________________
૧૧૬
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૫
હોવાને કારણે તેમનું ભગવદ્ભક્તિઅનુષ્ઠાન સુંદર છે, તોપણ મોક્ષનું કારણ બનતું નથી. તેથી તે વખતે વર્તતું જિનકુશલચિત્તાદિ સંશુદ્ધ નથી; અને તે યોગદૃષ્ટિવાળા યોગી સંજ્ઞાના વિખુંભણથી યુક્ત ભગવાનની ભક્તિ કરે છે ત્યારે, ભવભોગના નિઃસ્પૃહ આશયથી પ્રગટ થયેલું એવું તે ભક્તિઅનુષ્ઠાન મોક્ષનું કારણ બને છે, માટે તે યોગબીજ છે.
અહીં કહ્યું કે સંજ્ઞાથી સંપ્રયુક્ત અનુષ્ઠાન સુંદર પણ અભ્યુદય માટે છે. ત્યાં ‘પિ’ શબ્દથી એ પ્રાપ્ત થયું કે જે જીવો આ સંજ્ઞાને વશ જ અનુષ્ઠાન કરે છે, પરંતુ ભગવાન પ્રત્યે બહુમાન નથી, તેઓનું તે અનુષ્ઠાન સુંદર નથી; પરંતુ જેઓને ભગવાન પ્રત્યે બહુમાનભાવ છે તેથી શુદ્ધ આશય છે; આમ છતાં ક્યારેક નિમિત્તભાવને પામીને તેમના અનુષ્ઠાનમાં સંજ્ઞા પ્રવેશ પામે છે, અને કોઈક વખતે આનુષંગિક સંજ્ઞા પ્રવેશ પામે છે. જેમ કોઈ જીવ ભગવાનની ભક્તિ વિશુદ્ધ આશયથી કરતો હોય, છતાં તેની ભક્તિની કોઈ પ્રશંસા કરે તો નિમિત્ત પામીને માનસંજ્ઞા પ્રવેશ પામે; અને તેવો જીવ ક્યારેક આનુષંગિકરૂપે સંજ્ઞાને વશ થઈને પણ ભગવદ્ભક્તિ આદિમાં પ્રવૃત્તિ કરતો હોય, તોપણ તે સંજ્ઞા કરતાં યોગમાર્ગનું મહત્ત્વ ઘણું હોય છે. જેમ શ્રીપાળરાજા સ્ત્રીના અભિલાષથી નવપદનું ધ્યાન કરે છે ત્યારે પણ સ્ત્રીના ભોગ કરતાં યોગમાર્ગનું મહત્ત્વ અધિક છે, આમ છતાં તે નવપદના ધ્યાનની પ્રવૃત્તિનો પ્રવર્તક પરિણામ સ્ત્રીનો અભિલાષ છે. તેથી આનુષંગિક રીતે કે સાક્ષાત્ રીતે પણ સંજ્ઞા પ્રવર્તતી હોય, અને યોગમાર્ગનો બલવાન રાગ હોય, તો તે સંજ્ઞાવાળું પણ અનુષ્ઠાન સુંદર છે તોપણ અભ્યુદય માટે છે; અને જેનો યોગમાર્ગનો રાગ હણાય અને તેના કરતાં સંજ્ઞાનું સ્થાન બલવાન બને તેનું અનુષ્ઠાન સુંદર પણ નથી; તેથી અભ્યુદય માટે નથી.
વળી સંશુદ્ધ એવું જિનકુશલચિત્તાદિ જેમ સંજ્ઞાવિખંભણઅન્વિત છે તેમ ફળઅભિસંધિરહિત પણ છે અર્થાત્ આલોક કે પરલોકના સંસાર અંતર્ગત ફળના અભિલાષ વગરનું છે; અને જો સંસાર અંતર્ગત ફળના અભિલાષવાળું હોય તો તે અનુષ્ઠાન સુંદર હોય તોપણ અભ્યુદય માટે છે, નિઃશ્રેયસ માટે નથી. માટે તેવા અનુષ્ઠાનમાં વર્તતું જિનકુશલચિત્તાદિ સંશુદ્ધ નથી.
અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે સંજ્ઞા વગરનું અનુષ્ઠાન હોય તો ભવાંતર્ગત ફળઅભિસંધિ સંભવે જ નહિ. તેથી સંશુદ્ધચિત્તનું વિશેષણ સંજ્ઞાવિખંભણઅન્વિત આપ્યા પછી ફળઅભિસંધિરહિત આપવાની જરૂર રહેતી નથી. તેનો જવાબ આપતાં ગ્રંથકાર કહે છે
તારી વાત સાચી છે અર્થાત્ દશે સંજ્ઞામાંથી કોઈપણ સંજ્ઞા ન હોય તો ફળઅભિસંધિ હોય નહિ. આમ છતાં પ્રસ્તુત શ્લોકમાં સંજ્ઞાવિખંભણઅન્વિત એ વિશેષણથી આ ભવઅંતર્ગત કોઈ ફળઅભિસંધિ નથી એમ બતાવેલ છે, અને ફળઅભિસંધિરહિત એ વિશેષણ દ્વારા આ ભવથી અન્ય એવા ભવ અંતર્ગત તીર્થંકરતુલ્યત્વાદિ ફળની અભિસંધિથી રહિત છે તેમ કહેલ છે. તેથી આ બે વિશેષણથી એ પ્રાપ્ત થાય કે જેનું ચિત્ત આ ભવના કોઈપણ ફળની અપેક્ષા વગરનું હોય અને પરભવના પણ કોઈપણ ફળની અપેક્ષા વગરનું હોય અને તેથી ભગવાનમાં અત્યંત ઉપાદેયબુદ્ધિને કારણે ભગવાનની ભક્તિ કરીને સંસારથી તરવાની અભિલાષાવાળું હોય તો સંશુદ્ધ જિનકુશલચિત્ત છે અને તે યોગનું બીજ છે.