________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૭-૪૮
૧૭૫ ભાવાર્થ :
બીજી દૃષ્ટિમાં પ્રથમ દૃષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ બોધ છે, તેથી બીજી દૃષ્ટિવાળા જીવોને ભવો જન્મ-જરામરણ-રોગ-શોક આદિથી આક્રાંત=વ્યાપ્ત દેખાય છે, તેથી ભવો દુઃખરૂપ માને છે. તેથી ભવનો ઉચ્છેદ કઈ રીતે થાય ? તેમ વિચારે છે; અને કંઈક નિર્મળ પ્રજ્ઞા થયેલી હોવાથી તેમને દેખાય છે કે ક્રોધ-માન-માયાલોભરૂપ ચાર કષાયથી સંસારી જીવો ભવનું સર્જન કરે છે, અને તેનો ઉચ્છેદ ચાર કષાયોના વિરુદ્ધભાવરૂપ ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિરીકતાથી થાય છે.
વળી તેઓ વિચારે છે કે આ ક્ષમાદિભાવો કયા પ્રકારે પ્રગટી શકે ? કેમ કે ક્રોધાદિભાવો વસ્ત્રની જેમ દૂર કરી શકાતા નથી કે જેથી ક્ષમાદિભાવો આવિર્ભાવ પામે. માટે કયા પ્રકારનો પ્રયત્ન કરવામાં આવે તો આ ભાવો પ્રગટે ? આ વિચારણાથી તેમને જણાય છે કે મુનિઓ ચૈત્યકર્માદિ પ્રવૃત્તિઓ=ચૈત્યવંદનાદિ ક્રિયાઓ, કરીને ક્ષમાદિભાવો પ્રગટ કરે છે, તેથી તેમ કરવામાં આવે તો ક્ષમાદિભાવો પ્રગટે; પરંતુ મુનિઓની ચૈત્યકર્માદિ પ્રકારની પ્રવૃત્તિઓ ઘણા પ્રકારની છે. તે સર્વ પ્રવૃત્તિઓ ક્ષમાને અનુકૂળ બને તે પ્રકારે કઈ રીતે જાણી શકાય ? કેમ કે મુનિઓની પ્રવૃત્તિ બાહ્ય આચરણારૂપે જેમ દેખાય છે, તેમ પ્રવૃત્તિકાળમાં જે રીતે ક્ષમાને અનુકૂળ તેઓ પ્રયત્ન કરે છે તે પ્રકારે તેઓની સર્વ પ્રવૃત્તિ જાણી શકાય તેમ નથી.
વળી તેમને વિચાર આવે છે કે મુનિઓની સર્વ પ્રવૃત્તિ જાણી શકાતી નથી, અને અમારામાં મહાન પ્રજ્ઞા નથી કે જેથી તેઓની બાહ્ય આચરણાના બળથી તેઓમાં વર્તતો ક્ષમાદિને અનુકૂળ પ્રયત્ન કેવો છે તે જાણી શકાય. પોતાની મહાન પ્રજ્ઞા કેમ નથી ? તેમાં તે વિચારે છે કે પોતાની પ્રજ્ઞાથી વિકલ્પિત પદાર્થોમાં પોતાને જ પાછળથી વિસંવાદ દેખાય છે અર્થાત્ પોતે જ પૂર્વે આ પ્રવૃત્તિ ક્ષમાદિગુણને અનુકૂળ છે તેમ માની યત્ન કર્યો, છતાં તે પ્રયત્નથી ક્ષમાદિ ગુણો પ્રગટ્યા નહિ, તેવો વિસંવાદ દેખાય છે. તેથી નક્કી થાય છે કે મુનિઓની અશેષ પ્રવૃત્તિ પોતે જાણી શકતા નથી.
વળી તેઓ વિચારે છે કે ભલે મારી પાસે મહાન પ્રજ્ઞા નથી, પરંતુ શાસ્ત્રના બળથી તેનો નિર્ણય થઈ શકે છે. માટે શાસ્ત્રમાં યત્ન કરવામાં આવે તો મુનિઓની અશેષ પ્રવૃત્તિનું જ્ઞાન થઈ શકે, અને તે જ્ઞાન પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં આવે તો ક્ષમાદિ ગુણો પ્રગટે અને ભવનો ઉચ્છેદ થાય. માટે ક્ષમાદિ ગુણો માટે શાસ્ત્રમાં યત્ન કરવો જોઈએ.
વળી તે વિચારે છે કે શાસ્ત્રનો વિસ્તાર સુમહાન છે; કેમ કે શાસ્ત્ર છે તે પ્રવૃત્તિનો હેતુ છે. આશય એ છે કે યોગમાર્ગને અનુકૂળ જે જે પ્રવૃત્તિઓ છે તે સર્વ પ્રવૃત્તિઓનો હેતુ શાસ્ત્ર છે; અને યોગમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિઓ ઘણી છે, તેથી તેને કહેનારા શાસ્ત્રનો વિસ્તાર ઘણો છે, તેથી તે શાસ્ત્ર દ્વારા પોતે મુનિઓની અશેષ પ્રવૃત્તિ જાણી શકે તેમ નથી.
તો હવે શું કરવું કે જેથી ભવનો ઉચ્છેદ થાય ? તેથી વિચારે છે કે સંસારનો ઉચ્છેદ કરવા અર્થે જે ક્ષમાદિ ગુણો પ્રગટ કરવા છે, તેના વિષયમાં જે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, તે વ્યતિકરમાં શિષ્ટ પુરુષો પ્રમાણ છે. આ પ્રમાણે બીજી દૃષ્ટિમાં જીવો સદા વિચારે છે. તેનું તાત્પર્ય ટીકામાં સ્પષ્ટ કરતાં કહે છે કે શિષ્ટ પ્રમાણ છે એટલે જે તેઓએ આચર્યું છે તે જ પોતાની શક્તિ પ્રમાણે સામાન્યથી કરવું યોગ્ય છે.