________________
સુકાળ થતાં શ્રી સંઘે નગરશેઠ પાસે પ્રતિમાજીની માંગણી કરી પણ નગરશેઠે સંઘને જાકારો આપ્યો. પ્રતિમાજી ન આપ્યા.
નગરશેઠના વલણની ચર્ચા ચાણસ્મામાં થવા લાગી ત્યારે ગામના પટેલ કમળદાસ અને માળી કોમના પુજારી રામા નાથા ચતુરે પાટણથી અત્રે પ્રતિમાજી લાવી દેવાનો સંકલ્પ કર્યો. બન્ને કેટલાક માણસોને સાથે રાખીને પાટણ રતનશાહને ત્યાં આવ્યા. અને તેમને ખૂબ સમજાવ્યા. પરંતુ નગરશેઠ એકના બે ન થયા. ત્યારે દંડનીતિનો આશરો લીધો. હુલ્લડ મચાવીને શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને અધિષ્ઠાયક દેવની સહાયથી ચાણસ્મા લઈ આવ્યા. પ્રતિમાજીને પુજારીના ઘરમાં પરોણા તરીકે પધરાવી. કસળદાસ પટેલે પુજારીની હિંમત અને વીરતાની પ્રશંસા કરી અને ખુશ થઈને આઠ વીઘા જમીન ઈનામમાં આપી.
સં. ૧૮૫૪ની સાલમાં નૂતન જિનાલયનું નિર્માણકાર્ય આરંભાયું. પાંચ શિખરયુક્ત જિનાલય બંધાઈ જતાં શ્રી કિરણંદસૂરિની નિશ્રામાં સંવત ૧૮૭૨ના ફાગણ સુદ ત્રીજના આ જિનાલયની પ્રતિષ્ઠા વિધિ થઈ. આ ઉત્તરામુિખ જિનાલયની ભમતીમાં ચોવીશ દેવકુલિકાઓ નયનરમ્ય જિનબિંબોથી અલંકૃત છે. વિ.સં. ૨૦૧૩માં શિખર પર નૂતન ધ્વજ દંડ આરોપવામાં આવ્યો. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મ. ના વરદ હસ્તે સંવત ૨૦૧૫માં ચોવીશ દેરીઓની પ્રતિષ્ઠા સંપન્ન થઈ..
શ્રી ભટેવા પાર્શ્વનાથ જિનાલયનો પ્રતિષ્ઠાદિન સંઘ દર વર્ષે ફાગણ સુદ૩ ના ઉજવે છે. સં. ૨૦૨૨માં શ્રી સંઘે ઉપા. શ્રી ધર્મસાગરજી મ. ની નિશ્રામાં જિનાલયનો અર્ધશતાબ્દી મહોત્સવ ઉજવ્યો હતો. અનેક જૈનાચાર્યોએ પોતાના સાહિત્ય સર્જનમાં શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ ગાઈ છે.
શ્રી ભટેવા પાર્શ્વનાથ