________________
૧૫૮
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૪૧
સમ્યગ્દષ્ટિના, મિત્રાદષ્ટિવાળાના અને તારાદૃષ્ટિવાળાના બોધનો ભેદ :
તત્ત્વમાર્ગને જોવાનો પ્રારંભિક વિચાર પ્રગટ થયેલો હોવાને કારણે મિત્રાદષ્ટિવાળાને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ સેવવા જેવા છે તેટલો ક્ષયોપશમ થયેલો હોય છે, અને પોતાના સ્થૂલ બોધ પ્રમાણે એ પાંચ યમોને, સેવવાની રુચિવાળા હોય છે, અને પોતાની રુચિ અનુસાર તેઓ યમોમાં કંઈક યત્ન પણ કરતા હોય છે. આમ છતાં જે રીતે સમ્યગ્દષ્ટિ પાંચ યમરૂપ પાંચ મહાવ્રતોને મોક્ષના કારણરૂપે જોઈ શકે છે, તેવો સૂક્ષ્મબોધ પહેલી દૃષ્ટિવાળાને નથી; છતાં પહેલી દૃષ્ટિવાળાની યમની આચરણા પ્રધાનદ્રવ્યઆચરણા છે; જ્યારે સમ્યગ્દષ્ટિ તો સૂક્ષ્મબોધવાળા હોવાને કારણે ભગવાનના વચનાનુસાર એક અહિંસાવ્રતને પણ સર્વનયની દૃષ્ટિથી જોનારા હોય છે. તેથી ‘સ્વ ભાવપ્રાણના રક્ષણમાં જ અહિંસાવ્રતની વિશ્રાંતિ છે, અને સ્વ ભાવપ્રાણના રક્ષણમાં કરાયેલો યત્ન પરંપરાએ વીતરાગતાનું કારણ બને, બાકીનાં ચાર વ્રતો પણ સ્વ ભાવપ્રાણના રક્ષણરૂપ અહિંસાની વાડરૂપ છે.' આ રીતે પાંચ વ્રતોના પરમાર્થને સમ્યગ્દષ્ટિ જોનારા હોય છે. તેથી અહિંસાદિના પારમાર્થિક બોધપૂર્વક અહિંસાદિમાં જો યત્ન કરે તો તેમનું અહિંસાદિનું પાલન ભાવઅહિંસાદિના પાલનરૂપ બને છે. તેવું વ્રતોનું પાલન પહેલી દૃષ્ટિવાળાને નથી, તોપણ પ્રધાનદ્રવ્યક્રિયા હોવાથી ભાવયમના પાલનનું કારણ બને તેવું યમોનું પાલન પ્રથમ દૃષ્ટિવાળાને હોય છે.
આનાથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિના બોધ અનુસાર પાંચ મહાવ્રતોમાં આખો યોગમાર્ગ સંગૃહીત થાય છે, અને તે બોધ અનુસાર જે કંઈ અહિંસાદિનું પાલન સમ્યગ્દષ્ટિ કરે તે સર્વ ભાવઅહિંસાદિના પાલનરૂપ બને છે; જ્યારે પહેલી દષ્ટિવાળાને સ્થૂલથી અહિંસાદિ પાંચ યમનો બોધ હોય છે, અને તે બોધ અનુસાર રુચિપૂર્વકની આચરણા કરે છે; અને તારાદૃષ્ટિમાં તે યોગમાર્ગનો બોધ કંઈક સ્પષ્ટ થાય છે, જેથી અહિંસાદિ પાંચ યમની આચરણા સાથે શૌચાદિ નિયમોને પણ તે યોગમાર્ગની ભૂમિકારૂપે જોઈ શકે છે. તેથી તારાદૃષ્ટિવાળા શૌચાદિ ભાવોમાં રુચિ અનુસાર યત્ન કરીને નિયમોનું પાલન પણ કરે છે, જ્યારે મિત્રાદ્દષ્ટિવાળાને તેવા પ્રકારનો ક્ષયોપશમ નહિ હોવાથી યમથી અતિરિક્ત શૌચાદિ ભાવોને યોગમાર્ગના પરિણામરૂપે તેઓ જોઈ શકતા નથી.
બીજી દૃષ્ટિવાળાને પાતંજલસૂત્ર અનુસાર અથવા ૨૨મી બત્રીશી અનુસાર શૌચાદિ નિયમોનો બોધ આ પ્રમાણે છે :
(૧) શૌનિયમ - શૌચ બાહ્ય અને અત્યંતર બે ભેદવાળો છે. બાહ્ય શૌચ માટી આદિથી કાયાના પ્રક્ષાલનરૂપ છે અને અત્યંતર શૌચ મૈત્ર્યાદિભાવોથી ચિત્તની મલિનતાના પ્રક્ષાલનરૂપ છે.
બીજી દૃષ્ટિવાળા વિચારે છે કે આ શરીર અશુચિમય છે, માટે તેનું માટી આદિથી પ્રક્ષાલન કરીને આત્મકલ્યાણ માટે ભગવદ્ભક્તિમાં યત્ન કરવો જોઈએ. વળી તે વિચારે છે કે જેમ ભગવદ્ભક્તિ માટે બાહ્યશુચિપણું આવશ્યક છે તેમ આંતરશુચિપણું પણ આવશ્યક છે, માટે આત્માને મૈત્રી આદિ ભાવોથી પણ શુદ્ધ કરવો જોઈએ.