________________
૧૩૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૨-૩૩ હોય તે જીવ પ્રકૃતિથી ભદ્રક છે તેવું જણાય છે. આના ઉપરથી નક્કી થાય કે આવી પ્રકૃતિવાળો જીવ ચરમાવર્તમાં આવેલો છે આવા લક્ષણથી આ જીવ ચરમાવર્તવર્તી છે તેમ જણાય છે. તેથી નક્કી થાય છે કે ચરમાવર્તમાં ઘણો ભાવમલ ક્ષીણ થયો છે, એ પ્રકારે શ્લોક-૩૧માં ગ્રંથકારે બતાવેલ છે; કેમ કે ઘણા ભાવમલના ક્ષય વગર જીવ આવી ભદ્રક પ્રકૃતિવાળો બની શકે નહિ; અને જ્યારે ઘણો ભાવમલ ક્ષીણ થાય છે, ત્યારે શ્લોક-૩૨માં બતાવ્યું તેવા ગુણોવાળો જીવ પ્રાપ્ત થાય છે, અને તેવો જીવ યોગબીજનું ગ્રહણ કરે છે અન્ય નહિ, એમ શ્લોક-૩૦ સાથે શ્લોક-૩૧-૩રનો સંબંધ છે; કેમ કે જે જીવમાં શ્લોક-૩૨માં બતાવ્યા તેવા ગુણો આવ્યા નથી, તેવા જીવનું ચૈતન્ય અવ્યક્ત છે, માટે યોગબીજને ગ્રહણ કરવા જેવું મોટું કાર્ય કરી શકે નહિ.
લક્ષણ બે પ્રકારનાં છે – (૧) સર્વ લક્ષ્યમાં રહે, અન્ય ક્યાંય ન રહે, તે લક્ષણ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષરહિત કહેવાય. (૨) સર્વ લક્ષ્યમાં ન હોય, પણ લક્ષ્યને છોડીને અન્યત્ર પણ ન હોય. આ બીજા પ્રકારના લક્ષણથી પણ લક્ષ્યનું અનુમાન થઈ શકે છે, છતાં આ લક્ષણ અવ્યાપ્તિવાળું હોય છે, પરંતુ અતિવ્યાપ્તિ અને અસંભવ દોષવાળું નથી. આ ચરમાવર્તનું લક્ષણ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ કે અસંભવદોષ વગરનું સર્વ લક્ષ્યમાં રહે તેવું પ્રથમ પ્રકારનું નથી, પરંતુ જે લક્ષણથી લક્ષ્યનો બોધ થાય તે લક્ષણ કહેવાય, તે નિયમથી બીજા પ્રકારનું લક્ષણ છે. જેમ, તપ એ જીવનું લક્ષણ છે. તે તપ લક્ષણ સર્વ જીવોમાં હોતુ નથી, પરંતુ જ્યાં તપ છે તે જીવ છે તેવો નિર્ણય થાય છે. તે રીતે ચરમાવર્તમાં આવેલા બધા જીવોમાં ‘વિતેપુ યાત્યન્તમ્' ઇત્યાદિ લક્ષણ નિયામાં હોય તેવી વ્યાપ્તિ નથી, પરંતુ જે જીવમાં દુઃખિત પ્રત્યે અત્યંત દયા છે તે નિયમા ચરમાવર્તવર્તી છે તેવું અનુમાન થાય છે; અને આવા લક્ષણથી લક્ષિત ચરમાવર્તવાળા જીવો જિનકુશલચિત્તાદિરૂપ યોગબીજો ગ્રહણ કરે છે.
જેમ સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ યોગબીજ છે, તેમ દુઃખિતોમાં અત્યંત દયા આદિરૂપ જે ચરમાવર્તવર્તી જીવનું લક્ષણ છે તે પણ યોગબીજ છે, એ પ્રમાણે ઉપદેશરહસ્ય શ્લોક-૨૮માં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કહેલ છે. તેથી પણ એ ફલિત થાય કે જેમ પહેલી દૃષ્ટિમાં રહેલા જીવો સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ યોગબીજો ગ્રહણ કરે છે, તેમ જે જીવોને ઉપદેશની સામગ્રી ન મળી હોય આમ છતાં યોગની ભૂમિકાને પામેલા છે, તેવા જીવોમાં પ્રકૃતિભદ્રકતાને કારણે દુઃખિતોને જોઈને અત્યંત દયાનો પરિણામ થાય છે, તે પણ યોગની નિષ્પત્તિનું બીજ છે. આથી મેઘકુમારના જીવે હાથીના ભવમાં સસલા પ્રત્યે અત્યંત દયા કરી, જે દયાના પરિણામથી સકામનિર્જરા અને યોગબીજનું ગ્રહણ થયું, અને તેના ફળરૂપે મેઘકુમારના ભવમાં યોગમાર્ગની પ્રાપ્તિ થઈ. ll૩૧-૩રા અવતરણિકા:
यतश्चैवमत: - અવતરણિકાર્ય :
જે કારણથી આમ છે=પૂર્વ શ્લોકમાં બતાવ્યું એવું ચરમાવર્તવાળા જીવનું લક્ષણ છે એમ છે, આથી શું ? તે આગળના શ્લોકમાં કહે છે –