચના કર્યા વગર મરી તમે દેવધર-રાજશ્રી થયા.
તે સાંભળી બંનેને જાતિસ્મરણ થયું અને તેનાથી સર્વ બીના જાણી.
હે ભગવન ! પણ આ રાજય કયા કર્મનું ફળ છે ? ભગવાને કહ્યું આ ભવમાં તમે સાધુ સાધ્વીને ભક્તિથી દાન આપ્યું તેનું જ આ ફળ છે. આગમમાં કહ્યું છે કે ... આલોકમાં કરેલા કર્મો આલોકમાં ઉદય પામે છે. આલોકમાં કરેલા કર્મો પરલોકમાં ઉદય પામે છે. પરલોકમાં કરેલા કર્મો આલોકમાં ઉદય પામે છે. પરલોકમાં કરેલા કર્મો પરલોકમાં ઉદય પામે છે. તેથી હંમેશા શુભ અનુષ્ઠાનમાં પ્રયત્ન કરવો જોઈએ. “ઈચ્છે' કહી ઘેર જઈ પુત્રને રાજ્ય સ્થાપી રાજા રાણીએ ઠાઠ-માઠથી સંયમ સ્વીકાર્યો. જીવન પર્યત નિષ્કલંક નિરતિચાર ચારિત્ર પાળ્યું અને અંતે અનશન કરી બારમાં દેવલોકે ગયા. ત્યાંથી આવી મહાવિદેહમાં મોક્ષે જશે.
દેવધર કથા સમાપ્ત
(દેવદિનની કથા ) આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ત્રણે ભુવનમાં અલંકાર સમાન ત્રિભુવન નામે નગર છે. ત્યાં દુર્વાર શત્રુરૂપી અંધકારના પ્રસારને દુર કરવામાં સૂર્ય સમાન ત્રિભુવન શેખર નામે રાજા છે. તેને ત્રિભુવના નામે પટ્ટરાણી છે. તેમનો પુત્ર ત્રિભુવનદત્ત છે.
એ જ નગરમાં અઢાર શ્રેણી પ્રશ્રેણીનો નાયક જીવાજીવાદિ પદાર્થને જાણનારો રાજાનો માન્ય સુમતિ નામે શેઠ છે. દેવીના રૂપને જીતનારી ચંદ્રપ્રભા નામે શેઠાણી છે. તેને ત્રિભુવના રાણી સાથે જોરદાર પ્રીતિ છે. એક વખત માસી માનીને પોતાના પુરુષો સાથે ત્રિભુવનદત્ત રાજકુમાર ચંદ્રપ્રભાને ઘેર ગયો. ચંદ્રપ્રભાએ તેને સ્નાન, વિલેપન કરી શણગાર્યો – પછી પોતાના ખોળામાં બેસાડ્યો. અને મસ્તકે સુંધ્યો, (ચુંબન કર્યું, ત્યારે વિચારવા લાગી કે મારી સખી ધન્ય છે, પુણ્યશાલી છે, તેણીનું જીવન સફળ છે, તે જ ઉત્તમ લક્ષણવાળી છે કે જેણીને આવો સુંદર પુત્ર છે.
જીવલોકમાં તે નારીઓનો જન્મ પણ સફળ છે. જેમની કુક્ષીથી સુંદર પુત્રનો જન્મ થયો છે.જેઓ વિવિધ મધુરી - ક્રીડા કરનારા - હાસ્યકારી બોલનારા, ખોળામાં બેઠેલા મધુર સ્વરે જવાબ આપે છે. હું તો અધન્ય છું કારણ હજી સુધી એક પણ પુત્ર પ્રાપ્ત થયો નથી. આવી