________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૪૧
બીજી દષ્ટિવાળા જીવોને આ શૌચભાવનાથી સાત કાર્યો થાય છે.
૧૫૯
(i) સ્વાંગે જુગુપ્સા, (ii) બીજાની કાયા સાથે અસંગ, (iii) સત્ત્વશુદ્ધિ, (iv) સૌમનસ્ય, (v) એકાગ્રતા, (vi) ઇંદ્રિયોનો જય અને (vii) વિવેકખ્યાતિરૂપ આત્મદર્શનની યોગ્યતા.
(i) સ્વાંગે જુગુપ્સા ઃ- બીજી દૃષ્ટિવાળા યોગીને પોતાની કાયામાં જુગુપ્સા થાય છે. તે વિચારે છે કે આ કાયા અશુચિમય છે માટે આમાં મમત્વ કરવું જોઈએ નહિ.
(ii) બીજાની કાયા સાથે અસંગ ઃ- કાયાનું આવું જુગુપ્સનીય સ્વરૂપ હોવાથી બીજાની કાયા સાથે સંગ કરવાની વૃત્તિ બીજી દષ્ટિવાળા યોગીને થતી નથી.
(iii) સત્ત્વશુદ્ધિ :- શૌચભાવનાને કારણે જીવમાં કાયા પ્રત્યેનો રાગ-દ્વેષનો ભાવ ઘટવાથી પ્રકાશ અને સુખાત્મક સત્ત્વની શુદ્ધિ થાય છે.
આશય એ છે કે શરીર પ્રત્યે જુગુપ્સા કરવાથી શરીરનો રાગ ઘટતો જાય છે, ભોગાદિની લાલસા ઘટતી જાય છે અને ભોગરહિત એવા આત્માના સ્વરૂપનો બોધ થતો જાય છે, જે પ્રકાશાત્મક આત્માનો શુભ પરિણામ છે; અને ભોગથી વિમુખભાવમાં જ સ્વસ્થતાના સુખનો બીજી દૃષ્ટિવાળા યોગીને અનુભવ થાય છે. તે બતાવવા માટે કહ્યું કે શૌચભાવનાથી પ્રકાશ અને સુખાત્મક સત્ત્વની શુદ્ધિ થાય છે.
(iv) સૌમનસ્ય :– બીજી દષ્ટિવાળા યોગીને ખેદના અનનુભવ દ્વારા માનસિક પ્રીતિ થાય છે, શૌચભાવનાને કારણે દેહ જુગુપ્સનીય લાગવાથી તેની આળપંપાળ કરવાની મનોવૃત્તિ ઘટે છે, જેથી દેહની આળપંપાળ માટે શ્રમ કરવારૂપ ખેદનો અનનુભવ થવાને કારણે માનસિક આનંદ થાય છે.
(v) એકાગ્રતા :- બીજી દષ્ટિવાળા યોગીને શૌચભાવનાને કારણે કાયા પ્રત્યેનું મમત્વ ઘટવાથી યોગસાધનાના માર્ગમાં એકાગ્રતા આવે છે.
(vi) ઇંદ્રિયોનો જય :- બીજી દષ્ટિવાળા યોગીને કાયા પ્રત્યેનું મમત્વ ઘટવાથી કાયાને અનુકૂળ વિષયો પ્રત્યે પણ મમત્વ ઘટે છે, અને બધા જીવોની કાયા જુગુપ્સનીય દેખાવાથી કોઈનાં રૂપ-રંગ જોઈને ઇંદ્રિયો વિષય અભિમુખ જતી નથી. તેથી શૌચભાવનાને કારણે ઇંદ્રિયોનો જય થાય છે.
(vii) આત્માના દર્શનની યોગ્યતા ઃ- બીજી દૃષ્ટિવાળા યોગીને ભોગાદિની મનોવૃત્તિ ઘટવાથી આત્મદર્શનની યોગ્યતા પ્રગટે છે.
આનાથી એ ફલિત થાય કે શૌચભાવનાથી બીજી દૃષ્ટિવાળા જીવોને ક્રમસર ઉપર બતાવ્યાં તેવાં ફળો પ્રાપ્ત થાય છે, જ્યારે પહેલી દૃષ્ટિવાળા જીવોને યમાદિની સ્કૂલ આચરણાથી અધિક શૌચભાવનામાં કેવી રીતે યત્ન કરવો, વગેરેનો બોધ હોતો નથી. આવો બોધ પ્રગટે ત્યારે જીવ બીજી દષ્ટિમાં આવે છે.
બીજી દૃષ્ટિવાળા જીવો શૌચભાવના કરતા હોય છે, જેનાં ઉપર્યુક્ત સાત ફળો છે. બધા જ બીજી દૃષ્ટિવાળા યોગીઓને આ ફળો પ્રાપ્ત થાય તેવો નિયમ નથી; તોપણ બીજી દષ્ટિવાળા જીવોની શૌચભાવનાની પ્રવૃત્તિ તે ફળની નિષ્પત્તિની ભૂમિકારૂપ છે અને કોઈક યોગીને તે ફળો પ્રગટ પણ થયાં હોય છે.