________________
૧૬૧
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૧ છતાં પહેલી દૃષ્ટિવાળા યોગીને સર્વ ધર્મકાર્યમાં ઉદ્વેગ આવે છે તેવો નિયમ નથી, પરંતુ આદરેલું અનુષ્ઠાન કષ્ટસાધ્ય છે તેવું જણાય ત્યારે તે અનુષ્ઠાન ઉદ્વેગથી પણ કરે; જ્યારે બીજી દૃષ્ટિવાળા યોગીને કંઈક સ્પષ્ટ બોધ હોય છે. તેથી યોગમાર્ગને અનુકૂળ એવા અનુષ્ઠાનના સેવનકાળમાં તે અનુષ્ઠાન કષ્ટસાધ્ય જણાય તોપણ શક્તિના પ્રકર્ષથી યત્ન કરે છે, પણ વેઠની જેમ કરતા નથી. તેનું કારણ એ છે કે આ દૃષ્ટિમાં રહેલા જીવને બોધ હોય છે કે “વેઠની જેમ કરીશ તો મારું હિત થશે નહિ.' તેથી કાર્ય કઠણ જણાય તો વધારે સાવચેતીપૂર્વક યત્ન કરીને શક્તિ અનુસાર તે અનુષ્ઠાનમાં યત્ન કરે છે. વળી પહેલી દૃષ્ટિવાળા જીવોનો બોધ મંદ હોવાથી જો તે અનુષ્ઠાન કષ્ટસાધ્ય જણાય તો સમ્ય પ્રયત્ન કરવામાં આળસ કરે છે, અને બાહ્ય આચરણામાત્ર કરીને તે અનુષ્ઠાન કર્યાનો સંતોષ માને છે; જ્યારે બીજી દૃષ્ટિવાળા જીવોને તો કંઈક સ્પષ્ટ બોધ હોવાને કારણે તે અનુષ્ઠાનથી કંઈક ઉચિત ભાવો ઉત્પન્ન કરવાનો આશય પ્રગટેલો હોય છે, જેથી અનુષ્ઠાન કષ્ટસાધ્ય જણાય ત્યારે આળસનો ત્યાગ કરીને શક્તિ અનુસાર તે અનુષ્ઠાનને સેવે છે; કારણ કે બીજી દૃષ્ટિવાળા યોગીને શૌચ-સંતોષાદિ નિયમ દ્વારા આત્માના ઉત્તમ ભાવો પ્રગટ કરવાનો પરિણામ પ્રગટેલો છે; જ્યારે પહેલી દષ્ટિવાળા જીવોને અહિંસાદિ પાંચ યમોની બાહ્ય ક્રિયાઓ સેવવામાં જ આત્મકલ્યાણની બુદ્ધિ છે. તેથી પહેલી દૃષ્ટિવાળા કરતાં બીજી દૃષ્ટિવાળા જીવો કંઈક પરિણામના અર્થી છે, તેથી જેમ બીજા યોગાંગને પ્રાપ્ત કરે છે તેમ ક્રિયાના આઠ દોષોમાંથી ઉદ્વેગ દોષના પરિહારપૂર્વક ક્રિયાને સમ્યગૂ નિષ્પન્ન કરવા પણ યત્ન કરે છે. દષ્ટિ બહારના, પહેલી દષ્ટિવાળા અને બીજી દષ્ટિવાળા જીવોના અનુષ્ઠાન વચ્ચેનો ભેદ :
યોગમાર્ગને નહિ પામેલા દૃષ્ટિ બહારના જીવો આલોક અને પરલોકના ફળની આશંસાથી ભૌતિક હિત માટે ક્વચિત્ સંયમ પાળતા હોય, અથવા દેવ-ગુરુનું કાર્ય કરતા હોય કે યમનું સેવન સારી રીતે કરતા હોય, તોપણ તે અનુષ્ઠાનમાં તેઓને પ્રતિ વર્તતી નથી; જેમ મજુરને મજુરીનું કાર્ય કરવામાં પ્રીતિ હોતી નથી, આમ છતાં ધન સારું મળે તેમ હોય તો તે મજુરીની બાહ્ય ક્રિયા અંતરંગ પ્રીતિ વિના સારી રીતે પણ કરે. જ્યારે યોગમાર્ગમાં પ્રવૃત્ત યોગીઓ સંયમપાલન, દેવ-ગુરુનું કાર્ય કે યમનું સેવન પરલોકના હિત માટે તો કરે જ છે, પરંતુ તે કાર્ય કરવામાં પણ તેઓને પ્રતિ વર્તે છે, તેથી પહેલી દૃષ્ટિવાળા જીવો ખેદ વગર પ્રીતિપૂર્વક ધર્મઅનુષ્ઠાન કરે છે. જેમ કોઈક ધનના અર્થે બાળક રમાડવાનું કામ સ્વીકારે છે અને તે બાળકને રમાડવામાં તેને પ્રીતિ પણ વર્તે છે. વળી, પહેલી દષ્ટિવાળા જીવો પ્રીતિપૂર્વક ધર્મઅનુષ્ઠાન કરે છે, છતાં કોઈક ધર્મઅનુષ્ઠાન કષ્ટસાધ્ય જણાય તો ઉદ્દેગ દોષથી રાજવેઠની જેમ કરે છે; જ્યારે બીજી દૃષ્ટિવાળા જીવોને તે અનુષ્ઠાન કષ્ટસાધ્ય જણાવા છતાં જાણે છે કે સમ્યગુ રીતે કરાયેલું અનુષ્ઠાન આત્માના ગુણની નિષ્પત્તિનું કારણ છે, તેથી તે અનુષ્ઠાન ઉદ્વેગ વગર શક્તિ અનુસાર યત્ન કરીને ફળની સિદ્ધિ થાય તે રીતે કરે છે.