________________
લોકપ્રિયતાને વરેલી છે. અને આ શાસન રક્ષિકા દેવીઓમાં પણ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવની શાસન રક્ષિકા દેવી શ્રી ચક્રેશ્વરી દેવી, આઠમાં તીર્થકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની શાસન રક્ષિકા શ્રી જ્વાલા માલિની, બાવીશમાં તીર્થંકર શ્રી અરિષ્ટ નેમિનાથ પ્રભુની શાસન રક્ષિકા શ્રી અંબિકા દેવી અને ત્રેવીસમાં તીર્થંકર શ્રી પ્રાર્થનાથ પ્રભુની શાસન રક્ષિકા શ્રી પદ્માવતી દેવી વિશેષ લોકપ્રિય છે. સ્તંભતીર્થ (ખંભાત) પ્રાચીન પવિત્ર જૈન તીર્થધામ ગણાય છે. ખંભાત અને તેના પરિસરમાં હાલ ૭૧ જિનાલયો વિદ્યમાન છે. ખંભાતમાં જિરાળા પાડામાં આવેલું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ઘણું ભવ્ય અને વિશાળ છે. એમાં કુલ ૧૩૨ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. જેમાંની દેવી પ્રતિમાઓમાં સોલંકીકાળની અંબિકા દેવી અને શ્રુતદેવી(સરસ્વતી)ની પ્રતિમાઓ ખાસ ઉલ્લેખનીય છે.
શ્રી અંબિકાદેવીની પ્રતિમા અનુપમ, નયનરમ્ય અને દર્શનાર્થીને આનંદવિભોર કરે તેવી ભાવવાહી છે. દેવીના મસ્તકે મુકુટ છે. કાનમાં રત્નકુંડળ છે અને ગળામાં ત્રિસેરી તથા પ્રલંબ હાર છે. બાજુબંધ વલયો તથા કટિમેખલા, નૂપુર અને પાદજાલક પહેરેલા છે. દેવીને ચાર હાથ છે, તે પૈકી ઉપલાં બેમાં આમ્રકુંબીઓ ધારણ કરેલ છે. અને નીચલો જમણો હાથ વરદાક્ષમાં તથાડાબા નીચલા હાથથી બાળકને ધારણ કરેલ છે. દેવીના ડાબા ઉલ્લંગ પર બાળક બેઠેલ છે. તેના બંને હાથમાં લાડુ (આમ્રફળ) છે. દેવીનું વાહન સિંહ છે. દેવીના મસ્તક પર આશ્રમંજરી તથા લુંબી અને હંસપંક્તિનું છત્ર છે. દેવીના મસ્તકની ઉપરના ભાગમાં તીર્થકરની પદ્માસનમાં બેઠેલી નાની પ્રતિમા આવેલી છે. પરિકરમાં બંને બાજુએ થઈ કુલ આઠ દેવી પ્રતિમાઓ કોતરેલી છે. દેવીના પગ પાસે બંને બાજુ બે-બે ભક્તજનોની આકૃતિઓ નમસ્કાર મુદ્રામાં બેઠેલ છે. (સંકલિત)
શ્રી અંબિકાદેવી
૨૮૮.