________________
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ ગુજરાતના બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ગામમાં શ્રી ભીલડિયા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય તીર્થ આવેલું છે. આ તીર્થ નવા ડીસાથી ૨૪ કિ.મી. દૂર આવેલું છે તેમજ ભીલડીયા રેલ્વે સ્ટેશનથી નજીક પડે છે. અહીં ધર્મશાળા-ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. તેરમા-ચૌદમા સૈકાનાં કેટલાક શિલાલેખો પરથી આ તીર્થની પ્રાચીનતાનો સહેજે ખ્યાલ આવે છે. આ તીર્થનો મહિમા વર્તમાન સમયમાં વધ્યો છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા છે.
અત્યંત કલાત્મક પરિકરમાં શ્રી ભિલડિયાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્રી ભીલડિયા તીર્થમાં મૂળનાયકરૂપે બિરાજમાન છે. પદ્માસનસ્થ, સપ્રફણાથી વિભૂષિત, શ્યામવર્ણી આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૧ ઈંચ, ફણા સહિત ૧૩ ઈંચ અને પહોળાઈ નવ ઇંચ છે. પ્રતિમાજી નાના છે, પરંતુ દર્શનીય અને પ્રભાવશાળી છે.
આજે શ્રી ભીલડિયા તીર્થ દિન-પ્રતિદિન શ્રધ્ધાનું મહાકેન્દ્ર બન્યું છે. આ નગરની પ્રાચીનતા અંગે અનેક લોકવાયકાઓ છે છતાંય તેરમા અને ચૌદમા સૈકાના શિલાલેખો આ તીર્થ, હોવાની માહિતી પૂરી પાડે છે. અને એ સમયમાં આ નગર અપૂર્વ સમૃધ્ધ હોવું જોઈએ એવું માનવામાં આવે છે.
એક લોકવાયકા અનુસાર અહીં ત્રંબાવતી નામની બાર કોસના ઘેરાવાળી સમૃધ્ધ નગરી હતી. આ નગરીમાં સવાસો શિખરબંધી જિનાલયો, કૂવાઓ અને વાવો પણ પાર વગરનાં હતાં. આ અંગેના અવશેષો પણ જોવા મળે છે. તેમજ આજે પણ અતીતનું સ્મરણ કરાવતાં બે કૂવાઓ છે. - આ જિનાલયની પાછળ રાજગઢી હતી. આ જગ્યાએ ખોદકામ કરતાં પુષ્કળ પથ્થરો અને ઈંટો નીકળે છે. આજે આ સ્થાન ‘ગઢડું' તરીકે જાણીતું છે. જિનાલયની આસપાસ ખોદકામ કરતાં ઈંટો-પથ્થરો નીકળતાં રહે છે. વિક્રમના તેરમા સૈકામાં ભીલડિયા લવણપ્રસાદ વાઘેલાના તાબા હેઠળ હતું.
શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ
૩૮