________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
એક રાત અનેક વાત તારા બાપુજીએ તને કોઈ ઠપકો આપ્યો? ના, ના, તારા બાપુજી તને ક્યારેય દુભવે નહીં.. તો પછી આમ અચાનક તું કેમ ચાલ્યો ગયો?
આપણા ઘરમાં કોઈ વાતે ઊણપ નથી. શું નથી આપણા ઘરમાં? તું જે માગતો હતો તે તને મળતું હતું... તારી દરેક ઈચ્છા પૂરી થતી હતી. છતાં તું કેમ ચાલ્યો ગયો? તને બેટા, માના હૈયાનો વિચાર ન આવ્યો? તારા પિતાના હૃદયનો વિચાર ન આવ્યો? તારી વહુ પણ તને યાદ ના આવી?
કેવી રૂપાળી છે મારી વહુ? કેવી ગુણિયલ છે વહુ? તને પરણાવીને તો અમે.. હું અને તારા પિતા.. કેટલાં નિશ્ચિત બની ગયાં હતા? કેટલી બધી સુખની કલ્પનાઓ બાંધી હતી? અમારી કલ્પનાઓની ઇમારત તૂટી પડી...
બેટા, તારા વિનાનું આ ઘર શૂન્ય ભાસે છે... કાંઈ જ ગમતું નથી. અમારો આનંદ ઢોળાઈ ગયો... અમારું સુખ નાશ પામી ગયું... બધું જ હોવા છતાં અમે જાણે નિરાધાર બની ગયાં.. ઠીક છે.. તને ગમ્યું તે ખરું. તે કંઈ ખોટો માર્ગ લીધો નથી, મારગ તો સારો જ છે, સાચો જ છે. પણ મારી મોદશા મને રડાવે છે... મારો રાગ મને દુઃખી કરે છે.
ભવદત્તને મુનિવેષમાં જોઈને હું ગાંડી-ઘેલી થઈ ગઈ હતી. એણે મારી કૂખ ઉજાળી છે... એણે કુળ અને વંશની કીર્તિ વધારી છે... હું એના ગુણ ગાતાં થાકતી નથી. તે પણ બેટા એ જ મારગ લીધો છે... કાંઈ ખોટું નથી કર્યું... પણ મારો તારા ઉપરનો મોહ છે ને?
બેટા, તું તારા મોટાભાઈને વળાવવા ગયો હતો.. ને આમ અચાનક. સાધુનો ભેખ કેમ લઈ લીધો? અમને પૂછુયા વિના એક પગલું નહીં ભરનારો તું. કેવો વિનયી.... કેવો માતૃભક્ત કેવો પિતૃભક્ત! અને તેં અમને અજાણ રાખીને સંયમ મારગ લઈ લીધો?
અચાનક તને શું થઈ ગયું હતું? તારો અમારા સહુના ઉપરનો મોહ કેવી રીતે ઊતરી ગયો? તો ભઈલા, તું અહીં આવીને મારી મોહ પણ ઉતારી નાખ. હવે તો જો કે જીવવાનો જ મોહ રહ્યો નથી... કોના માટે જીવવાનું?
છતાં જીવવું તો પડશે જ. મારી વહુના માટે જીવીશ. એ બિચારીને હવે અમારે જ સાચવવાની છે ને? સાચવીશ, એના તનને સાચવીશ, એના મનને સાચવીશ. હવે મારે એ જ બેટી છે... અને એ જ બેટો છે...
કાંઈ નહીં, વત્સ, તું સુખી રહે, સુખથી જીવે.. આત્માનું કલ્યાણ કરે એટલે બસ. તારા સુખે અમે સુખી...'
For Private And Personal Use Only