________________
શ્રી વરકાણા પાર્શ્વનાથ
રાજસ્થાનમાં રાની રેલ્વે સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર શ્રી વરકાણા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આ તીર્થ રાણકપુરની પંચતીર્થીમાં ગણાય છે. આ તીર્થથી ફાલના સ્ટેશન ૨૦ કિલોમીટર દૂર છે. આ તીર્થસ્થાનમાં ધર્મશાળાભોજનશાળાની ઉત્તમ સગવડ છે. અહીં એક જૈન છાત્રાલય આવેલ છે. બીજોવા, મૂછાળા મહાવીર, રાતા મહાવીર, સેવાડી, બાલી, સાદડી, મુંડારા, નાડોલ, નાડલાઈ વગેરે તીર્થધામો આ તીર્થસ્થાનથી નજીક આવેલા છે.
રાણકપુરની પંચતીર્થીમાં વરકાણા ગામનો પ્રાચીન ગ્રંથોમાં વરકનપુર, વરકનગઢ કે વરકનનગર તરીકેનો ઉલ્લેખ થયો છે. પ્રાચીનકાળમાં આ ગામ અતિ સમૃધ્ધ અને દૈદિપ્યમાન હતું. બીજોવા અને દાદાઈ ગામો આ નગરના ભાગરૂપે પૂર્વે શોભતા હતા.
આ સ્થાનમાં અનેક જિનાલયો હતા, પરંતુ કાળક્રમે આ નગર પડી ભાંગ્યું. ભવ્યતાથી ઓપતા જિનાલયો ધ્વંશ થયા, શ્રી વરકાણા પાર્શ્વનાથજીની પ્રતિમાજી અતિ પ્રાચીન છે. એક ભરવાડને જમીનમાંથી આ પ્રતિમાજી પ્રાપ્ત યા હતા. સ્થાનિક સંઘે એક જિનાલય બંધાવીને તેમાં આ પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરી.
વિક્રમ સંવત ૧૨૧૧ના એક શિલાલેખમાં તીર્થની પ્રાચીનતા વિષે જાણી શકાય છે. આ જિનાલયને મેવાડના રાણાઓએ ભેટસોગાદો આપી હોવાના કેટલાંક પ્રામાણો તામ્રપત્રોમાં જોવા મળે છે.
અહીં સોળમાં સૈકામાં થયેલા મહારાણા કુંભાના સમયમાં માલપુરના એક ધનિક શ્રેષ્ઠીએ બાવન દેવકુલિકાઓથી યુક્ત એક ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો હતો. વિક્રમ સંવત ૧૬૨૮માં આચાર્ય ભગવંત શ્રી વિજય દાનસૂરિજી મહારાજે શ્રી વરકાણા પાર્શ્વનાથ જિનાલયમાં પં. રાજવિમલ, પં. ધર્મસાગર તથા પં. હીરહર્ષજીને ઉપાધ્યાયપદ અર્પણ કર્યું હતું. શ્રી હેમવિમલસૂરિજી મહારાજે ભક્તામર અને કલ્યાણ મંદિર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે શ્રી વરકાણા તીર્થના મુખ્ય દ્વારમાં પ્રવેશતાં ડાબી તરફ હાથી પાસે દોઢ ગજ લાંબો શિલાલેખ જોવા મળે છે. આ શિલાલેખ પરથી મેવાડના રાણાઓ પર જૈનાચાર્યોનો પ્રભાવ કેવો હતો તે જાણી શકાય છે.
શ્રી વરાણા પાર્શ્વનાથ
૧૧૧