________________
૧૪
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧
સંક્ષેપથી યોગને કઈ રીતે કહીશ ? તેથી કહે છે
યોગદૃષ્ટિના ભેદથી કહીશ. તે કારણથી=‘હું મિત્રાદિલક્ષણ યોગને કહીશ.' તે પ્રકારની પ્રતિજ્ઞા કરી તે કારણથી, અહીં=ગ્રંથમાં, સંક્ષેપથી યોગનું કથન કરવું, એ કર્તાનું અનંતર પ્રયોજન છે. વળી પરંપર પ્રયોજન નિર્વાણ જ છે; કેમ કે શુદ્ધ આશયપૂર્વક તેવા પ્રકારના જીવોની હિતની પ્રવૃત્તિ છે= પ્રસ્તુત ગ્રંથરચતા યોગ્ય જીવોના હિતની પ્રવૃત્તિરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે શુદ્ધ આશયપૂર્વક તેવા પ્રકારના જીવોના હિતની પ્રવૃત્તિ હોય તેટલા માત્રથી કર્તાનું પરંપર પ્રયોજન નિર્વાણ કઈ રીતે સિદ્ધ થાય ? તેથી બીજો હેતુ કહે છે
અને આવું=શુદ્ધ આશયપૂર્વક તેવા પ્રકારના યોગ્ય જીવોના હિતની પ્રવૃત્તિનું, અવંધ્ય એવું નિર્વાણનું બીજપણું છે.
‘કૃતિ’ શબ્દ કર્તાના પ્રયોજનની સમાપ્તિ અર્થે છે.
અભિધેય યોગ જ છે. આના દ્વારા ગ્રંથનો વિષય બતાવાયો.
સાધ્ય-સાધનલક્ષણ સંબંધ છે અર્થાત્ આ ગ્રંથ યોગના બોધનું સાધન છે અને યોગનો બોધ આ ગ્રંથથી સાધ્ય છે તે રૂપ સંબંધ છે, અને આ પ્રકારના સંબંધને કહેનારો માર્ગ ક્ષુણ્ણ છે=ઘણા ગ્રંથોમાં વર્ણન કરાયેલો છે. તેથી ગ્રંથકાર તેને સ્પષ્ટ કરવા માટે યત્ન કરતા નથી.
વળી શ્રોતાનું અનંતર પ્રયોજન પ્રકરણાર્થનું પરિજ્ઞાન છે=યોગદૃષ્ટિ નામના પ્રકરણના અર્થનું પરિજ્ઞાન છે. વળી આમનું પણ=શ્રોતાઓનું પણ પરંપર પ્રયોજન નિર્વાણ જ છે; કેમ કે યોગદૃષ્ટિરૂપ પ્રકરણના અર્થના પરિજ્ઞાનથી ઔચિત્યપૂર્વક અહીં જ=યોગમાર્ગમાં જ, પ્રવૃત્તિ થાય છે, અને આવું= યોગમાર્ગની પ્રવૃત્તિનું, અવંધ્ય એવું નિર્વાણનું બીજપણું છે.
‘રૂતિ’ શબ્દ પ્રયોજનાદિ ત્રણના કથનની સમાપ્તિ માટે છે.
ભાવાર્થ
:
ગ્રંથકારે પ્રતિજ્ઞા કરી કે સંક્ષેપથી મિત્રાદિલક્ષણ યોગને હું કહીશ. સંક્ષેપથી કહેવાનું પ્રયોજન એ છે કે વિસ્તારથી તો પૂર્વાચાર્યોએ ઉત્તરાધ્યયન, યોગનિર્ણય આદિ ગ્રંથોમાં યોગમાર્ગ બતાવેલ છે, પરંતુ એ વિસ્તારથી કરાયેલા વર્ણનમાંથી મંદબુદ્ધિ જીવોને બોધ ક૨વો દુષ્કર પડે. તેથી તેવા યોગ્ય જીવોને સંક્ષેપથી બોધ કરાવવા માટે ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે.
અહીં કેટલાકને પ્રશ્ન થાય કે ઉત્તરાધ્યયનમાં મિત્રાદિ દૃષ્ટિનું વર્ણન નથી, તો વિસ્તારથી ત્યાં વર્ણન છે, એમ ગ્રંથકારે કેમ કહ્યું ? તેનું સમાધાન એ છે કે ઉત્તરાધ્યયન આદિ ગ્રંથોમાં વિસ્તારથી યોગમાર્ગ વર્ણન કરાયેલો છે, અને તે યોગમાર્ગ સંક્ષેપથી પ્રસ્તુત ગ્રંથમાં મિત્રાદિ દૃષ્ટિરૂપે વિભાજન કરીને ગ્રંથકારે બતાવેલ છે. તેથી ઉત્તરાધ્યયનમાં મિત્રાદિ દૃષ્ટિનાં નામો ન હોય તોપણ ત્યાં વિસ્તારથી બતાવેલા યોગમાર્ગ અહીં અપેક્ષાએ મિત્રાદિ આઠ દૃષ્ટિઓમાં વિભક્ત થાય છે. માટે ગ્રંથકારના કથનમાં દોષ નથી.