________________
૭૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫ ભાવાર્થ
(૫) સ્થિરાદષ્ટિ :- ગ્રંથિભેદ કર્યા પછી જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે સ્થિરાદૃષ્ટિ પ્રગટે છે. સ્થિરાદષ્ટિનો બોધ રત્નની પ્રભા સમાન છે. જાજ્વલ્યમાં રત્ન દીવા કરતાં પણ અતિશય પ્રકાશ કરે છે, તેવા રત્નની પ્રભા જેવો બોધ સ્થિરાદૃષ્ટિમાં હોય છે. વળી આ બોધ સ્થિર હોય છે, તે બતાવવા માટે દૃષ્ટિનું નામ સ્થિરા કહેલ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે ચાર દૃષ્ટિમાં જીવને જે બોધ થાય છે, તે બોધ દૃષ્ટિથી પાત થયા વગર પણ ચાલ્યો જાય છે. જેમ મિત્રાદૃષ્ટિમાં તૃણઅગ્નિકણ જેવો બોધ છે, તેથી મિત્રાષ્ટિમાં રહીને વંદનાદિ ક્રિયા કરે ત્યારે પણ ચાલ્યો જાય છે; અને દીપ્રાદષ્ટિમાં બોધ ઘણો છે, તોપણ જેમ દીવાને પવનનો ઝપાટો આવે તો ઓલવાઈ જાય છે, તેમ ચોથી દૃષ્ટિ સુધીનો બોધ વિપરીત નિમિત્તને પામીને નાશ પામે, તોપણ યોગી યોગમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યેની રૂચિને વહન કરીને તે દૃષ્ટિમાં રહી પણ શકે છે. જ્યારે સમ્યગ્દષ્ટિને ગ્રંથિભેદથી જે યોગમાર્ગનો બોધ થાય છે તે સ્થિર છે, અને તેથી જ્યાં સુધી તે સમ્યકત્વને વમન કરતો નથી ત્યાં સુધી ભગવાનના વચનમાં તેને સ્થિર શ્રદ્ધા હોય છે, તેથી ગુણસ્થાનકના પાત વગર સમ્યગ્દષ્ટિનો બોધ નાશ પામતો નથી. ક્વચિત્ વિપરીત સામગ્રી મળે તો, રત્નની પ્રભા ઉપર ધૂળના પડલથી જેમ ઝાંખાશ આવે, તેમ તે સામગ્રી અતિચાર આપાદક બને, પરંતુ રત્નની કાંતિ જેમ નાશ પામે નહિ, તેમ સ્થિરાદૃષ્ટિવાળાનો બોધ નાશ પામે નહિ. આથી સ્થિરાદૃષ્ટિમાં ભગવાનના વચન પ્રત્યે સ્થિર શ્રદ્ધા હોય છે.
સ્થિરાદષ્ટિનો બોધ અપ્રતિપાતી છે, એમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે પવનના ઝપાટાથી જેમ દીવો બુઝાઈ જાય છે, તેમ વિપરીત નિમિત્તથી દીપ્રાદિદષ્ટિનો બોધ નાશ પામે છે, જ્યારે સ્થિરાદષ્ટિનો બોધ નાશ પામતો નથી, માટે અપ્રતિપાતી છે; કેમ કે જ્યાં સુધી જીવ સ્થિરાદૃષ્ટિમાં છે ત્યાં સુધી તમેવ સર્વે નિક્સ એ પ્રકારની ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધાથી યુક્ત તેનો બોધ છે, માટે તેનો બોધ અપ્રતિપાતી છે. વળી સ્થિરાદૃષ્ટિમાં રહેલા યોગીને ભગવાનના વચન પ્રત્યે અત્યંત પક્ષપાત હોવાને કારણે નવું નવું શ્રત ભણે છે, જેથી તે યોગીનો બોધ પ્રવર્ધમાન છે.
વળી તે યોગીનો બોધ અપાય વગરનો છે; કેમ કે સમ્યગ્દષ્ટિનો બોધ પાપપ્રવૃત્તિને શિથિલ કરીને અનર્થોથી રક્ષણ કરે છે. તેથી સમ્યગ્દષ્ટિ ક્વચિત્ સંસારની પ્રવૃત્તિ કરતો હોય તો પણ તેનો બોધ ક્યારે પણ તેને અનર્થનું કારણ બનવા દેતો નથી.
વળી સમ્યગ્દષ્ટિને ભગવાનના વચન પ્રત્યેની સ્થિર રુચિ હોવાથી “ભગવાને જે કહ્યું છે તે જ તત્ત્વ છે' તેવો બોધ હોય છે. માટે તેનો બોધ કોઈના પરિતાપનું કારણ બનતો નથી. ક્વચિત્ કર્મને પરતંત્ર થઈને સત્યકી વિદ્યાધરની જેમ અનુચિત પ્રવૃત્તિ કરતો હોય અને તેનાથી બીજાને પરિતાપ થતો હોય, તોપણ તેનો બોધ બીજાના પરિતાપનું કારણ નથી. વસ્તુતઃ તે પ્રકારની વિપરીત પ્રવૃત્તિ કરાવનાર બલવાન કર્મ બીજાના પરિતાપનું કારણ બને છે; તેનો બોધ તો કોઈને પરિતાપ ન કરાવે તેવી પ્રવૃત્તિ કરવા પ્રેરણા આપે છે.
વળી ભગવાનના વચનની રુચિથી નિયંત્રિત તે સમ્યગ્દષ્ટિનો બોધ હોવાથી જગતના જીવમાત્રના હિતનું કારણ હોય છે, તેથી બધાને પરિતોષનો હેતુ છે.