________________
શ્રી ચક્રેશ્વરી દેવી શ્રી ગૌમુખ યક્ષ અને શ્રી ચક્રેશ્વરી દેવી માતા વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ અને દેવી છે. શ્રી આદિનાથ પ્રભુનું ચરિત્ર સંક્ષિપ્તમાં પ્રસ્તુત છે.
ચૈત્રી વદી આઠમના દિવસે જ્યારે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં દિવસના પાછલા ભાગમાં આવ્યો ત્યારે ઋષભદેવ સર્વસ્વનો ત્યાગ કરીને મહાપ્રયાણના પંથે પગલા માંડવા અગ્રેસર થયા. ઋષભદેવે પોતાની સુદીર્ઘ કેશવાળી પીઠ પર છૂટી મૂકી દીધી હતી, પગમાંથી ઉપાનહ અને મસ્તક પરથી મુગટ ઉતારીને એક તરફ મૂક્યો. ઋષભદેવ મહાપ્રયાણની દિશામાં પગલાં માંડી રહ્યાં છે તે વાત વાયુવેગે સર્વત્ર પ્રસરી ગઈ. લોકોના ટોળે ટોળાં આ પ્રવનમાં ઉમટી પડ્યા.
સહુના અંતરમાં એક જ પ્રશ્ન ઘોળાતો હતો : અરે જે સુખ, સંપત્તિ અને સાહ્યબીને પામવા સંસાર મરી પડે છે, એનો ત્યાગ કરીને ઋષભદેવ એવું તે શું નવું પ્રાપ્ત કરવા ઈચ્છે છે...!
હવે મહાપ્રયાણના પંથે જવાનો સમય થઈ ચૂક્યો હતો. પોતાનું આસન ચલિત થવાથી ઈન્દ્ર ભક્તિપૂર્વક ઋષભદેવ પાસે આવ્યા. જળના કુંભ હસ્તમાં રાખનારા બીજા ઈન્દ્રોની સાથે રાજ્યાભિષેકની જેમ એણે ઋષભદેવનો દીક્ષા ઉત્સવ સંબંધી ઉત્સવ કર્યો. ઈન્દ્ર ઋષભદેવ માટે સુદર્શન નામની એક શિબિકા તૈયાર કરી. ઋષભદેવ શિબિકા પર આરૂઢ થયા.
શિબિકામાં આરૂઢ ઈને માર્ગમાં ચાલતા ઋષભદેવ ઉત્તમ દેવોના વિમાનમાં રહેલી શાશ્વત પ્રતિમા જેવા શોભતા હતા.
માનવો, દેવતાઓ ઋષભદેવને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. ઋષભદેવની બન્ને બાજુ ભરત અને બાહુબલી સેવા કરતાં હતા. અને અઠ્ઠાણું વિનીત પુત્રો પ્રભુની પાછળ ચાલતા હતા. માતા મરુદેવા, પત્ની સુમંગલા, પુત્રી બ્રાહ્મી અને સુંદરી સહીત અન્ય સ્ત્રીઓ પ્રભુની પછવાડે ચાલતી હતી. ને એ રીતે પૂર્વ જન્મવાળું સર્વાર્થસિધ્ધ વિમાન હોય તેવા સિધ્ધાર્થ નામના ઉદ્યાનમાં ઋષભદેવ સ્વામી પધાર્યા ત્યાં મમતા રહિત ધનુષ્યની જેમ સંસારથી ઉતરે તેમ નાભિકુમાર શિબિકારત્નમાંથી અશોકવૃક્ષ નીચે ઊતર્યા.
શ્રી ચક્રેશ્વરી દેવી
, ૨૭૯