________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા... દીક્ષા... દીક્ષા...
૧૭૯
‘બેટી, આ બધું શું બની રહ્યું છે... મને તો કાંઈ સમજાતું નથી. જ્યારથી જંબૂ વૈરાગી બન્યો છે... મારી તો બુદ્ધિ જ કામ કરતી નથી. આટલાં બધાં સુખ છે... કોઈ દુઃખ નથી, કોઈ અશાન્તિ નથી... છતાં કેમ બધું છોડીને દીક્ષા લેવાની એ વાત કરે છે... અને અધૂરામાં પૂરું ... તમને આઠેયને પણ વૈરાગી બનાવી દીધી!'
‘ના, ના, માતાજી, અમે વૈરાગી નથી બન્યાં. અમને એમના ઉપર એવો ને એવો જ રાગ છે... પરંતુ હવે તેઓ સંસારમાં રહેવાના નથી, સંસારનાં સુખ ભોગવવાના નથી, તો પછી અમે સંસારમાં શા માટે રહીએ?’
‘મારી પાસે રહેજો બેટી, ભલે કુમાર દીક્ષા લે, તમને હું સારી રીતે રાખીશ. કોઈ વાતે તમને ઓછું નહીં આવવા દઉં... તમારે શા માટે દીક્ષા લેવી જોઈએ?’
એટલા માટે માતાજી, કે અમે એમના વિના સંસારમાં નહીં રહેવાનો સંકલ્પ કરેલો છે, એ જે સુખો ન ભોગવે, તે સુખો અમારે નહીં ભોગવવાનાં.' ‘એટલે તમે પણ દીક્ષા લેવાનાં જ...'
‘હા, માતાજી...'
‘પ્રભવ, આ છે મારાં માતાજી!' ધારિણીના ખંડમાં પ્રવેશ કરતાં જંબૂકુમારે પ્રભવને ધારિણીની ઓળખાણ આપી, પ્રભવ ધારિણીના પગમાં પડી ગયો. પ્રભવના સાથીદારોએ પણ એક પછી એક ધારિણીનાં ચરણોમાં પ્રણામ કર્યા.
‘મા, આ છે વિંધ્યરાજનો જ્યેષ્ઠ પુત્ર પ્રભવ...'
‘માતાજી, એક વખતે રાજકુમાર હતો, અત્યારે તો ડાકુ છું...'
વાર્તાલાપ ચાલતો હતો ત્યાં શ્રેષ્ઠી ઋષભદત્તે પ્રવેશ કર્યો. આઠેય પુત્રવધૂઓ ત્યાંથી પોતાના ખંડમાં ચાલી ગઈ. જંબૂકુમારે ઋષભદત્તને પ્રભવનો પરિચય કરાવ્યો. પ્રભવે કહ્યું :
‘કુમારનો સંસારત્યાગ કરવાનો નિર્ણય ખરેખર, અદ્ભુત છે. આ નિર્ણયની સત્યાસત્યતા અંગે આખી રાત અમારી ચર્ચા ચાલી... ખરેખર, આપની આઠ પુત્રવધૂઓ પણ વિચક્ષણ છે, અનોખી બુદ્ધિપ્રતિભા ધરાવે છે. કેવા સુંદર તર્ક કર્યા તેમણે! પરંતુ કુમારે તેમના બધા તર્કના સુંદર પ્રત્યુત્તરો આપ્યા... મારી જિજ્ઞાસાઓ પણ સંતોષી...'
આટલું બોલી તેણે જંબૂકુમાર સામે જોયું. જંબૂકુમારે કહ્યું : ‘પિતાજી, પ્રભવ પણ સંસારત્યાગ કરશે... ને ચારિત્ર ધર્મ અંગીકાર કરશે... હમણાં તે વિંધ્યરાજ પાસે જશે...’
For Private And Personal Use Only