________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્યાણમિત્ર : ધર્મેશ
ના મા, તમારે પારણાની તૈયારી કરવાની નથી!” ધર્મેશે ખંડમાં પ્રવેશતાં કહ્યું. : “કેમ બેટા?' યશોદાએ ધર્મેશને પણ શ્વેત વસ્ત્રોમાં જોયો.
કારણ કે તે આજે આયંબિલનો આહાર લેશે. તે પણ રાજમહેલમાં બનેલો આહાર નહીં લે. હું એના માટે નિર્દોષ આહાર ભિક્ષામાં લઈ આવીશ..” “એટલે બેટા, તું શું નગરમાં ભિક્ષા લેવા જઈશ?”
“હા મા, હવે કુમાર કુમાર નથી. તે ઘરમાં રહેલો ભાવ-સાધુ છે. એ મારા ગુરુ છે, હું એમનો શિષ્ય છું. હું હવે દિવસ-રાત એમની પાસે રહીશ મા!'
યશોદા ધર્મેશને આશ્ચર્યથી તાકી રહી. તેનું મન કાંઈક આશ્વસ્ત બન્યું. રડી રડીને સૂજી ગયેલી... શુષ્ક બની ગયેલી આંખોમાં આનંદની ભીનાશ પ્રગટી.
બેટા, તું કુમાર માટે.. તારાં સુખ શા માટે છોડે છે...?'
મા, હવે આ જીવનમાં કુમાર જ મારું સર્વસ્વ રહેશે. જ્યાં એ... ત્યાં હું! એ જ મારી ગતિ અને એ જ મારી મતિ...”
કોશલા અહોભાવથી ધર્મેશની સામે નતમસ્તક બની ગઈ. તેની આંખો વરસી પડી. તેનું હૃદય પુલકિત બની ગયું. “મિત્રનું આ કેવું અદ્ભુત સમર્પણ! કેવો નિઃસ્વાર્થ પ્રેમ!' તે મનોમન બોલી ઊઠી. “સમર્પિત સાથી-સંગાથી મળવાથી કુમાર... મારા નાથ... કાંઈક સ્વસ્થ બનશે. એમને પ્રેમથી કેવા સમજાવી દીધા ધર્મેશે? કેવા કેવા તર્ક કર્યા? કેવા કેવા સિદ્ધાંતો સમજાવ્યા? સમજાવવાની રીત પણ કેવી સરળ? આ રીતે એમની પ્રતિદિન ધર્મચર્ચા-વાર્તાલાપ ચાલતો રહેશે. તો બન્નેનો સમય આનંદથી વ્યતીત થશે. અલબત્ત, બે-બે ઉપવાસના પારણે આયંબિલનું રૂક્ષ ભોજન કરવાથી શરીરની શક્તિ તો ઘટવાની, પરંતુ હવે માનસિક રીતે તેમની સ્વસ્થતા સારી રહેવાની.
મહારાજા પધરથને સમાચાર મળતાં તેઓ પણ ત્યાં આવી ગયા. તેઓ ખૂબ પ્રસન્નચિત્ત હતા. કારણ કે તેમનું અનુમાન સાચું પડ્યું હતું. “કુમારને ધર્મેશ સમજાવી શકશે.” આ તેમનું અનુમાન હતું.
ધર્મેશ! બેટા, તેં અમને જીવન આપ્યું. કુમારના પ્રાણ તો બચાવી લીધા, અમને પણ ઘોર સંકટમાંથી ઉગારી લીધા.... ખરેખર, તેં મિત્રધર્મનું યથાર્થ પાલન કર્યું છે.”
મહારાજા, હવે હું આપને વિનંતી કરું છું કે આપ કુમારને પુત્ર ન માનશો.
For Private And Personal Use Only