________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી પ્રીત
૧૭૩ કનકસેનાના પિતા કુબેરદત્ત શ્રેષ્ઠીએ કહ્યું : આપણી પુત્રીઓને હું ક્રોડકોડ અભિનંદન આપું છું. યૌવનકાળમાં વ્રતોનું પાલન દુષ્કર હોય છે એવું દુષ્કર કાર્ય આપણી પુત્રીઓ કરી રહી છે... બેટી કનકસેના, હું અને તારી માતા - અમે બન્ને તારી સાથે જ દીક્ષા લઈશું.” કનકસેના હર્ષથી નાચી ઊઠી, તેણે માતા-પિતાનાં ચરણને આંસુથી ભીના કરી દીધાં.
નભસેનાની માતા કનકવતીએ કહ્યું : “બેટી નભસેના, જો તારા પિતા દીક્ષા માટે મને સંમતિ આપે તો તારી સાથે હું પણ દીક્ષા લઉં.' કનકવતીએ શ્રેષ્ઠી કનકસેન તરફ જોયું. કનકસેનની આંખો ભીની હતી. પુત્રી તરફ અતિ રાગ ધરાવતા કનકસેને કહ્યું : “બેટી, અમે બન્ને આજે તારી સાથે જ દીક્ષા લઈશું.” નભસેનાએ માતા-પિતાનો આદર કર્યો ને તેમનો ઉપકાર માન્યો.
કનકશ્રીના પિતા શ્રમણદત્તે શ્રીષેણાની સંમતિ ઇશારાથી લઈ જ લીધી હતી. તેમણે કહ્યું : “બેટી કનકશ્રી, તમે આઠેય પુત્રીઓએ અમારી સાત પેઢીને તારી નાંખવાનું પુણ્યકાર્ય કર્યું છે. અમે બન્ને પણ તમારી સાથે સંસારત્યાગ કરીશું.' કનકશ્રીએ હર્ષવિભોર બની માતા-પિતાનાં ચરણે પ્રણામ કર્યા.
કનકવતીના પિતા વસુષેણે, પોતાની ધર્મપત્ની વીરમતીની સંમતિ જાણીને કહ્યું : “બેટી કનકવતી, અમે બન્ને તમારી સાથે ચારિત્ર ધર્મ અંગીકાર કરીશું.” કનકવતીએ આનંદિત થઈને માતા-પિતાને વંદના કરી,
જયશ્રીના પિતા વસુપાલિતે કહ્યું : “બેટી, અમે બન્ને પણ તારી સાથે જ દીક્ષા લઈશું.” જયશ્રી પુલકિત બની ગઈ. તેણે માતા-પિતાને આદરથી પ્રણામ કર્યા.
સમુદ્રશ્રીનાં માતા-પિતાએ પણ સમુદ્રશ્રીની સાથે દીક્ષા લેવાની જાહેરાત કરી દીધી. આ રીતે આઠેય કન્યાઓના માતા-પિતા દીક્ષા લેવા તત્પર બન્યાં.
સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ અન્ય શ્રેષ્ઠીઓને કહ્યું : “હવે એક પળનોય પ્રમાદ કર્યા વિના આપણે જલદીથી તૈયાર થઈ શ્રેષ્ઠીશ્રી ઋષભદત્તની હવેલીએ પહોંચવું જોઈએ.' સહુ શ્રેષ્ઠીઓ પોત-પોતાના નિવાસે પહોંચ્યા અને આવશ્યક કાર્યોને પતાવવા લાગ્યા.
૦ ૦ ૦ પ્રભવ, તું અવશ્ય વિંધ્યરાજ પાસે જજે, તેમની અનુમતિ લેજે. અપરાધોની ક્ષમા માંગજે. નાના ભાઈ પ્રભુ સાથે પણ ક્ષમાપના કરી લેજે.
ચારિત્ર ધર્મ અંગીકાર કરવા પૂર્વે, સર્વ વેર-વિરોધોને ઉપશમાવવા જોઈએ. કોઈનાય પ્રત્યે આપણા હૃદયમાં વેર-વિરોધ ન જોઈએ. કોઈનાય દિલમાં આપણા પ્રત્યે વેર-વિરોધ ન જોઈએ.
For Private And Personal Use Only