Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
અધ્યયન-૨૮ : ટિ.પ
એમ માનવામાં આવે છે કે પ્રાચીન યુગમાં ‘દ્રવ્ય’ અને ‘પર્યાય’–આ બે શબ્દો જ પ્રચલિત હતા. તાર્કિક યુગમાં ‘ગુણ’ શબ્દ પર્યાયના ભિન્ન અર્થમાં પ્રયુક્ત થયો એમ જાણી શકાય છે. કેટલાક આગમ ગ્રંથોમાં ગુણ અને પર્યાય શબ્દો પણ મળે છે. પરંતુ ગુણ ‘પર્યાય’નો જ એક ભેદ છે. આથી બંનેનો અભેદ માનવો પણ અયુક્ત નથી. સિદ્ધસેન દિવાકર, આચાર્ય હેમચંદ્ર, ઉપાધ્યાય યશોવિજયજી વગેરે મનીષી વિદ્વાનોએ ગુણ અને પર્યાયના અભેદનું સમર્થન કર્યું છે. તેમનો તર્ક એવો છે કે આગમોમાં ગુણ-પદનો જો પર્યાય-પદથી જુદો અર્થ અભિપ્રેત હોત તો જેવી રીતે ભગવાને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે પ્રકારે દેશના કરી છે તેવી જ રીતે ત્રીજી ગુણાર્થિક દેશના પણ કરત. પરંતુ એવું કરવામાં આવ્યું નથી, એટલા માટે પ્રાચીનતમ પરંપરામાં ‘ગુણ’ પર્યાયનો અર્થવાચી રહ્યો છે. ઉત્તરાધ્યયનમાં પર્યાયનું લક્ષણ ગુણથી જુદું કરવામાં આવ્યું છે. આને ઉત્તરકાલીન વિકાસ માની શકાય. દ્રવ્યના બે પ્રકારના ધર્મ હોય છે—(૧) સહભાવી અને (૨) ક્રમભાવી.
સહભાવી ધર્મ ‘ગુણ’ કહેવાય છે અને ક્રમભાવી ધર્મ ‘પર્યાય’. ‘ગુણ’ દ્રવ્યનો વ્યવચ્છેદક ધર્મ હોય છે, અન્ય દ્રવ્યોથી પૃથક્ સત્તા સ્થાપિત કરે છે. તે બે પ્રકારનો હોય છે—(૧) સામાન્ય અને (૨) વિશેષ.
૬૭૪
સામાન્ય ગુણો છ છે—(૧) અસ્તિત્વ, (૨) વસ્તુત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) પ્રદેશત્વ અને (૬) અગુરુલઘુત્વ.
વિશેષ ગુણો સોળ છે—(૧) ગતિ-હેતુત્વ, (૨) સ્થિતિ-હેતુત્વ, (૩) અવગાહ-હેતુત્વ, (૪) વર્તના-હેતુત્વ, (૫) સ્પર્શ, (૬) રસ, (૭) ગંધ, (૮) વર્ણ, (૯) જ્ઞાન, (૧૦) દર્શન, (૧૧) સુખ, (૧૨) વીર્ય, (૧૩) ચેતનત્વ, (૧૪) અચેતનત્વ, (૧૫) મૂર્તત્વ અને (૧૬) અમૂર્તત્વ.
દ્રવ્યો છ છે—(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) કાળ, (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) જીવાસ્તિકાય. આ છમાં દ્રવ્યત્વ, પ્રમેયત્વ, નિત્યત્વ વગેરે સામાન્ય ધર્મો મળે છે. આ તેમના સામાન્ય ગુણો છે. તે દ્રવ્યના લક્ષણ નથી બનતા. છએ દ્રવ્યોમાં એક-એક વ્યવચ્છેદક ધર્મ-વિશેષ ધર્મ પણ છે. જેમ કે—ધર્માસ્તિકાયનો—ગતિ-હેતુત્વ ગુણ, અધર્માસ્તિકાયનો—સ્થિતિ-હેતુત્વ ગુણ, આકાશાસ્તિકાયનો—અવગાહના-હેતુત્વ ગુણ વગેરે વગેરે.
વૈશેષિક મતમાં જગતની બધી વસ્તુઓ સાત વિભાગોમાં વહેંચવામાં આવી છે. તેમાં ‘ગુણ’નો એક વિભાગ છે. તેનો મત છે કે કાર્યનું અસમવાયિ કારણ ‘ગુણ’ છે. અર્થાત્ અનપેક્ષ હોવા છતાં પણ જે કારણ નથી બનતો, તે ‘ગુણ’ છે. આ ગુણો ચોવીસ છે—(૧) રૂપ, (૨) રસ, (૩) ગંધ, (૪) સ્પર્શ, (૫) સંખ્યા, (૬) પરિણામ, (૭) પૃથક્વ, (૮) સંયોગ, (૯) વિભાગ, (૧૦) પરત્વ, (૧૧) અપરત્વ, (૧૨) ગુરુત્વ, (૧૩) દ્રવ્યત્વ, (૧૪) સ્નેહ, (૧૫) શબ્દ, (૧૬) જ્ઞાન, (૧૭) સુખ, (૧૮) દુઃખ, (૧૯) ઈચ્છા, (૨૦) દ્વેષ, (૨૧) પ્રયત્ન, (૨૨) ધર્મ, (૨૩) અધર્મ અને (૨૪) સંસ્કાર.
ગુણ દ્રવ્યમાં જ રહે છે. તે બે પ્રકારના છે—(૧) વિશેષ અને (૨) સાધારણ. રૂપ, રસ, ગંધ, શબ્દ, જ્ઞાન, સુખ વગેરે વિશેષ ગુણો છે.
પ્રભાકર ૨૧ ગુણો માને છે. વૈશેષિક મતના ૨૪ ગુણોમાંથી સંખ્યા, વિભાગ, પૃથક્ક્સ તથા દ્વેષના સ્થાને ‘વેગ’નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભટ્ટ મતમાં ૧૩ ગુણો માનવામાં આવ્યા છે—(૧) રૂપ, (૨) રસ, (૩) ગંધ, (૪) સ્પર્શ, (૫) પરિણામ, (૬) પૃથક્ક્સ, (૭) સંયોગ, (૮) વિભાગ, (૯) પરત્વ, (૧૦) ગુરુત્વ, (૧૧) અપરત્વ, (૧૨) દ્રવત્વ અને (૧૩) સ્નેહ.
સાંખ્ય મતમાં સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણો માનવામાં આવ્યા છે. તેમનો મત છે કે આ જ ત્રણ ગુણોના સંસ્થાન-ભેદથી વસ્તુઓમાં ભેદ થાય છે. સત્ત્વનું સ્વરૂપ છે—પ્રકાશ તથા હળવાપણું. તમન્નો ધર્મ છે—અવરોધ, ગૌરવ, આવરણ વગેરે અને રજસ્નો ધર્મ છે—સતત ક્રિયાશીલ રહેવું.
ગંગાનાથ ા, પૂર્વ મીમાંસા, પૃ. ૬૯ ।
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org