________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. સાથી પ્રીત
સમુદ્રપ્રિય, સમુદ્રદત્ત વગેરે શ્રેષ્ઠીઓના દ્વારે પ્રભાતના સમયે રથોમાંથી કન્યાઓ ઊતરી. નક્કી કર્યા મુજબ દરેક કન્યાએ પોત-પોતાનાં માતા-પિતાને શ્રેષ્ઠી સમુદ્રપ્રિયની હવેલીમાં ભેગાં થવાની વાત કરી. આવેલા રથમાં જ તે તે શ્રેષ્ઠીઓ પત્ની અને પુત્રી સાથે સવાર થયા અને સમુદ્રપ્રિય શ્રેષ્ઠીની હવેલીએ પહોંચ્યા.
સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ સહુનું ભાવભીનું સ્વાગત કર્યું.
હવેલીના મધ્ય ભાગમાં એક વિશાળ સુશોભિત ખંડ હતો. એ ખંડમાં એક બાજુ આઠ શ્રેષ્ઠીઓ પંક્તિબદ્ધ ગોઠવાયા, બીજી બાજુ શ્રેષ્ઠીપત્નીઓ પણ એ જ રીતે બેસી ગઈ અને તેમની સામે આઠ કન્યાઓ બેસી ગઈ.
વાતાવરણમાં ગંભીરતા હતી. કાંઈક વિષાદ હતો અને આછો આછો ભય પણ તરવરતો હતો. ત્યાં સમુદ્રશ્રીએ ઊભા થઈ, સર્વ વડીલોને પ્રણામ કરી વાતનો આરંભ કર્યો :
‘અમારાં ઉપકારી માત-તાત, આપ જરાય આશ્ચર્ય પામ્યા વિના અમારાં સહુની વાત સાંભળશો.
અમે ધાર્યું હતું કે લગ્ન કરીને અમે પહેલી જ રાતે કુમા૨ને મનાવી લઈશું એમના શુષ્ક-વૈરાગી હૃદયને રાગના નીરથી ભરી દઈશું, તેઓ દીક્ષાની વાત ભૂલી જશે. આપ સહુએ પણ એમ જ ધાર્યું હશે. અમારાં સાસુ-સસરાએ પણ એમ જ ધાર્યું હતું. સાસુએ તો અમને શયનખંડમાં જવા પૂર્વે કહ્યું હતું : ‘મને વિશ્વાસ છે કે મારા પુત્રને તમે આઠેય મળીને રાગી બનાવી દેશો.'
પરંતુ વાત એનાથી ઊલટી જ બની ગઈ છે. અમે તેમને રાગી બનાવી શક્યાં નથી. આખી રાત અમારો વાર્તાલાપ થતો રહ્યો. અમે આઠેયે સંસારપક્ષની અનેક તર્કયુક્ત વાતો કરી, દૃષ્ટાંતો આપ્યાં, એની સામે એમણે પણ વૈરાગ્ય પક્ષનાં સચોટ તર્ક અને દૃષ્ટાંતો આપ્યાં.
પરંતુ હૃદય-પરિવર્તન માત્ર તર્ક અને દૃષ્ટાંતોથી થોડું જ થાય છે? ખરેખર, તેઓ નહોતા બોલતા, તેમનું વિરક્ત હૃદય બોલતું હતું. ભલે, એમની વાતોએ અમને વિરક્ત ન બનાવ્યાં, પરંતુ એમના પ્રત્યે વિશેષ અનુરાગી તો અવશ્ય બનાવી દીધાં છે. તેમના પ્રત્યે અમારો આદર... અમારો પ્રેમ અનહદ વધી ગયો છે.
તેઓ આજે જ ગણધર ભગવંત સુધર્મા સ્વામીનાં ચરણોમાં ચારિત્ર ધર્મ અંગીકાર કરવા કૃતનિશ્ચયી છે. તેઓ આજે, જેમ સર્પ પળવારમાં કાંચળી ઉતારી નાખે તેમ ગૃહવાસને ત્યજી અણગાર બની જશે.
For Private And Personal Use Only