________________
શ્રી ગોડીજી પાર્શ્વનાથ મુંબઈના પાયધુની વિસ્તારમાં દર્શનીય શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે. “ગોડી” નામને ધારણ કરનારી પાર્શ્વનાથની અનેક પ્રતિમાજીઓ ઠેરઠેર આવેલ છે. શ્રી ગોડી પાર્શ્વનાથના મૂળ તીર્થ વિષેની જાણકારી આજે ઉપલબ્ધ નથી, પરંતુ આ તીર્થના ઉદ્ભવની કથા અતિ રોચક અને શ્રધ્ધાનું પાન કરાવે તેવી છે.
સિધ્ધપુર પાટણમાં એક પરમ શ્રાવકે શ્રી પાર્શ્વ પ્રભુના ત્રણ બિંબોને પોતાના ભોંયરામાં ગુપ્ત રીતે સંતાડેલા. એના પડોશમાં રહેતા એક મુસલમાનને આ વાતની ખબર હતી. આથી તેણે ભૂમિ ખોદીને ત્રણમાંનું એક બિંબ હસ્તગત કરીને પોતાના ઘરમાં એક ખાડો ખોદીને તેમાં ગુપ્ત રાખ્યું. | મુસલમાન રોજ રાત્રે આ જગ્યા પર સૂઈ જતો. એક દિવસ રાત્રિકાળે મુસલમાને અધિષ્ઠાયક દેવને જોયા. અધિષ્ઠાયક દેવે મુસલમાનને આદેશ આપ્યો કે તે ગુપ્ત રાખેલી પ્રતિમાજી સિંધના પારકરમાં રહેતા મેઘાશા નામના શ્રેષ્ઠીને પાંચસો ટકાનું મુલ્ય લઈને આપી દેવી. આ સ્વપ્નથી મુસલમાન ભયભીત બન્યો. અને તેણે તરતજ ખાડામાંથી પ્રતિમાજી બહાર કાઢી. પોતે મેઘાશાના આવવાની પ્રતિક્ષા કરવા લાગ્યો.
- આ તરફ પારકર દેશના ભૂદેશર નગરમાં નિવાસ કરતો મેઘાશા પોતાના સાળા કાજળશા સાથે ભાગીદારીમાં બહોળો વેપાર કરતો હતો. એકવાર વ્યાપાર અર્થે મેઘાશા પાટણ આવ્યો, ત્યારે પાટણમાં મેઘાશાને રાત્રિ સમયે અધિષ્ઠાયક દેવે દર્શન આપ્યા અને મુસલમાન પાસેથી મૂલ્ય ચૂકવીને પ્રતિમા લઈ લેવાનો સંત કર્યો.
બીજે દિવસે મેઘાશા અને મુસલમાન મળ્યા. મેઘાશાએ સ્વપ્નના સંકેત મુજબ મુસલમાનને પાંચસો ટકાનું મૂલ્ય ચૂકવીને જિનબિંબ પ્રાપ્ત કર્યું. મેઘાશા દિવ્ય પ્રતિમાજી જોઈને આનંદ વિભોર બની ગયો. દરરોજ પ્રતિમાજીની સેવાપૂજા શ્રધ્ધાથી કરવા લાગ્યો. મેઘાશાએ વેપારમાં અઢળક સંપત્તિ એકઠી કરી અને પોતાના વતન તરફ પાછો ફર્યો.
શ્રી ગોડીજી પાર્શ્વનાથ